- એકસપોની થીમ ‘ખેતી દેશની તાકાત’ ખેડુતોને સશકત બનાવી ગ્રામીણ અર્થ વ્યવસ્થાને સક્ષમ બનાવવાની પહેલ
ભારતનું સૌથી મોટું બીટુબી અને બીટુસી કૃષિ પ્રદર્શન એગ્રીવર્લ્ડ એક્સપો 2024 રાજકોટમાં 20થી 22 ડિસેમ્બર દરમિયાન શાસ્ત્રી મેદાનમાં યોજાશે. ખેડૂતોને સશક્ત બનાવીને ગ્રામીણ તેમજ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને મજબૂત કરવાના ઉદ્દેશથી આયોજિત આ મહત્વપૂર્ણ કાર્યક્રમ કૃષિ ક્ષેત્રે નવીનીકરણ, ટેકનોલોજી, કૃષિ સંલગ્ન જ્ઞાનના આદાનપ્રદાન અને કૃષિ ક્ષેત્રે ઉદ્યોગો સાથે નેટવર્કિંગ માટેનું એક વિશિષ્ટ પ્લેટફોર્મ બની રહેશે. આ કાર્યક્રમમાં 2000થી વધુ પ્રદર્શકો જોડાશે જેમાં જાણીતી કંપનીઓ અને સંસ્થાઓ સામેલ છે. ખેડૂતો અને સહભાગીઓ આધુનિક ટેક્નોલોજી અને કૃષિ ક્ષેત્રે સસ્ટેનેબલ પદ્ધતિ આત્મસાત કરે તે માટે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.
એગ્રીવર્લ્ડ એક્સપો 2024માં કૃષિને લગતી વિવિધ મશીનરી, સાધનો, ઓર્ગેનિક ઉત્પાદો, સિંચાઇ પદ્ધતિઓ, ડેરી ટેક્નોલોજી, પાક સુરક્ષા તકનીકો અને તે સિવાય ઘણી વિશિષ્ટ બાબતોનો રજૂ કરવામાં આવશે. આ માત્ર એક્સપો નથી, પણ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં નીતિ, નવીનીકરણ અને વર્તમાન સમયના પડકારો અંગેના સમાધાનો એકસાથે આવશે.
કૃષિ ક્ષેત્રે પ્રધાનમંત્રી નરેન્દ્રના પ્રયાસોથી આજે તે ક્ષેત્રનો વિકાસ એક નવી ઊંચાઇએ પહોંચ્યો છે. આ સંપૂર્ણ એક્સ્પો “આત્મનિર્ભર ભારત” અને “સ્માર્ટ ગ્રામિણ વિકાસ” ના પ્રણેતાના સ્વપ્નને સાકાર કરવાનું એક મજબૂત પ્લેટફોર્મ સાબિત થશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જે વિચાર ધારા આપી છે, તે સહકાર અને નવીનતાના માર્ગે આગળ વધવાનું મક્કમ પાયો છે.
2 હજારથી વધુ જાણીતી કંપનીઓના ઉત્પાદો રજૂ કરવામાં આવશે જેમાં ખેતીને લગતા સાધનો, બાયો ફર્ટિલાઇઝર્સ, આધુનિક સિંચાઇ તકનીકો, ફુડ પ્રોસેસિંગ સાધનો અને પુન:પ્રાપ્ય ઊર્જાના સાધનોનો સમાવેશ છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે આ કાર્યક્રમનું આયોજન વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે કારણ કે રાજકોટ એ કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે એક પ્રમુખ કેન્દ્ર છે. ગુજરાતની 50 ટકાથી વધુ કૃષિ જમીન આ વિસ્તાર સાથે સંકળાયેલી છે અને ઉત્તમ કનેક્ટિવિટી હોવાથી અહીં સરળતાથી પહોંચી શકાય છે. આ વિસ્તારમાં મજબૂત સહકારી અભિયાનથી ખેડૂતો સશક્ત બન્યા છે અને અહીંની ઉદ્યોગસાહસિક સંસ્કૃતિના લીધે વિવિધ કૃષિ સ્ટાર્ટઅપ્સ આગળ આવ્યા છે જે રોજગાર તથા સર્જનને પ્રોત્સાહન આપે છે