કોમનવેલ્થ ગેમ્સ એટલે આંતરરાષ્ટ્રીય રમતો ની હરીફાઈ, જેમાં દેશના ટોચના ખેલાડીઓ રમી શકે છે. તેને ગુજરાતીમાં રાષ્ટ્ર મંડળની રમતો કહી શકાય. આનું આયોજન સૌપ્રથમ વખત 1930 માં થયું હતું. ત્યારથી દર ચાર વર્ષે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થાય છે.

રાષ્ટ્રમંડળ રમતો ને 1930 થી 1950 સુધી બ્રિટિશ એમ્પાયર ગેમ્સ, 1954 થી 1966 સુધી બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમનવેલ્થ ગેમ્સ અને 1970 થી 1974 સુધી બ્રિટિશ કોમનવેલ્થ ગેમ્સ ના નામ થી ઓળખાતી હતી.

એશ્લી કુપર પ્રથમ વ્યક્તિ હતા કે જેણે સદભાવનાને પ્રોત્સાહન દેવા માટે સંપૂર્ણ બ્રિટિશ રાજની અંદર સારા સંબંધ બનાવવા માટે એક અખિલ બ્રિટની રમત નાં કાર્યક્રમ નું આયોજન કરવાનો વિચાર પ્રસ્તુત કર્યો. 1928માં કેનેડાના એક મુખ્ય ખેલાડી બોબી રોબીનસન ને પ્રથમ રાષ્ટ્ર મંડળની રમતોનું આયોજન કરવાનું કાર્ય સોપવામાં આવ્યું. આ રમત 1930 માં હેમિલ્ટન શહેર, કેનેડામાં આયોજિત કરવામાં આવી અને તેમાં 11 દેશોના 400 ખેલાડીઓએ ભાગ લીધો. ત્યારથી દર ચાર વર્ષે રાષ્ટ્રમંડળ રમતોનું આયોજન કરવામાં આવે છે.

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તેનું આયોજન નહોતું થયું. આ રમતોમાં ફક્ત એકબીજા પ્રત્યે હરીફાઈ ની રમત હતી. 1998 મા કુઆલાલમ્પુર માં આયોજિત રાષ્ટ્ર મંડળની રમતોમાં એક મોટો ફેરફાર જોવામાં આવ્યો. ક્રિકેટ, હોકી અને બાસ્કેટ બોલ જેવી રમતો ની ટીમોએ પહેલી વખત પોતાની હાજરી બતાવી. 2001માં આ રમતો દ્વારા માનવતા, સમાનતા અને નિયતિની ત્રણ માન્યતાઓ ને અપનાવવામાં આવી. આ માન્યતાઓ હજારો લોકોને પ્રેરણા આપે છે અને તેઓને અંદરો અંદર જોડી રાખે છે.

19 મી રાષ્ટ્રમંડળ રમતોનું આયોજન ત્રણ થી 14 ઓક્ટોબર 2010 ની વચ્ચે દિલ્હીમાં થયું હતું. તેમાં 71 દેશો અને 6081 ખેલાડીઓ એ 17 રમતોની 272 સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ રમતોનું ઉદ્ઘાટન અને સમાપન સમારોહ નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ માં સંપન્ન થયો હતો. એશિયામાં અત્યાર સુધી બે વખત જ રાષ્ટ્ર મંડળ રમતોનું આયોજન થયું છે. 2014માં રાષ્ટ્ર મંડળ રમતોનું આયોજન સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં થયું હતું. આ 20 મી કોમનવેલ્થ ગેમ્સ હતી.

21મી રાષ્ટ્રમંડળ રમત નું આયોજન ઓસ્ટ્રેલિયા ના ગોલ્ડ કોસ્ટ સિટીમાં 4 એપ્રિલ 2018 થી 15 એપ્રિલ 2018 વચ્ચે થયું હતું. તેનું ઉદ્ઘાટન ગોલ્ડ કોસ્ટ સિટીના કરારા સ્ટેડિયમમાં 4 એપ્રિલે ખૂબ જ આકર્ષક આતિશબાજી ની સાથે થયું હતું.

રાષ્ટ્ર મંડળની રમતમાં ભારતીય ખેલાડીઓએ 1930, 1950, 1962 અને 1986 માં ભાગ લીધો ન હતો. સૌપ્રથમ 1934 માં ભારતીય ખેલાડીઓએ રાષ્ટ્ર મંડળની રમતમાં ભાગ લીધો હતો. અત્યાર સુધીમાં બે વખત કોમનવેલ્થ ગેમ્સ નું 1942 અને 1946 માં આયોજન થયું ન હતું.

આ વર્ષે ઇંગ્લેન્ડના બર્મિંગહામ માં કોમનવેલ્થ ગેમ્સ 2022 નું 22મી વખત આયોજન થયું તેમાં ભારતે 22 સુવર્ણચંદ્રક જીતીને કોમનવેલ્થ ગેમ્સ માં ઓવરઓલ ભારતના સુવર્ણચંદ્રકની સંખ્યા 203 થઈ ગઈ. 2022 ની રાષ્ટ્રમંડળની રમતમાં ભારતના લગભગ 215 ખેલાડીઓએ 15 રમતમાં ભાગ લીધો હતો. તેમાંથી 22 સુવર્ણચંદ્રક 16 રજત ચંદ્રક અને 23 કાંસ્ય ચંદ્રક મળીને કુલ 61 ચંદ્રક પ્રાપ્ત કરીને ભારત ચોથા સ્થાન પર રહ્યું. ભારતે અત્યાર સુધી રાષ્ટ્ર મંડળની રમતોમાં કુલ 203 ગોલ્ડ, 190 સિલ્વર અને 171 બ્રોન્ઝ મેડલ મેળવીને કુલ 564 મેડલ મેળવ્યા છે.

કોમનવેલ્થ ગેમ્સ 2022 નું સમાપન થઈ ગયું છે આ સમાપન સમારોહમાં ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ અને મહિલા બોકસર નીકહત ઝરીન ભારતીય ટીમના ધ્વજવાહક રહ્યા હતા. હવે પછીની કોમનવેલ્થ ગેમ્સ ચાર વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.