ભારતીય ચાહકો મારી પાસેથી શું અપેક્ષા રાખે છે તે બરાબર ખબર છે: કોહલી
વર્લ્ડકપનો ૭મો દિવસ અને ભારત દક્ષિણ આફ્રિકા સામે સાઉથહેમટન ખાતે પોતાનાં વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. ભારત દક્ષિણ આફ્રિકા સામે પાંચમી વખત ટકરાશે. આ પહેલા ૧૯૯૨, ૧૯૯૯ અને ૨૦૧૧માં દક્ષિણ આફ્રિકાએ બાજી મારી હતી જયારે ૨૦૧૫માં ભારતે જીત હાંસલ કરી હતી. ડુપ્લેસીસની આફ્રિકા ટીમ આઉટ ઓફ ફોમ પહેલીવાર જોવા મળી રહી છે તેને વિશ્વકપમાં પ્રથમ બે મેચ હારી જતાં તેમનાં પર માનસિક તણાવ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. સ્પર્ધામાં ટકી રહેવા તેઓએ બાકી રહેતી ૭ મેચમાંથી ૫ મેચ જીતવા ફરજીયાત બની ગઈ છે ત્યારે ફાસ્ટ બોલર લુંગી ગીડી અને ડેલ સ્ટેનની ગેરહાજરીમાં તેનાં માટે ટીમ ઈન્ડિયાને હરાવવું લોઢાનાં ચણા ચાવવા સમાન બની રહેશે. ભારત વિશ્વકપની પ્રથમ મેચ રમશે. વર્લ્ડકપ પહેલા ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ત્રણેય મેચમાં ભારતને હારનો સામનો કરવો પડયો હતો અને આઈપીએલનાં માઈન્ડ સેટને વન-ડેમાં ક્ધવર્ટ કરવું કોહલીની ટીમ માટે થોડું અઘરું પણ રહેશે. જોકે ગત બે વર્ષથી આફ્રિકા સામે ભારતનો હાથ ઉપર રહ્યો છે તેમને ગયા વર્ષે ૫-૧ થી સીરીઝ જીતી હતી તે ઉપરાંત છેલ્લી ૫ આઈસીસી ટુર્નામેન્ટની વાત કરવામાં આવે તો ભારત વિજય મેળવવા સફળ પણ રહ્યું હતું. ૨૦૧૨ અને ૨૦૧૪ વર્લ્ડકપ, ૨૦૧૩ અને ૨૦૧૭ ચેમ્પીયન ટ્રોફી અને ૨૦૧૫નો વિશ્વકપ ખુબ જ મહત્વનો બની રહ્યો હતો.
ભારતીય ટીમનું ટોપ ઓર્ડર ટીમની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે. રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી ભારતનાં ૬૦ ટકાથી વધુ રન કરે છે. કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે ૨૪ મેચોમાં ૪ સદી અને ૬ અડધ સદી ફટકારી છે તેની કેરીયર એવરેજ તેની સામે વધુ છે જયારે જસપ્રીત બુમરાહનું ફોમ અને તેની નિયમિતતા તેને વિશ્વનો સૌથી ઘાતક બોલર બનાવ્યો છે.વિશ્વકપ માટે મોટા સ્ટેજ ઉપર માભા પ્રમાણે પ્રદર્શન કરવા માટે ભારતીય ટીમ સજજ થઈ ગઈ છે.
એવી જ રીતે દક્ષિણ આફ્રિકા ટીમની વાત કરવામાં આવે તો ડીકોકે ૧૨ મેચમાંથી ૫ સદી અને એક અડધ સદી ફટકારી છે તેનું ફોર્મ ટીમ માટે એક સારું પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે. એવી જ રીતે ટીમનાં સુકાની ડુપ્લેસી પણ સારી રીધમમાં જોવા મળી રહ્યો છે જેને છેલ્લી ૭ મેચમાંથી ૪ ઈનીંગમાં અડધ સદી ફટકારી છે ત્યારે ભારત સામેનાં મેચમાં ડેલ સ્ટેન અને લુંગી ગીડી નહીં રમે અને તેની ગેરહાજરીમાં દક્ષિણ આફ્રિકાની ટીમ એન્જીન વગરની ગાડી જેવી જોવા મળી રહી છે જેથી કગીસો રબાડા ઉપર ટીમની જવાબદારી વધી જશે તો નવાઈ નહીં ત્યારે ભારત અને આફ્રિકા વચ્ચેનો મેચ ખુબ જ રસપ્રદ બની રહેશે.
ભારતીય ટીમનાં સુકાની વિરાટ કોહલીએ જણાવતાં કહ્યું હતું કે, ભારતીય ચાહકો તેમની પાસે શું અપેક્ષા રાખે છે તે બરાબર ખબર છે. ક્રિકેટ સમર્થકોનું માનવું છે કે, ટીમનો સુકાની વિરાટ કોહલી સદી ફટકારે ગત ટુર્નામેન્ટ વિશે વાત કરવામાં આવે તો ૨૦૧૧માં બાંગ્લાદેશ સામે ૨૦૧૫માં પાકિસ્તાન સામે વિરાટ કોહલીએ સદી ફટકારી હતી ત્યારે વિરાટ કોહલીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોકોની અપેક્ષા દિન-પ્રતિદિન વધતી હોય છે જેનું એકમાત્ર કારણ એ છે કે નિયમિત રીતે જે પ્રદર્શન કરવામાં આવે છે.
તેનાથી લોકોની અપેક્ષામાં પણ એટલો જ વધારો થતો હોય છે ત્યારે ભારતીય ક્રિકેટ ચાહકોની અપેક્ષા ઉપર ખરું ઉતરવા માટે આફ્રિકા સામેનો મેચ ખુબ જ મહત્વપૂર્ણ બની રહેશે જેના માટે તમામ પ્રકારની ચીજ-વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને મેચ દરમિયાન કોઈપણ પ્રકારની ભુલ ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી છે. અંતમાં તેને ભારતનાં ક્રિકેટ રસિકોને આશ્ર્વાસન આપતા જણાવ્યું હતું કે, ભારતીય ટીમ વિશ્ર્વકપમાં ઉચ્ચ સ્તરીય પ્રદર્શન કરશે.