ઓલિમ્પિકસમાં ૧૨૬ ખેલાડીઓએ ૭ મેડલ જીત્યા’તા: પેરાલિમ્પિક્સના ખેલાડીઓ પર ઇનામ અને શુભેચ્છાઓનો વરસાદ

અબતક-ટોક્યો

ટોક્યો પેરાલિમ્પિક્સ ૨૦૨૦માં ભારતના ખેલાડીઓએ પોતાનો દબદબો બતાવ્યો હતો. ભારતના આ ઐતિહાસિક પ્રવાસમાં ૫ ગોલ્ડ સહિત કુલ ૧૯ મેડલ જીત્યા છે. ઓલમ્પિકસમાં ભારતના ૧૨૬ ખેલાડીઓએ ભકગ લીધો હતો. જેમાં કુલ ૭ મેડલ જીત્યા હતા. જ્યારે પેરાલિમ્પિક્સમાં ૫૪ ખેલાડીઓએ ૧૯ મેડલ પર પોતાની મહોર લગાવી હતી.

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચી દીધો છે. આ વખતે ભારતે પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ૫ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ જીતીને ૨૪મુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ભારતીય ખેલાડીઓએ આ દરમિયાન એથલેટિક્સમાં સૌથી વધારે ૮, શૂટિંગમાં ૫, બેડમિન્ટનમાં ૪, ટેબલ ટેનિસ અને તીરંદાજીમાં એક-એક મેડલ જીત્યા છે. પેરાલિમ્પિક્સ રમતના ઈતિહાસમાં પહેલીવાર આવુ થયુ છે જ્યારે ભારતની મેડલની સંખ્યા બેવડા અંકમાં પહોંચી છે. અગાઉ ભારતનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૨૦૧૬ના રિયો પેરાલિમ્પિક્સમાં રહ્યુ હતુ જ્યાં તેમણે ૨ ગોલ્ડ સહિત ૪ મેડલ જીત્યા હતા.

ભારતીય ખેલાડીઓએ અંતિમ દિવસે શાનદાર પ્રદર્શન કરી વધુ બે મેડલ પોતાના નામે કર્યા હતા. જેમાં બેડમિન્ટનમાં ૨૨ વર્ષના કૃષ્ણા નાગરે એસએચ-૬માં ગોલ્ડ જીત્યો હતો. કૃષ્ણા નાગરે હોંગકોંગના શુ મેન કેઈને ૨૧-૧૭,૧૬-૨૧,-૨૧-૧૭થી મ્હાત આપી હતી. જ્યારે બેડમિન્ટનમાં જ ગૌતમબુદ્ધનગરના કલેકટર સુહાસ યથીરાજે ફ્રાન્સના લુકાસ મજૂર સામે ૨૧-૧૫,૧૭-૨૧,૧૫-૨૧થી જીત મેળવી હતી.

હવે ટોક્યો ઓલમ્પિકમાં જીતવામાં આવેલા ૧૯ મેડલને મળીને આ સંખ્યા ૩૧ સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન ભારતીય પેરા એથલીટોએ ૯ ગોલ્ડ, ૧૨ સિલ્વર અને ૧૦ બ્રોન્ઝ પોતાના નામે કર્યા છે. સૌથી ખાસ વાત એ છે કે આમાંથી ૧૮ મેડલ ભારતીય ખેલાડીઓએ એથલેટિક્સ ઈવેન્ટસમાં જીત્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.