અમેરિકી સંસદમાં એક એવો પ્રસ્તાવ રજૂ કરાયો છે જેને લઈને ચીનના પેટમાં તેલ રેડાશે. અમેરિકી સાંસદોએ અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન અંગ જાહેર કરવા માટે સંસદમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સાથે જ તેમાં ચીન દ્વારા એલએસીની સ્થિતિને બદલવાના પ્રયાસની પણ આકરી ટીકા કરવામાં આવી હતી. આ પ્રસ્તાવમાં ચીનના હુમલાથી બચવા માટે લેવાયેલા પગલા માટે ભારત સરકારની પ્રશંસા કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ચીન સતત સરહદી રાજ્યો પર દાવો કરે છે. અહીં અનેકવાર બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણના અહેવાલો પણ સામે આવી ચૂક્યા છે. અમેરિકાના બે સેનેટરોએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં અમેરિકા દ્વારા અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે માન્યતા આપવાની પુષ્ટી કરવાની માગ કરાઈ છે. અમેરિકી સેનેટર જેફ મર્કલેએ બિલ હેગર્ટી સાથે મળીને આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
માર્કલે ઓરેગોનથી એક પ્રગતિશીલ ડેમોક્રેટિક સેનેટર છે જે ચીન પર અમેરિકી સંસદના કાર્યકારી આયોગના સહ-અધ્યક્ષ તરીકે કામ કરે છે. હેગર્ટી જાપાનમાં અમેરિકાના પૂર્વ રાજદૂત પણ રહી ચૂક્યા છે. બંને સાંસદ અમેરિકી સંસદની વિદેશ બાબતોની સમિતિના સભ્યો પણ છે. તેમના દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને એસએફઆરસીને મોકલાયો છે. જો અધ્યક્ષ બોબ મેનેંડેઝ તેના પર વાંધો નહીં દર્શાવે અને તે સમિતિના માધ્યમથી આગળ વધશે તો કાયદા તરીકે સંસદના પટલ પર રજૂ કરાશે.
બીજી તરફ બ્રિટન પણ ભારતની મજબૂત અર્થવ્યવસ્થાના વખાણ કરી રહ્યું છે. યુકેના ક્ધઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને કહ્યું હતું કે ભારતે પોતાની અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઘણા પ્રશંસનીય પગલાં લીધા છે. બ્રિટિશ સરકાર ભારતને મજબૂત મિત્ર અને સહયોગી માને છે. એક મીડિયા ઈન્ટરવ્યુમાં બ્લેકમેને બ્લેકમેને ભારતના વખાણ કર્યા હતા અને પાકિસ્તાનની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે એક બાજુ ભારત ન્યૂ ઈન્ડિયા હેઠળ સતત આગળ વધી રહ્યું છે ત્યારે આતંકવાદનું આશ્રયસ્થાન બની ગયેલા પાકિસ્તાનની હાલત ખરાબ થઈ રહી છે. પાકિસ્તાને પોતાના દેશમાં આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવા જોઈએ. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિતિ સુધારવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તેણે આઈએમએફની પણ વાત સાંભળવી જોઈએ.
બ્લેકમેને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી આતંકવાદના જોખમ અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ’આતંકવાદ કે રાષ્ટ્ર પ્રાયોજિત આતંકવાદને પ્રોત્સાહન આપતા લોકો મૂળભૂત રીતે ખોટા છે અને આપણે તેમનો મુકાબલો કરવો પડશે.’ મારો અંગત મત એ છે કે અફઘાનિસ્તાનમાંથી અમારૂ પાછળ હટવું એક ભૂલ હતી કારણ કે આજે ફરી એકવાર તાલિબાને મહિલાઓને બંધનોની બેડીઓમાં જકડીને ઈસ્લામિક દેશ અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે.’