- રાજકોટ-મોરબી-જામનગરનો ત્રિકોણ મિનિ જાપાન બનવા તરફ આગળ ધપે છે
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અમરેલીથી સૌરાષ્ટ્રને દિવાળીના પર્વ પૂર્વે રૂ.4800 કરોડના વિકાસ કાર્યોની ભેટ: દુધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી ખાતેથી ધનતેરસની પૂર્વસંધ્યાએ રૂપિયા 4800 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યું હતું કે, નવા વિકાસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના જીવનને આસાન બનાવશે અને વિકાસને નવી ગતિ આપશે.
વડાપ્રધાનએ અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામે ગાગડીઓ નદીને પુન:જીવીત તથા તળાવોનું નિર્માણ કરીને સરકારના જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યો કરનાર ધોળકિયા ફાઉન્ડેશનની કામગીરીની નોંધ લીધી હતી.
વડાપ્રધાને આ સંદર્ભમાં ગુજરાતના પાણી માટેના પુરુષાર્થને યાદ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતે ભૂતકાળમાં પાણી માટે સંઘર્ષ કર્યો છે, પણ આજે નર્મદા માતા ગુજરાતની પરિક્રમા કરીને ગુજરાતને સમૃદ્ધ કરી રહી છે. આ સાથે પુણ્ય અને પાણી વહેંચી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મોદીએ ગુજરાતના વિકાસમાં અને આગવી ઓળખમાં અમરેલી જિલ્લાના સામાજિક દાયિત્વ અને સેવાના સંદર્ભમાં યોગીજી મહારાજની માંડીને ભોજા ભગત, દુલાભાયા કાગ, કવિ કલાપી, કે.લાલ, રમેશ પારેખ, સહિતના મહાનુભાવને યાદ કરીને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને ગોવિંદભાઈ ધોળકિયા સહિત અમરેલી જિલ્લાના રત્નોની સામાજિક સેવાને પ્રેરણાદાયી ગણાવી હતી.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મિશનમોડમાં કામ કરી રહ્યાં છે. પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અમરેલી પ્રગતિશીલ છે, એમ જણાવતાં વડાપ્રધાનએ કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની અલગ યુનિવર્સિટી હાલોલમાં શરૂ થઈ છે અને તેની સાથે જોડાયેલી પ્રાકૃતિક કૃષિની પ્રથમ કોલેજ અમરેલીને મળી છે. અમરેલીની સહકાર ક્રાંતિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, વર્ષ 2007માં અમર ડેરીની શરૂઆત વખતે 25 ગામોમાં સહકારી સમિતિ હતી. આજે 700થી વધુ ગામોની સહકારી સમિતિ ડેરી સાથે જોડાયેલી છે અને દરરોજ સવા લાખ લિટર દૂધ ભરાય છે.
ઊર્જાક્ષેત્રે અમરેલી અવ્વલ હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ દૂધાળા ગામને સોલાર ગામ બનાવવા માટેનું અભિયાન શરૂ કર્યું છે. જેનાથી ગામલોકોના વીજબીલના નાણાં બચશે. દૂધાળા હવે દેશનું પ્રથમ સોલાર વિલેજ બનવા જઈ રહ્યું છે.
પોરબંદર જિલ્લાના મોકરસાગર ખાતે કર્લી રિચાર્જ સરોવરને વિશ્ર્વસ્તરીય સસ્ટેનેબલ ઈકોટૂરિઝમ તરીકે વિકસાવવામાં આવશે. તેનાથી ઈકોટૂરિઝમને વેગ મળશે તથા ત્યાં એડવેન્ચર ટૂરિઝમની પણ અપાર સંભાવનાઓ છે. અહીં બર્ડ સેન્ચ્યુરી પણ ઊભી થશે.
બ્લૂ રિવોલ્યૂશનને વેગ આપવા સાથે આપણે પોર્ટ લેડ ડેવલપમેન્ટને વેગ આપી રહ્યાં છીએ. ભૂતકાળમાં જે દરિયાકિનારો ખારોપાટ ગણાતો, તેને સમૃદ્ધિના દ્વાર બનાવવા પ્રાથમિકતા આપીને કામ કરી રહ્યાં છીએ. આપણા ગુજરાતના બંદરોને દેશના અન્ય બંદરો સાથે જોડી રહ્યાં છીએ, ઉપરાંત ભારતના ઐતિહાસિક બંદરને દુનિયાના પ્રવાસનના નકશા પર મૂકવા, લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ – વિશ્ર્વ કક્ષાનું મ્યૂઝિયમ બનાવાઈ રહ્યું છે. જાફરાબાદ તથા શિયાળબેટ વિસ્તારમાં સારામાં સારી માળખાકીય સુવિધા વિકસાવવામાં આવી રહી છે.
ઘોઘા રો-રો ફેરી સર્વિસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, તેના થકી સાત લાખ લોકોએ મુસાફરી કરી છે. પંચોતેર હજારથી વધુ ટ્રકો, એક લાખથી વધુ વાહનોનું પરિવહન થયું છે. જેના કારણે નાણાં, કલાકોની બચત થઈ છે. તેમજ પર્યાવરણને પણ ફાયદો થયો છે. જામનગર, મોરબી તથા રાજકોટ એક એવો ત્રિકોણ છે. જેનામાં મેન્યુફેક્ચરિંગ હબ બનવાની ક્ષમતા છે. આ ત્રિકોણ આજે મીની જાપાન થવાની તાકાત ધરાવે છે.
એરોસ્પેસ એન્જિનિયરિંગ ક્ષેત્રે સ્પેન ભારતમાં મોટું રોકાણ કરી રહ્યું છે, ત્યારે તેનાથી ગુજરાત તથા રાજકોટના ઉદ્યોગોને મોટો લાભ થશે. સૌરાષ્ટ્રના લઘુઉદ્યોગોની તો પાંચે’ય આંગળીઓ ઘીમાં છે. તેમણે કહ્યું હતું કે, ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત એ જ આપણો સંકલ્પ છે. આજે દુનિયામાં ભારતનું ગૌરવ વધ્યું છે. દુનિયાના લોકોને ભારતના લોકોની ક્ષમતાનો પરિચય થવા લાગ્યો છે. જેમાં ગુજરાતની ભૂમિકા ખૂબ મહત્વની છે. દેશના શહેરો અને ગામડાઓમાં કેટલું સામર્થ્ય છે, તે ગુજરાતે બતાવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતે પર્યાવરણથી પ્રવાસન અને જળથી જનશક્તિના સમૂચિત સમન્વયથી અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. જેના મૂળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને દેશના વિકાસ માટેની ઝંખના છે.
મુખ્યમંત્રીએ દિવાળીના પાવન દિવસોમાં સૌરાષ્ટ્રની જનતાને રૂ.4800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપવા માટે આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, એક સમયે અભાવોનો સામનો કરતું ગુજરાત રાજ્ય વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં પૂરપાટ ઝડપે વિકાસ પથ પર આગળ વધી રહ્યું છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, 1960થી શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રા અને અત્યારની ગુજરાતની વિકાસયાત્રાની તુલના કરીએ તો સ્પષ્ટપણે જણાઈ આવે કે, એક સુરેખ અને દ્રષ્ટિવંત નેતૃત્વથી કેવું પરિવર્તન આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પરિવર્તન લાવવા માટે કરેલો પરિશ્રમ આજે રંગ લાવી રહ્યો છે.
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ તકે જણાવ્યું કે, ગુજરાતે જળસંચય અને જળવ્યવસ્થાપન ક્ષેત્રે આગવો રાહ કંડાર્યો છે. જળસંચય ક્ષેત્રે ગુજરાતને તાજેતરમાં જ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ સિંચાઈ માટે નર્મદાના પૂરના દરિયામાં વહી જતાં વધારાના જળને સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રમાં અવતરણ કરાવ્યું છે. જેને કારણે સૌરાષ્ટ્રની ધરા નવપલ્લવિત થઈ છે.
રાજ્ય સરકારે જળસંચય ક્ષેત્રે લાઠી અને લીલીયા તાલુકામાં જળસંગ્રહની કામગીરી આગળ વધારવા માટે પીપીપી મોડ હેઠળ ગાગડિયો નદીને સાફ કરવા માટે રૂ.20 કરોડની ગ્રાન્ટની પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
નાવડા-ચાવંડ પાઈપલાઈન દ્વારા રાજકોટ અને ભાવનગરના નર્મદાના અને મહીના પાણી ઉપલબ્ધ બન્યાં છે. સૌરાષ્ટ્રની તરસી ધરા આ પાણીથી તૃપ્ત થઈ છે. પશુપાલકોની હિજરત પણ આ પાણીના કારણે અટકી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
જળસંચયના પવિત્ર સંકલ્પ અને ઉદ્યમ થકી આ પ્રદેશને નવપલ્લવિત કરનાર સવજીભાઈ ધોળકિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આજે દુધાળા-લાઠીની ધરતી પર સોનાનો સૂરજ ઉગ્યો છે. વડાપ્રધાનએ થોડા વર્ષો પહેલા હરિકૃષ્ણ સરોવરનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું અને આજે ત્યાં ભારતમાતા સરોવર નિર્માણ પામ્યું છે. જિલ્લામાં ત્યારથી લઈને અત્યાર સુધી 155 સરોવરનું નિર્માણ થયું છે. જળસંચય અને પ્રાકૃતિક ખેતી દ્વારા ગુજરાત વિકાસના પંથે ઝડપભેર પ્રગતિ કરી રહ્યું છે.