યુવા વર્ગે જીવન કૌશલ્યો પ્રાપ્ત કરવા જ પડશે
લાઈફ સ્કીલ અર્થાત જીવન કૌશલ્ય આની સાદી વ્યાખ્યા જોઈએ તો જીવન કૌશલ્ય શિક્ષણ એટલે જીવનમાં આગળ વધવા માટે સફળ, સુખમય, શાંતિમય અને સ્વસ્થ જીવન ઘડતર માટે તથશ સતત વિકાસશીલ રહેવા માટે જરૂરી એવું કૌશલ્ય, જીવન શૈલી સુધારનું શિક્ષણ.
જીવન કૌશલ્ય શિક્ષણનો હેતુ એ છેકે વિદ્યાર્થી બાળપણથી જ જીવન કૌશલ્યોને તેમની સમજણ શકિતમાં ઉતારીને વર્તનમા મુકતા શીખે અને પોતાની અંગત, સામાજીક અને દુન્યવી રીતે કાળજીપૂર્વકના આયોજન દ્વારા સતતક વિકાસ પામતા રહે. વળી તે તેમની શારીરીક અને માનસીક ક્ષમતાઓનો વધુમાં વધુઉપયોગ કરીને વ્યકિતત્વનો સર્વાંગી વિકાસ સાધે તે જરૂરી છે.
૧૯૯૭માં છાત્રો, તરૂણો, કિશોરો, યુવાવર્ગ માટે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ દસ મૂળભૂત જીવન કૌશલ્યોની વ્યાખ્યા આપેલ છે. આજે જયારે સ્કીલ ડેવલપમેન્ટની વાતો થઈ રહી છે. ત્યારે યુવા વર્ગે આ લાઈફ સ્કીલ કે જીવન કૌશલ્યો પ્રાપ્ત કરવા જ પડશે. સ્વજાગૃતિ, સમાનુભુતિ-પરાનૂભૂતિ, સમસ્યા ઉકેલ, નિર્ણય શકિત, અસરકારક પ્રત્યાયન, આંતર માનવીય વ્યવહારો સર્જનાત્મક ચિંતન, વિવેચનાત્મક ચિંતન, સંવેગાનુકૂન તથા તણાવ અનુકુલન આ દશ જીવન કૌશલ્યો છે. આ મૂળભૂત કૌશલ્યો, વ્યકિતના વિચારો, લાગણીઓ અને વર્તનના સંદર્ભમાં એક બીજા સાથે સંકળાયેલા છે. આ કૌશલ્યો એક યા બીજી રીતે હસ્તગત થતા જ વ્યકિતત્વનો અને સામર્થ્યનો વિકાસ થાય છે. પરિણામે માનવજીવન ઉન્નત બને છે.
૧. સ્વજાગૃતિ: સ્વ. જાગૃતિમાં આપણી જાત, આપણુ ચારિત્ર્ય, આપણી શકિતઓ અને આપણી મર્યાદાઓ કે નબળાઈઓ, આપણી ઈચ્છાઓ, કે અભિલાષાઓ અને આપણી અણગમતી બાબતો વિષેની સ્પષ્ટ જાણકારી હોવી, વિગેરે બાબતનો સમાવેશ થાય છે.
૨. સમાનુભૂતિ: પરાનુભૂતિ: આ એક એવું કૌશલ્ય છે કે જેના થકી આપણે અન્યની પરિસ્થિતિથી વાકેફ ન હોવા છતાં પણ તેના જીવનની પરિસ્થિતિ વિશેની અનૂભૂતિ કરી શકીએ જે આપણી જાણ કરતા તદ્ન ભિન્ન હોવા છતાં પણ અન્યની વર્તુણક સમજવા અને સ્વીકારવામાં આપણને મદદરૂપ થાય છે.
૩. સમસ્યા ઉકેલ: જેમાં વ્યકિત કોઈ ચોકકસ સમસ્યાનાં સંદર્ભમાં તેના શકય વિકલ્પોમાંથી સર્વશ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરે છે. અને ગમે તેટલા અવરોધો છતા યોગ્ય હકારાત્મક ઉકેલ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચોકકસ કાર્ય પધ્ધતિને અનુસરે છે.
૪. નિર્ણય શકિત: આ મૂલવણીની એક એવી ક્રિયા છે કે જેમાં વ્યકિત કોઈ ઘટના-પરિસ્થિતિ બાબત માટેના શકય તમામ પ્રાપ્ત વિકલ્પો અને તે માટે લેવાનાર જુદા જુદા નિર્ણયોની તે બાબત પર પડનારી શકય અસરો વિશે વિચારે.
૫. અસરકારક પ્રત્યાયન: આ કૌશલ્ય દ્વારા વ્યકિત અસરકારક રીતે પોતાના વિચારોને શાબ્દિક કે અશાબ્દિક રીતે અભિવ્યકત કરે છે.
૬. આંતર માનવીય વ્યવહારો: આ એક એવું કૌશલ્ય છે કે આપણને આપણા અન્ય સાથેના સંબંધોને સારીતે સમજવામાં અને તેને હકારાત્મક રીતે વિકાસવવામાં મદદપ થાય છે.૭. સર્જનાત્મક ચિંતન: આ કૌશલ્ય આપણને આપણા પ્રત્યથી અનુભવો અને અન્ય બાબતો અંગે સર્વ માન્ય કે ચિલાચાલુ કરતા કંઈક નવા દ્રષ્ટિકોણથી વિચારવાનું સામર્થ્ય પૂરૂ પાડે છે.
૮. વિવેચનાત્મક ચિંતન: આ કૌશલ્ય દ્વારા વ્યકિત હેતુઓને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ માહિતી અંગે અનુભવોનું વિશ્ર્લેષણ કરે છે.
૯. સંવેગાનૂકુલન: આ કૌશલ્યોમાં પોતાની અને અન્યની લાગણીઓ ઓળખવી, સમજવી, તેની વર્તુણક પરથી થતી અસરો વિષે જાણવું અને લાગણીઓનાં આવેગ સાથે પ્રતિભાવ આપવા સક્ષમ બનવું વિગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.
૧૦. તણાવ-અનુકૂલન: આ કૌશલ્યમાં આપણા જીવનમાં તણાવ ઉત્પન થવાના કારણે વિશે જાણવું તેની આપણાં પર થતી અસરો વિશે સમજવું અને તનાવ પર નિયંત્રણ મેળવી શકાય તેવી વિવિધ રીતે વર્તવું જેવી બાબતોનો સમાવેશ થાય છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ શારિરિક, માનસિક, અને સામાજીક, એમ ત્રણેય પાસાઓને આવરી લઈને સ્વાસ્થ્યની વ્યાખ્યા કરી છે.
“રોગો કે ખોડ ખાંપણનો અભાવ માત્ર નહીં, પરંતુ સંપૂર્ણ શારીરીક, માનસિક, અને સામાજીક આધ્યાત્મિક સજજતાને સ્વાસ્થ્ય, તંદુરસ્તી કે આરોગ્ય કહે છે
આજે ભારત દેશમાં ૪૦ કરોડથી વધુ યુવા વર્ગ છે. ત્યારે આવા જીવન કૌશલ્યો કેળવીને તેનો સંપૂર્ણ વિકાસ કરશે ત્યારે જ ખરા અર્થમા દેશ વિકાસ કરશે યુવા શકિતનો વિકાસ જ તમામ સમસ્યાનો અંત છે.