પાકિસ્તાન રાજકીય ફાયદા માટે આતંકવાદીઓને પોષવાનું બંધ કરે: ચીનની લાલ આંખ
પોતાના અંગત સ્વાર્થ માટે વર્ષોથી આતંકવાદને પોષવાનું નાપાક કામ કરી વિશ્ર્વની શાંતી હણી લેનાર પાકિસ્તાન સામે હવે તેના જીગરજાન મિત્ર ગણાતા ચીને પણ લાલઆંખ કરી છે. ભારતની મોટી રાજદ્વારી જીત થઈ હોય તેમ પાકિસ્તાનને આતંકવાદીઓ સામે કડક હાથે કામ લેવા ચીને ફરમાન કર્યું છે. પોતાના રાજકીય ફાયદા માટે આતંકવાદીઓને પોષવાનું બંધ કરવા ચીને પાકને સલાહ આપી છે.
પાકિસ્તાનને આતંકવાદ જાહેર કરવાની માંગણી ભારત દ્વારા અનેક વખત ઉઠાવવામાં આવી છે ત્યારે દર વખતે ચીન પાકિસ્તાનના પડખે ઉભું રહે છે. આતંકને પોષતા-પોષતા પાકિસ્તાનને ચીનનો હંમેશા ટેકો મળ્યો છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં ભારતીય સીઆરપીએફના ૪૦ જવાનો શહિદ થયા હતા. આ હુમલો પાક. સ્થિત જૈસ એ મોહમ્મદ નામના આતંકી સંગઠને કરાવ્યો હતો. આ ઘટના બાદ ચીને પણ પાકિસ્તાન સામે લાલઆંખ કરી છે. ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ચીનમાં પાકિસ્તાનની ઘેરાબંધી કરતા આજે ચીને પોતાના મિત્ર એવા પાકિસ્તાનને આતંકવાદીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાની તાકીદ કરી છે અને પોતાના અંગત સ્વાર્થ ખાતર આતંકને પોષવાનું બંધ કરી દેવા પણ જણાવ્યું છે. પુલવામાં હુમલા બાદ વિશ્ર્વભરમાંથી પાકિસ્તાન પર રીતસર ફિટકાર વરસી રહ્યો છે ત્યારે આજે ચીનમાંથી પણ પાક.ને ફટકાર મળતા હવે આતંકને પોષતું પાક વિશ્ર્વમાં એકલું અટુલુ થઈ ગયું છે. બીજી તરફ અમેરિકાએ પણ પાકિસ્તાન પર દબાણ વધાર્યું છે અને હાલની સ્થિતિમાં સૈન્ય કાર્યવાહી કરવાના બદલે તણાવ દુર થાય તેવી કાર્યવાહી કરવા પણ તાકીદ કરી છે.
હાલ પાકિસ્તાન ચોતરફથી ઘેરાઈ ગયું છે. આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલું પાકિસ્તાન હવે પુલવામાં આતંકી હુમલા બાદ જે રીતે એકલું અટુલુ પડી ગયું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે પાક. હવે સૈન્ય કાર્યવાહી કરવાના બદલે ભારત સામે ફરી મિત્રતાનો હાથ લંબાવશે