- ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો નોંધાતા દેશનો રિટેલ ફુગાવો નવેમ્બરમાં ઘટીને 5.48 % નોંધાયો
- રિટેલ મોંઘવારી દર માસિક ધોરણે ઘટી 5.48 ટકા નોંધાયો, શાકભાજી-ફળોના ભાવમાં નજીવા ઘટાડાની અસર
ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો નોંધાતા ભારતનો રિટેલ ફુગાવો નવેમ્બરમાં માસિક ધોરણે ઘટી 5.48 % નોંધાયો છે. જે ઑક્ટોબરમાં 6.2 % સાથે 14 માસની ટોચે પહોંચ્યો હતો. તેમજ શાકભાજી-ફળોના ભાવોમાં ઘટાડાના કારણે નવેમ્બરમાં મોંઘવારીમાં રાહત મળી હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું છે. આ ઉપરાંત ખાદ્ય ચીજો પર મોંઘવારી દર ઑક્ટોબરમાં 10.9 % સામે ઘટી નવેમ્બરમાં 9 % થયો છે. આ મામલે ઉલ્લેખનીય છે કે, રિટેલ બજારમાં ખાદ્ય ચીજોના ભાવમાં કોઈ ખાસ મોટો ઘટાડો નોંધાયો નથી.
વાર્ષિક ધોરણે ફુગાવો સ્થિર
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર સત્તાવાર આંકડાઓ અનુસાર, દેશનો રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે સ્થિર રહ્યો છે. તેમજ ગતવર્ષે નવેમ્બર, 2023માં રિટેલ ફુગાવો 5.55 % નોંધાયો હતો. તેમજ સતત ત્રીજા માસે રિટેલ ફુગાવાનો દર 5 %થી વધુ નોંધાયો છે. ફુગાવાના ઊંચા દરે મોનેટરી પોલિસીમાં અગિયારમી વખત વ્યાજના દરોને યથાવત્ રાખ્યા હતા. અર્થશાસ્ત્રીઓના મતે, જાન્યુઆરીથી મોંઘવારીમાં ઘટાડો થવાની શક્યતા જોવા મળી શકે છે. જેથી ફેબ્રુઆરીમાં મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દર 25 BPS ઘટવાની શક્યતા છે.
ખાદ્ય ચીજોના ભાવ માસિક ધોરણે ઘટ્યા
ખાદ્ય ચીજોમાં રિટેલ મોંઘવારી દર નવેમ્બરમાં 9.04 % નોંધાયો છે. જે ઑક્ટોબરમાં 10.87 % હતો. આ ઉપરાંત વાર્ષિક ધોરણે ખાદ્ય ચીજોનો ફુગાવો હજી પણ વધુ છે. તેમજ નવેમ્બર, 2023માં તે 8.70 % હતો. આ દરમિયાન NSOમાં જણાવ્યા મુજબ શાકભાજી, કઠોળ-અનાજ, સુગર, ફળો, દૂધ અને દૂધની બનાવટો, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન્સ, મસાલાઓ અને પર્સનલ કેર સહિતની ચીજોના ભાવમાં નોંધનીય ઘટાડો થતાં નવેમ્બર,2024માં રિટેલ ફુગાવો ઘટ્યો છે.