નાના-મોટા હજ્જારો ઉદ્યોગો બંધ થવા તરફ,શેરબજાર તૂટી પડ્યા છે ત્યારે પોલીસીમાં જડમુળથી ફેરફાર કરવાનો સમય પાકી ગયો હોવાનો નિષ્ણાંતોનો મત
કોરોના વાયરસના કારણે ભારત સહિત વિશ્ર્વના અનેક દેશોના અર્થતંત્રને કમરતોડ ફટકો પડ્યો છે. અમેરિકા જેવો વિકસીત દેશ પણ કોરોના સામે લાચાર હોય તેવો ઘાટ ઘડાયો છે. વર્તમાન સમયે ઈટાલી, ઈરાક જેવા દેશોમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધવા પામી છે. ભારતમાં પણ પોઝીટીવ કેસની સંખ્યા છેલ્લા ચાર દિવસમાં વધી છે. મોતના કિસ્સા પણ વધ્યા છે. ગઈકાલે વડાપ્રદાન મોદીએ દેશમાં સ્વયંભૂ કફર્યું લાદવાનો મત પણ વ્યકત કર્યો હતો. આવી સ્થિતિમાં હવે ભારતીય અર્થતંત્રમાં ઐતિહાસિક સુધારા કરવાની તક સાંપડી છે. અર્થતંત્ર તો છેલ્લા ૧૫ દિવસથી ખાડે ગયું છે ત્યારે ધરમુળથી સુધારો કરવાની અનુકુળ તક ઉભી થઈ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.
હાલની સ્થિતિમાં સ્ટોક, બોન્ડ અને કરન્સી સહિતની વાણીજયની વસ્તુઓ તળીયે પહોંચી છે. નાના-મોટા હજ્જારો ઉદ્યોગો બંધ થવા તરફ છે. શેરબજાર તૂટી પડ્યા છે. ત્યારે પોલીસીમાં ફેરફાર કરવાનો સમય પાકી ગયો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. વર્તમાન સમયે વર્કએટ હોમના નિયમો ઘડાયા છે. હવે આ ચલણ પ્રચલીત બનવા પામ્યું છે. આગામી સમયમાં ભારત સહિતના દેશોમાં અર્થતંત્ર વધુ કથળશે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ભારતીય બેંકો અત્યાર સુધી એનપીએ જેવી મુશ્કેલીનો સામનો કરી રહી હતી. બહુ મોટો વર્ગ તરલતાની ઉણપના લીધે આર્થિક મુશ્કેલીમાંથી પારીત થઈ રહ્યો હતો. બજારોને ધમધમતી રાખવા સરકારે બજારમાં નાણાની તરલતા લાવવાનો નિર્ણય લીધો હતો.
બેંકોને તંદુરસ્ત બનાવવા પ્રયત્નો કરાયા હતા. દરમિયાન એકા-એક કોરોના વાયરસની મહામારીની વિકટ પરિસ્થિતિ સામે આવી ચૂકી છે. હવે અત્યાર સુધી જે પોલીસી ઉપર કામ કરાયું છે અને જે નિષ્ફળ નિવડી છે તેને બદલી શકાય છે.
કેન્દ્ર સરકારે બજારને ધમધમતી રાખવા બજેટમાં પણ અનેક જોગવાઈઓ કરી હતી. વૈશ્ર્વિ બજારમાં ભારતના લઘુ ઉદ્યોગો ટકી શકે તે માટે ફેરફાર કરાયા હતા. કેટલીક રાહતો અપાઈ હતી. જો કે, છેલ્લા ૧૫ દિવસમાં ઉભી થયેલી પરિસ્થિતિ અત્યંત નાજૂક છે. લોકોના જીવ જાય નહીં અને અર્થતંત્ર પણ જળવાઈ રહે તે માટેના પ્રયાસો થઈ રહ્યાં છે. કોરોના વાયરસની મહામારીમાં લગભગ તમામ દેશનું ટુરીઝમ ક્ષેત્ર ભાંગી પડ્યું છે. ભારતમાં પણ ટુરીઝમ સેકટરને મોટી અસર પડી છે. ઉત્પાદન ઘટી ગયું છે. મેડિકલ ક્ષેત્ર હજુ સુધી કોરોના વાયરસનો ઈલાજ શોધી શકવામાં સક્ષમ નિવડયું નથી. હવે આ તમામ ક્ષેત્રમાં નવી પોલીસી ઘડવામાં આવે તો આગામી સમયમાં જે નુકશાન ગયું છે તે સરભર કરવામાં ઓછો સમય બગડે. સરકાર આ મામલે વિચાર કરી રહી છે. મોદી સરકારે આ માટે ખાસ ટાસ્કફોર્સની પણ રચના કરી હોવાનું જાણવા મળે છે.