રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે ર૧ જાન્યુઆરીને રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે ભારત ગૌરવ સાયકલ યાત્રાનું આયોજન થયું છે. સાયકલ યાત્રાનું પ્રસ્થાન ઝવેરચંદ મેધાણીની ઐતિહાસિક જન્મસ્થળથી તથા પુર્ણાહુતિ એન.એન.શાહ હાઇસ્કુલ ખાતે થશે.ઝવેરચંદ મેધાણીના પૌત્રી પિનાકી નાનકભાઇ મેધાણી સ્થાપિત ઝવેરચંદ મેધાણી સ્મૃતિ સંસ્થાન અને શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટ દ્વારા આ સાયકલ યાત્રાનું પ્રેરક આયોજન થયું છે.
પિનાકી મેધાણી અને તેમના માતા કુસુમબેન મેધાણી, મેધાણી ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ, ૧૯૮૮ ની અરુણાચલથી ઓખા સુધી ૯૦૦૦ કી.મી. ભારત જોડો સાયકલ યાત્રાના યાત્રીઓ સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ આ પ્રસંગે ખાસ ઉ૫સ્થિત રહેશે. ઝવેરચંદ મેધાણી રચિત લોકપ્રિય ગીત કસુંબીનો રંગ બુલંઠ કંઠે લલકારીને ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાયકલ યાત્રાને પ્રસ્થાન કરાવશે. ભારત જોડો સાયરલ યાત્રાના યાત્રીઓનું અભિવાદન પણ આ અવસરે કરવામાં આવશે. મોટી સંખ્યામાં વિઘાર્થીઓ અને નગરજનોને પોતાની સાયકલ લઇને આ પ્રેરક યાત્રામાં સામેલ થવા નિમંત્રણ છે.