૨૦૧૮માં ૭.૩ અને ૨૦૧૯માં ૭.૫ ટકા વિકાસ કરશે ભારત: ચીન કરતા ભારતનું અર્થતંત્ર વધુ તંદુરસ્ત રહેશે
અમેરિકાએ ચીનના અબજો ડોલરના માલ-સામાન ઉપર ટેરીફ થોપીને વિશ્વામાં ટ્રેડ ટેન્શન ઉભુ કર્યું છે. અમેરિકા સામે ચીને પણ શીંગડા ભરાવ્યા છે. પરિણામે ટ્રેડ વોર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિમાં વૈશ્વિક અર્થતંત્રની સરેરાશ ઝડપ ઘટશે તેવું માનવામાં આવી રહ્યું હતું. જો કે ટ્રેડ ટેન્શન વચ્ચે ભારતનો ગ્રો થતો ટનાટન જ રહેશે તેવું ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા કહેવાયું છે.
ચીન અને અમેરિકા વચ્ચેની ખેંચતાણના ગંભીર પરિણામો ભારતને પણ ભોગવવા પડશે તેવું માનવામાં આવતું હતું. જો કે, આઈએમએફનો દાવો કંઈક અલગ જ છે. આઈએમએફના તાજેતરના વર્લ્ડ ઈકોનોમીક આઉટલુકના આંકડા પ્રમાણે ભારતનો વિકાસ ૨૦૧૭ના ૬.૭ ટકાથી વધીને ૨૦૧૮માં ૭.૩ ટકા, ૨૦૧૯માં ૭.૫ ટકા જેટલો રહેશે.
ઓઈલના વધતા ભાવ અને ફૂગાવો રોકવા સરકારની પોલીસીની અસર મહદઅંશે અર્થતંત્રના વિકાસ ઉપર રહેશે. વર્ષ ૨૦૧૭માં ચીનનો વિકાસ ૬.૯ ટકા હતો જે ૨૦૧૮માં ઘટીને ૬.૬ ટકા જયારે ૨૦૧૯માં ૬.૪ ટકા થશે. જો કે, ચીનની સામે ભારતનું અર્થતંત્ર વધુ તંદુરસ્ત રહેશે. એકંદરે ચીન કરતા ભારતના અર્થતંત્ર ઉપર મુડી રોકાણકારોને વધુ વિશ્વાસ રહેશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના ૩૪ બીલીયન ડોલરના માલ-સામાન ઉપર ટેરીફ નાખવાનો નિર્ણય લઈ ચૂકયા છે. આ ઉપરાંત આગામી સપ્ટેમ્બર મહિનામાં વધુ ૨૦૦ બીલીયન ડોલરના સામાન ઉપર ટેરીફ ઝીંકવામાં આવશે. ચીન ઉપરાંત કેનેડા, મેક્સિકો અને યુરોપીયન યુનિયનના માલ-સામાન ઉપર પણ ટેરીફ નાખવાની વિચારણા છે. જેના પરિણામે વૈશ્વિક વ્યાપારમાં માઠા પરિણામો જોવા મળે તો નવાઈ નહીં.