અબતક-નવી દિલ્હી
કોરોનાની વૈશ્વિક મહામારીની અસરમાંથી ભારત હવે મુક્ત થઈ વેગવંતો અને ટકાઉ વિકાસ તરફ આગળ ધપી રહ્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ ભારત વૈશ્વિક આર્થિક મહાસત્તા બનવા તરફ દોટ ભરી રહ્યું છે. ભારતમાં હાલ જે પ્રકારે આર્થિક ગતિવિધિઓ તેમજ મેન્યુફેકચરિંગ, નિકાસ, તેમજ મોબાઇલ, ઈન્ટરનેટ ડિજિટલ ચુકવણા વધ્યા છે. જે રીતે કૃષિ ઉદ્યોગ, ઇંધણ સહિતના ક્ષેત્રે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો લાભકારક નીવડી રહ્યાં છે. ભારતીય અર્થતંત્રની ગાડી હવે ફરી પૂરપાટ ઝડપે દોડવા લાગે છે ત્યારે તાજેતરમાં ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પુરૂં પાડતી સંસ્થા આઇ.એમ.એફે જણાવ્યું છે કે ભારતનું વૈશ્ર્વિક અર્થતંત્રમાં સ્થાન બરકરાર રહેશે અને આગામી નાણાંકીય વર્ષ 2022માં ભારતીય અર્થતંત્રનો વૃદ્વિ દર 8.5 ટકાના દરે રહેશે.
ચાલુ નાણાંકીય વર્ષમાં આર્થિક વૃધ્ધિદર 9.5% જ્યારે 2022માં 8.5% રહેશે,
વિશ્ર્વના સૌથી ઝડપી વિકસતા અર્થતંત્ર તરીકે ભારતનું સ્થાન બરકરાર રહેશે: IMF અંદાજ
કોરોના મહામારીને કારણે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન અર્થતંત્રમાં 7.3 ટકાના દરે ઘટાડો થયો છે. પરંતુ આ વર્ષે તેમાં વધારો થવાની ધારણા છે આ અંદાજ આઇ.એમ.એફ. દ્વારા કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના અંદાજ મુજબ, ભારતીય અર્થતંત્ર ચાલુ વર્ષ 2021માં 9.5 ટકાના દરે વૃદ્ધિની અપેક્ષા છે. જ્યારે આગામી વર્ષ એટલે કે 2022માં 8.5 ટકાના દરે વધવાની ધારણા છે. અમેરિકાનો વૃદ્ધિ દર આ વર્ષે છ ટકા અને આવતા વર્ષે 5.2 ટકા રહેશે. આઇએમએફના અંદાજ મુજબ, ચીનની અર્થવ્યવસ્થા 2021માં 8 ટકા અને 2022માં 5.6 ટકા વધવાની ધારણા છે. આઇએમએફના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે જણાવ્યું કે 2021 માટે વૈશ્વિક વૃદ્ધિનો અંદાજ તેના જુલાઇના અનુમાનની સરખામણીમાં નજીવો સુધારીને 5.9 ટકા કરવામાં આવ્યો છે અને 2022 માટે 4.9 ટકા જેટલો રહેશે.
વિશ્ર્વના ટોચના 10 દેશો અને વૃધ્ધિદર
*ભારત *ચીન *અમેરિકા
*જર્મની *ફ્રાંસ *ઇટાલી
*સ્પેન *યુકે *કેનેડા *જાપાન
આઇએમએફના તાજેતરના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક WEO એ આ વર્ષે જુલાઇમાં તેના અગાઉના અંદાજ મુજબ ભારતના વિકાસના અનુમાનને જાળવી રાખ્યું છે. જો કે એપ્રિલના અંદાજ કરતાં 1.6 ટકા ઓછું છે. આઇએમએફ, અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠક પહેલા બહાર પાડવામાં આવેલા તાજેતરના WEO મુજબ, વૈશ્વિક વિકાસ દર 2021 માં 5.9 ટકા અને 2022 માં 4.9 ટકા રહેવાનો અંદાજ છે. ભારત વર્ષ 2021 અને વર્ષ 2022માં અનુક્રમે 9.5 અને 8.5 ની વૃદ્વિદર હાંસલ કરશે જે વિશ્વભરના દેશોની સરખામણીએ સૌથી વધુ હશે. આમ, ભારત વિશ્વના સૌથી ઝડપી વિકસતા અર્થતંત્ર તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખશે.