ત્રીજા ટેસ્ટમેચનો ત્રીજો દિવસ ભારતીય ટીમ માટે અહમ: ૪૦૦ પ્લસ રની લીડ હાંસલ કરવાનો ટાર્ગેટ
બે ટેસ્ટની હાર બાદ ભારતે ફરી ધમાકેદાર વાપસી કરી છે. ઇંગ્લેન્ડ વિરૂધ્ધના ત્રીજા ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમે બે વિકેટ પર ૧૨૪ રન બનાવ્યા છે અને આ શાનદાર પ્રદર્શનની સાથે ભારતીય ટીમ ત્રીજા ટેસ્ટમાં વિજય તરફ આગળ વધી છે કારણ કે ભારતે ૨૯૨ રન બનાવી ઓવરઓલ લીડ હાંસલ કરી લીધી છે.ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ સામેના પ્રથમ અને બીજા ટેસ્ટમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડયો હતો.
પરંતુ હવે ત્રીજા ટેસ્ટમાં ૨૯૨ રનની લીડ મેળવી ભારતે મેચ પર પોતાનો દબદબો ઉભો કર્યો છે. આ અગાઉ ભારતના ૩૨૯ રનના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ ૧૬૧ રન બનાવી આઉટ થઇ ગઇ હતી.ત્રીજા ટેસ્ટના બીજા દિવસે ચેતેશ્વર પુજારા ૩૩ અને કેપ્ટન વિરાટ કોહલી ૮ રન બનાવી ક્રીઝ પર નાબાદ રહ્યા હતા.
જયારે શિખર ધવને ૪૪ રન તો રાહુલ ૩૬ રન બનાવી આઉટ થઇ ગયા હતા. વાત કરીએ ઇંગ્લેન્ડ ટીમની તો ઇંગ્લેન્ડની તરફી જોસ બટલરે સૌથી વધુ ૩૯ રન બનાવ્યા હતા. જયારે ભારત માટે હાર્દિક પંડયાએ પાંચ, ઇશાંત શર્મા અને જસપ્રીત બુમરાહે બે-બે અને શમીએ ૧ વિકેટ ઝડપી હતી.
ત્રીજા ટેસ્ટ મેચનો ત્રીજો એટલે કે આજનો દિવસ ભારત માટે ખાસ સાબીત વાનો છે. વિરાટ કોહલી અને પુજારા નાબાદ રહ્યા છે જયારે અજિંકય રહાણે, પંત અને હાર્દિક પંડયા જેવા બલ્લેબાજો મેદાને ઉતરવાના બાકી છે. ભારતીય ટીમે ૪૦૦ થી વધુ રનની લીડ હાંસલ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.