નિકાસ વધીને 1.86 લાખ કરોડ થઈ, આયાત પણ 1.11 લાખ કરોડથી વધીને 1.26 લાખ કરોડ થઈ
દેશનું અર્થતંત્ર મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. ખાસ કરીને છેલ્લા થોડા મહિનામાં દેશના અર્થતંત્રને વિવિધ ક્ષેત્રોએ બુસ્ટર ડોઝ આપ્યા છે. જેમાં સેવા ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. દેશની સેવા નિકાસ જુલાઈમાં વાર્ષિક ધોરણે 20.2 ટકા વધીને 23.26 બીલીયન ડોલર એટલે કે 1.86 લાખ કરોડ થઈ છે. રિઝર્વ બેંક દ્વારા ગુરુવારે આ આંકડા જાહેર કર્યા છે.
ભારતની સેવાઓની આયાત સમીક્ષા હેઠળના મહિનામાં વાર્ષિક ધોરણે 22.3 ટકા વધીને 13.92 બીલીયન ડોલર થઈ છે. જૂનમાં તે 15.76 બિલિયન ડોલર હતી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં એપ્રિલ-જુલાઈ દરમિયાન સર્વિસીઝની નિકાસ 94.75 બિલિયન ડોલર અને આયાત 58.94 બિલિયન ડોલર રહી હતી.
આરબીઆઈના પ્રકાશનમાં વધુમાં નોંધવામાં આવ્યું છે કે સેવાઓ પરનો માસિક ડેટા કામચલાઉ છે અને જ્યારે બેલેન્સ ઑફ પેમેન્ટ્સ ડેટા ત્રિમાસિક ધોરણે બહાર પાડવામાં આવે ત્યારે તેમાં સુધારો થવાની શક્યતા છે.
2021-22માં ભારતની સેવાઓની નિકાસ રેકોર્ડ ઊંચાઈને સ્પર્શી ગઈ હતી જે મોટે ભાગે સોફ્ટવેર સેવાઓ અને વ્યાવસાયિક અને મેનેજમેન્ટ ક્ધસલ્ટિંગ સેવાઓના નેતૃત્વમાં હતી, તેમ છતાં પ્રવાસ, મનોરંજન સેવાઓ અને બાંધકામ જેવા સંપર્ક ક્ષેત્રો રોગચાળાને કારણે અસરગ્રસ્ત રહ્યા હતા. 2021-22માં ભારતની સેવાઓની નિકાસ 254.5 બિલિયન ડોલરને સ્પર્શી ગઈ હતી, જે 2020-21માં 206.09 બિલિયન ડોલરથી 23.4% વધુ હતી.
મે મહિનામાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, સેવાઓની નિકાસ 2019-20માં 213 બિલિયન ડોલરની અગાઉની ઊંચી સપાટીને વટાવી ગઈ છે. વધુમાં, સેવાઓની નિકાસ માર્ચ 2022માં 26.9 બિલિયન ડોલરની સર્વકાલીન માસિક ઊંચી સપાટીએ પહોંચી હતી, એમ રિલીઝમાં જણાવાયું હતું. એપ્રિલ-ડિસેમ્બર 2021 દરમિયાન સેવાઓની નિકાસમાં ટેલિકોમ્યુનિકેશન, કમ્પ્યુટર અને માહિતી સેવાઓ, અન્ય વ્યવસાયિક સેવાઓ અને પરિવહન સેવાનો હિસ્સો વધુ હતો.
નાણાકીય વર્ષ 2021-2022માં સેવાઓ અને વેપાર બંનેનો સમાવેશ કરતી ભારતની એકંદર નિકાસ 2020-21માં 526.6 બિલિયન ડોલર અને 2019-20માં 497.9 બિલિયન ડોલરની તુલનામાં અનુક્રમે 28.4% વધીને 676.2 બિલિયન ડોલરની વિક્રમી ટોચે પહોંચી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ગયા મહિને કહ્યું હતું કે કોવિડ -19 રોગચાળાને કારણે પ્રવાસન, ઉડ્ડયન અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રો ગંભીર રીતે પ્રભાવિત હોવા છતાં ભારતના સેવા ક્ષેત્રે સર્વકાલીન ઉચ્ચ સ્તર હાંસલ કર્યું છે.
ઓગષ્ટમાં યુપીઆઈથી રેકોર્ડબ્રેક 657 કરોડ ટ્રાન્ઝેક્શન થયા
દેશમાં ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈ દ્વારા ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય આ વર્ષે ઓગસ્ટમાં વધીને રૂ. 10.73 લાખ કરોડ થઈ ગયું છે. જુલાઈમાં યુપીઆઈ આધારિત ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 10.63 લાખ કરોડ રૂપિયા હતું.
ગુરુવારે જારી કરાયેલા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, આ વર્ષના ઓગસ્ટ મહિનામાં યુપીઆઈ દ્વારા 657 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, જે ગયા જુલાઈમાં 628 કરોડ હતા. જૂન મહિનામાં રૂ. 10.14 લાખ કરોડના 586 કરોડ વ્યવહારો થયા હતા.
ડેટા અનુસાર, ઓગસ્ટ મહિનામાં આઈએમપીએસ દ્વારા ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 4.46 લાખ કરોડ રૂપિયા રહ્યું, જ્યારે કુલ 46.69 કરોડ ટ્રાન્ઝેક્શન થયા. આ પહેલા જુલાઈમાં કુલ 46.08 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેની કિંમત 4.45 લાખ કરોડ રૂપિયા હતી. તેવી જ રીતે, ઓગસ્ટમાં ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગ દ્વારા રૂ. 4,245 કરોડના વ્યવહારો થયા હતા, જે ગયા મહિને જુલાઈમાં રૂ. 4,162 કરોડ હતા.
નિકાસને વેગ આપવા સરકાર સતત પ્રયત્નશીલ
યુએઈ અને ઑસ્ટ્રેલિયા સાથે થયેલા વ્યાપક વેપાર સોદાઓને ધ્યાનમાં રાખીને ભારત સેવાઓ નિકાસ ક્ષેત્રમાં નોંધપાત્ર લાભ મેળવવાની અપેક્ષા રાખે છે. આ ઉપરાંત અર્થતંત્રને વધુ વેગ આપવા નિકાસ વધારવા માટે ભારત યુરોપિયન યુનિયન, યુકે, કેનેડા અને ઇઝરાયેલ સાથે મુક્ત વેપાર વ્યાપક કરારો માટે પણ વાટાઘાટ કરી રહ્યું છે.