નાણાકીય વર્ષમાં જીડીપી 7.4%ના દરે વૃદ્ધિ પામશે, આગામી વર્ષે પણ સમાન સ્તર રહેવાનો અંદાજ: નિર્મલા સીતારમન
વડાપ્રધાન મોદી વર્ષ 2024ની ચૂંટણીને ધ્યાને લઈને અત્યારે ઇકોનોમી અને ટેરેરીઝમ આ બે મુદાનો કાર્યક્રમ ચલાવી રહ્યા છે. ત્યારે તેમની રાહબરી હેઠળ કેન્દ્ર સરકાર સતત અર્થતંત્રને સુધારવા પગલાં લઈ રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ, વિશ્વ બેંક અને રિઝર્વ બેંકે અંદાજ રજૂ કર્યો છે કે આગામી 2 વર્ષમાં ભારતનો વિકાસ સૌથી ઝડપી રહેશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે આ નાણાકીય વર્ષમાં જીડીપી 7.4%ના દરે વૃદ્ધિ પામશે અને નાણાકીય વર્ષ 23-24માં પણ તે સમાન સ્તરે રહેવાની અપેક્ષા છે.
આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ કહ્યું હતું કે ચૂંટણી પહેલા મફત ભેટનું વચન આપનારા રાજકીય પક્ષોએ સત્તામાં આવતા ખર્ચ માટે બજેટમાં જોગવાઈ કરવી જોઈએ. તેમણે કહ્યું કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકે પણ આગામી બે નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર સૌથી ઝડપી રહેવાનો અંદાજ મૂક્યો છે અને તેમના અંદાજો ભારતીય રિઝર્વ બેંકના અંદાજો સાથે મેળ ખાય છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે વૈશ્વિક પરિસ્થિતિ સતત પડકારરૂપ બની રહી છે. નાણામંત્રી શુક્રવારે એફઇ બેસ્ટ બેંક્સ એવોર્ડ કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
વૈશ્ર્વિક સમસ્યાઓનો પ્રભાવ નિકાસ પર ન પડે તે માટે સરકાર તમામ સહકાર આપશે
અર્થતંત્રને સુધારવામાં નિકાસનો હિસ્સો સૌથી વધુ મહત્વ ધરાવે છે. આ દરમિયાન નાણામંત્રીએ એમ પણ કહ્યું કે દેશના નિકાસ ક્ષેત્રને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કારણ કે વૈશ્વિક વૃદ્ધિ ધીમી પડી છે. બીજી તરફ, તેમણે નિકાસકારોને ખાતરી આપી કે સરકાર આવી સંસ્થાઓને સહકાર આપવાનું ચાલુ રાખશે જેથી તેઓ પ્રતિકૂળતાનો સામનો કરી શકે.
મફતની જાહેરાતો કરતા પૂર્વે ખર્ચ ધ્યાને રાખવો ખૂબ જરૂરી
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે મફતની જાહેરાતો ઉપર સાર્થક ચર્ચાની જરૂર છે. તે જ સમયે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા વચનો આપતી રાજકીય પાર્ટીઓએ ખર્ચની કાળજી લેવા માટે બજેટમાં જોગવાઈ કરવી જોઈએ, અને અન્ય સંસ્થાઓ પર બોજ ન નાખવો જોઈએ. નાણાપ્રધાને કહ્યું કે વીજ વિતરણ કંપનીઓ અને જનરેશન કંપનીઓને આવી મફત સુવિધાઓનો માર સહન કરવો પડે છે.
વિદેશી રોકાણકારો ભારત તરફ વળ્યા, રોકાણ 20 વર્ષની ટોચે
વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં 20 મહિનાનો રેકોર્ડ તોડ્યો છે. આ મહિનામાં રૂ. 47,000 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. અગાઉ ડિસેમ્બર 2020માં 62,016 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. માહિતી અનુસાર, વિદેશી રોકાણકારો, જેઓ ગયા વર્ષે ઓક્ટોબરથી સતત નાણાં ઉપાડી રહ્યા છે, તેમણે આ વર્ષે જુલાઈમાં રૂ. 5,000 કરોડના રોકાણ સાથે પુનરાગમન કર્યું હતું. વિશ્લેષકો કહે છે કે ઑક્ટોબરથી બજારના ઘટાડાનું મુખ્ય કારણ એફઆઈઆઈ આઉટફ્લો છે.
જુલાઈથી તેમના વળતર સાથે, બજાર પણ પાછું 60 હજારની નજીક આવી ગયું છે. એફઆઈઆઈના કુલ રોકાણમાં માત્ર 10 કંપનીઓનો હિસ્સો 46 ટકા છે. રિલાયન્સ પાસે 59.4 બિલિયન ડોલરનું રોકાણ છે. આ કુલ રોકાણના 10.28% છે. એચડીએફસી બેંક પાસે 43.4 બિલિયન ડોલર અને એચડીએફસી લિમિટેડ પાસે 34.4 બિલિયન ડોલર છે. આઇસીઆઇસીઆઇ બેંક પાસે 33.7 બિલિયન ડોલર અને ઇન્ફોસિસ પાસે 25.5 બિલિયન દોલત છે. ટીસીએસમાં 20.9 બિલિયન ડોલરનું રોકાણ છે. કોટક બેંક પાસે 17.3 બિલિયન ડોલર, એક્સિસ બેંકમાં 12.1 બિલિયન ડોલર છે.