મેરા દેશ બદલ રહા હૈ…
કુલ નિકાસમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો 70 ટકા અને જાહેર ક્ષેત્રની કંપનીઓનો હિસ્સો 30 ટકા
મેરા દેશ બદલ રહા હૈ… એક સમયે સંરક્ષણ ક્ષેત્રે સંપૂર્ણ પણે બીજા ઉપર નિર્ભર ભારત આજે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની સાથોસાથ નિકાસ વધારવા પણ સક્ષમ બની રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ભારતે સંરક્ષણ ક્ષેત્રે થતી નિકાસમાં બમણો વધારો કરી 13 હજાર કરોડના શસ્ત્રો વેચ્યા છે. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાના ભારતના પ્રયાસોને સતત પાંખો મળી રહી છે. ખાસ કરીને ઘરેલું ટેક્નોલોજી વિકસાવવા અને તેને દુનિયાભરમાં લઈ જવાની બાબતમાં દેશનું સંરક્ષણ ક્ષેત્ર સતત આગળ વધી રહ્યું છે. દરમિયાન, નાણાકીય વર્ષ 2021-22 માટે સંરક્ષણ નિકાસના આંકડા પણ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાના પ્રયાસો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ એક વર્ષ દરમિયાન ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રમાં 13 હજાર કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શ કર્યો છે. નાણાકીય વર્ષ 2020-21ની સરખામણીમાં આ 54.1 ટકાનો વધારો છે.જો કે, એક આશ્ચર્યજનક બાબત એ છે કે કુલ નિકાસમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો 70 ટકા છે, જ્યારે જાહેર ક્ષેત્રની કંપનીઓ માત્ર 30 ટકા નિકાસ કરી શકી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શનના એડિશનલ સેક્રેટરી સંજય જાજુના જણાવ્યા અનુસાર દેશની ડિફેન્સ એક્સપોર્ટ મુખ્યત્વે અમેરિકા, ફિલિપાઈન્સ, સાઉથ ઈસ્ટ એશિયા, મિડલ ઈસ્ટ અને આફ્રિકાના દેશોમાં થાય છે. 2020-21માં ભારતની સંરક્ષણ નિકાસ 8 હજાર 434 કરોડ રૂપિયા હતી, જ્યારે 2019-20માં તે 9 હજાર 115 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.સંજય જાજુએ જણાવ્યું હતું કે, ખાનગી ક્ષેત્રની કંપનીઓએ લગભગ 70 ટકા નિકાસ કરીને સારું પ્રદર્શન કર્યું છે.
વર્ષ 2015 કરતા સંરક્ષણ ક્ષેત્રે થતી નિકાસમાં 8 ગણો વધારો
નાણાકીય વર્ષ 2015-16માં ભારતની સંરક્ષણ નિકાસ માત્ર 2059 કરોડ રૂપિયા રહી હતી. બીજી તરફ કોવિડને કારણે છેલ્લા બે વર્ષ સુસ્ત રહ્યા, પરંતુ આ વખતે અમે સારી પ્રગતિ કરી છે. ભારતે પાંચ વર્ષ અગાઉની સરખામણીએ નાણાકીય વર્ષ 2021-22માં સંરક્ષણ નિકાસમાં આઠ ગણો વધારો કર્યો છે.
ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ આપવા કર્યા 2770 કરોડના કરાર
આ વર્ષે જાન્યુઆરીમાં ભારતે ફિલિપાઈન્સ સાથે 375 મિલિયન ડોલર (લગભગ 2770 કરોડ રૂપિયા)ની ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ સપ્લાય કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સોમવારે નિકાસને પ્રોત્સાહન આપવા માટે એક કાર્યક્રમમાં ખાનગી ક્ષેત્રની કંપની અને જાહેર ક્ષેત્રની કંપનીને પુરસ્કારો અર્પણ કરશે.