ગૌ આધારિત અર્થવ્યવસ્થાનો પ્રારંભ નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં ભુજ મંદિર દ્વારા કરાયો: પ્રસાદીનાં મંદિરથી નીકળેલી કળશ યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની
ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજીત શ્રીનરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી દિવસેને દિવસે દિવ્ય અને ભવ્ય બની રહી છે, ત્યારે શહેરની ભાગોળે બદ્રીકાશ્રમ ખાતે ઉજવણીનાં છઠ્ઠા દિવસે સંપ્રદાયનાં મૂર્ધન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ દેશ, જુનાગઢ, ગઢપુર, ધોલેરા, અમદાવાદ સહિતની ઘણી બધી જગ્યાએથી સંતો પધાર્યા હતાં. તેમણે સદગુરુ મહંત સ્વામીનું સન્માન કર્યું હતું.
બાદમાં ભારત સરકારનાં કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ સવારનાં સત્રમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેમના અંતરના ઉદ્ગારો એવા હતાં કે, ભારતની અર્થવ્યવસ્થા માત્રને માત્ર ગૌ આધારિત જ હોવી જોઈએ અને તેનો પ્રારંભ નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં ભુજ મંદિર દ્વારા કરવામાં આવ્યો છે, તે શુકનની વાત છે. મંદિર જે પણ કાંઇ કરે છે, તે ભારત દેશને માટે કરે છે.
નોંધનીય છેકે, અતિભાવ અને પ્રેમથી જ્યારે સંતો તેમને આમંત્રણ આપવા માટે પહોંચ્યા હતા ત્યારે પણ તેમણે આમંત્રણનો સ્વીકાર કર્યો હતો, અને આજે બદ્રીકાશ્રમ ખાતે તેમની ઉપસ્થિતિ રહેતા મોટા મહારાજ તેજેન્દ્રપ્રસાદજી, મહંતસ્વામી ધર્મનંદનદાસજી, ઉપ મહંતસ્વામી ભગવદજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, કોઠારી દેવપ્રકાસદાસજીએ મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા.
સદ્ગુરૂ મહંતસ્વામીનો પણ સંકલ્પ એવો છેકે, પંચ તત્વ શુદ્ધ થાય. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. આ શુદ્ધ કરવાનો ભાવ અને આ શુદ્ધ કરવાની પહેલ શ્રીનરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં અનેકવિધ આયોજનોમાં થઇ રહ્યો છે. માત્ર ગૌ આધારિત ખેતીથી શુદ્ધતા નહીં પણ જ્યારે આટલી મોટી વિશાળ સંખ્યામાં લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાની હોય ત્યારે ક્યાય પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા વગર માત્ર જુના જમાનામાં વપરાતા પતરાવાળા અને તે પણ મોડીફાઇ કરેલા પતરાવાળાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને ખાતરમાં પરિવર્તિત કરવામાં આવશે. ત્યારે આ મહોત્સવનો પણ હેતુ પણ પ્રકૃતિનું સંરક્ષણ થાય તેવો છે.
બપોર પછીનાં સત્રમાં પ્રસાદી મંદિરેથી કળશ યાત્રા કાઢવામાં આવી હતી. જે બહુ જ દિવ્ય રહી હતી. યજમાનોએ 200 કળશ પોતાનાં મસ્તક ઉપર પ્રસાદીનાં જળ સાથે ધારણ કરી વાજતે ગાજતે સંતો સાથે ભુદેવો મંત્રોનાં ઉચ્ચાર કરતાં કરતાં મોટા મંદિરે પધાર્યા હતાં. અહીં સભામંડપમાં તમામ કળશોને પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા.