ગત સપ્તાહમાં આશરે ૨૫ હજાર કરોડનો વધારો મળ્યો જોવા
વૈશ્વિક મહામારી કોરોનાના કારણે અનેકવિધ દેશોની આર્થિક સ્થિતિ અત્યંત ડામાડોળ થઈ ગઈ છે ત્યારે ભારત દેશની વાત કરવામાં આવે તો અન્ય દેશોની સરખામણીમાં જે વિદેશી હુંડિયામણ હોવુ જોઈએ તેનાથી અનેકગણો વધારો નોંધાયો છે. એક તરફ વડાપ્રધાન મોદીનું સ્વપ્ન છે કે ભારતને ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી સુધી પહોંચાડવું ત્યારે હાલ ભારતનું વિદેશી હુંડિયામણ ૪૦ લાખ કરોડને પાર પહોંચ્યું છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ ગત સપ્તાહમાં આશરે ૨૫ હજાર કરોડનો વધારો થતા સર્વોચ્ચ સપાટીએ દેશનું વિદેશી હુંડિયામણ પહોંચ્યું છે. કોરોના કાળ દરમિયાન વિદેશી હુંડિયામણમાં ૩૫૩ મિલીયન ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે ફરી વિદેશી મુદ્રણમાં વધારો થતા હાલ દેશનું વિદેશી હુંડિયામણ ૪૦ લાખ કરોડને પાર પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
દેશમાં વિદેશી મુદ્રણમાં અનેકગણો વધારો જોવા મળ્યો છે અને આવનારા સમયમાં પણ આજ સ્થિતિ યથાવત રહેશે તેવું પણ માનવામાં આવ્યું છે. યુરો, પાઉન્ડ, યેનમાં ઘટાડો થતા ભારતનું મુદ્રણ વધુ મજબુત બન્યું છે જેના થકી દેશના વિદેશી હુંડિયામણમાં અનેકગણો વધારો જોવા મળ્યો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફમાં પણ ભારતનું અનામત ૧૪ મિલીયન ડોલરના વધારા સાથે ૪.૬૫૧ મિલીયન ડોલરે પહોચવા પામ્યું છે જે દેશ માટે ખુબ જ સારી વાત કહી શકાય બીજી તરફ અન્ય દેશોનું ભારત તરફનું વલણ અને ભારતની વિશ્ર્વસનીયતાના કારણે દેશની આર્થિક સ્થિતિમાં અનેકગણો સુધારો આવ્યો છે અને વિદેશી દેશો અનેકવિધ રીતે દેશમાં રોકાણ કરવા પણ તત્પરતા દાખવી રહ્યા છે.
આવનારા સમયમાં ભારત દેશ અને વડાપ્રધાન મોદીએ જે આર્થિક રીતે વિકસિત બનાવવા જે યોજનાઓ અને પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે તેને બખુબી નિભાવવા અને તેને કેવી રીતે પરીપૂર્ણ કરી શકાય તે દિશામાં અનેકવિધ પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે જે વિદેશી હુંડિયામણમાં વધારો થયો છે તે દેશ પરનો વિશ્ર્વાસ ઉજાગર થઈ રહ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.