સતત ચોથા સપ્તાહે વધારો નોંધાયો : સતત 3 મહિનાની ટોચ ઉપર!!!
દેશની અર્થવ્યવસ્થા ઝડપભેર વિકસિત કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ વિકાસલક્ષી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે અને સરકારની વિકાસલક્ષી નીતિ પણ ભારત માટે અત્યંત ઉપયોગી નીવડી છે ત્યારે ભારતનું વિદેશી હૂંડિયામણ સતત જેટ ગતિએ વધી રહ્યું છે ને નવેમ્બર માસમાં તે આંકડો 561 બિલિયન ડોલરે પહોંચ્યો છે. હાલ જે આંકડો જોવા મળ્યો છે તે ત્રણ મહિના નો સર્વાધિક છે અને સતત ચોથા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ ઉતરોતર વધ્યું છે. હૂંડિયામણ વધવા પાછળનું મુખ્ય કારણ એ છે કે દેશની નિકાસ પણ દિન પ્રતિદિન વધી રહી છે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્ત દાસે જણાવ્યું હતું કે હાલ આંતરરાષ્ટ્રીય બજાર અત્યંત વોલેટાઇલ જોવા મળી રહી છે અને કરન્સી બજારમાં ઘણો બદલાવ આવતો રહ્યો છે પરંતુ ભારત પાસે પૂરતું વિદેશી હૂંડિયામણ હોવાના કારણે રૂપિયાને કોઈ જાજી અસર પહોંચી નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં અનેક દેશોની કરન્સીને ઘણી માઠી અસર પહોંચી છે. પરંતુ ભારતનું ચલણ અકબંધ રહ્યું છે. દેશના અર્થવ્યવસ્થામાં સ્થિરતાના પગલે દેશનું ચલણ દિનપ્રતિદિન મજબૂત બની રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે ભારતે 8 બિલિયન ડોલરની અન્ય દેશોનું ચલણ પણ ખરીદ્યું છે. એટલુંજ નહીં ભારતે આશરે 67000 કરોડ રૂપિયા
સ્થાનિક બજારમાં પણ મૂક્યા છે જેથી જે બજારોમાં ભાવ વધારો થતો હતો તેમાં અંકુશ લાવી શકાય. એટલું જ નહીં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે બોન્ડની પણ ખરીદી કરતું હોય છે. ત્યારે હાલની સ્થિતિને ધ્યાને લઈ એ વાત સ્પષ્ટ છે કે ભારતની રાજકોશિય ખાધમ પણ વધારો નહીં થાય અને દેશનું વિદેશી હૂંડિયામણ જે રીતે આગળ વધ્યું છે તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની અર્થવ્યવસ્થા પણ વિકસિત થશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આંકડાકીય માહિતી જાહેર કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2021 ના ઓક્ટોબર માસ થી લઈ ઓક્ટોબર 2022 સુધીમાં કુલ 116 બિલિયન ડોલર લોકલ માર્કેટમાં ફાળવવામાં આવ્યા હતા સામે તો રિઝર્વ 37 બિલિયન ડોલરે માત્ર 8 સપ્તાહમાં જ પહોંચી ગયું હતું જેથી ભારતનો નિકાસ જેટ ગતિએ આગળ વધી રહ્યો છે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે.