આવતીકાલથી કસ્ટમ ડયુટીમાં જોવા મળશે વધારો: ફ્રુટ,બદામ, અખરોટ, દાળ જેવી ચીજ-વસ્તુઓ ઉપર લાદશે ડયુટી
વૈશ્વિક સ્તર પર જે રીતે અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડવોર ચાલી રહ્યો છે ત્યારે ભારત પણ અમેરિકાથી આયાત થતી 29 વસ્તુઓ ઉપર કસ્ટમ ડયુટી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બદામ, પલ્સીસ, સ્ટીલ તથા એલ્યુમીનીયમ ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે જેને લઈ કેન્દ્ર સરકારનું નાણા મંત્રાલય આ અંગેનો ઠરાવ અને નોટીફીકેશન ટુંક સમયમાં જ રજુ કરશે. સુત્રોનાં જણાવ્યા અનુસાર 16 જુનનાં રોજ તમામ 29 ચીજ વસ્તુઓ પરની ડયુટીમાં વધારો જોવા મળશે. જે અંગે ભારતનાં વિદેશ મંત્રી જયશંકરે યુ.એસ.નાં સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પીયો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને લઈ ભારતીય મંત્રાલય દ્વારા કસ્ટમ ડયુટીમાં વધારાની જાણ કરવાનું પણ અમેરિકાને જણાવવામાં આવ્યું હતું.
જે 29 ચીજવસ્તુઓની વાત કરવામાં આવે તો તેમાં બદામ, અખરોટ, દાળનો સમાવેશ થાય છે. જે અંગે નાણા મંત્રાલય ટુંક સમયમાં તેનું નોટીફીકેશન બહાર પાડશે. આ પહેલા ભારત અમેરિકાની વસ્તુઓ ઉપર ટેરીફ લાદવાનો નિર્ણય 7 વખત ટાળી ચુકયું છે. ભારતે ગત વર્ષનાં જુનમાં અમેરિકી વસ્તુઓ ઉપર ટેરીફ લગાવવાનો નિર્ણય લીધો હતો પરંતુ કોઈ સંજોગોવશ આ કાર્ય સિદ્ધ થઈ શકયું ન હતું. અમેરિકા દ્વારા ગત વર્ષમાં ભારતની સ્ટીલ અને એલ્યુમીનીયમની બનેલી પ્રોડકટસ પર આયાત ડયુટી વધારી હતી જેનાં જવાબમાં ભારતે પણ અમેરિકાનાં સામાન પર ડયુટી લાદવાનો નિર્ણય લીધો હતો. અમેરિકા દ્વારા ભારતને 44 વર્ષ પહેલા આપેલા વેપારમાં પ્રાથમિકતાનો દરજજો એટલે કે જીપીએસ જુન પ્રારંભે જ પાછો ખેંચી લીધો હતો. ટ્રમ્પ સરકારનું કહેવું છે કે, 5 જુનથી ભારતની આશરે 2000થી વધુ ચીજવસ્તુઓની આયાત ડયુટીમાં અપાયેલી છુટ રદ કરવામાં આવી છે જેનાં કારણે અમેરિકામાં ભારતની ચીજ-વસ્તુઓ મોંઘી થઈ છે.
ભારતે અમેરિકાથી 2017-18માં 1865 અબજ રૂપિયાનો સામાન આયાત કર્યો હતો. જયારે ભારતે અમેરિકા ખાતે 3346 અબજ રૂપિયાનાં સામાનની નિકાસ કરી હતી ત્યારે સંભવિત ચીજ-વસ્તુઓનો દર શું રહેશે તે પણ જોવાનું રહ્યું. હાલ ચણા પર 30 ટકા ઈમ્પોર્ટ ડયુટી લગાવવામાં આવી છે. જયારે સફરજન ઉપર 50 ટકા, અખરોટ ઉપર 30 ટકા અને દાળ ઉપર 30 ટકાની ડયુટી લગાવવામાં આવી છે ત્યારે હવે આવનારી ડયુટીનાં પ્રમાણમાં કેટલાઅંશે વધારો થશે તે તો આવનારો સમય જ જણાવશે. એવી પણ શકયતાઓ સામે આવી રહી છે કે, જી-20 બેઠક પહેલાં ભારતનાં વિદેશમંત્રી જયશંકર માઈક પોમ્પીયો સાથે બેઠક કરશે. જયારે બીજી તરફ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. ભારત અને અમેરિકા વચ્ચે જે વ્યાપારમાં તણાવનો માહોલ ઉદભવિત થયો છે તેને કઈ રીતે નિવારવું તે મુદ્દે પણ ચર્ચા-વિચારણા થશે પરંતુ હાલ ભારત અમેરિકાને 29 જેટલી ચીજ-વસ્તુઓ ઉપર ઈમ્પોર્ટ ડયુટી લગાવવાનો જે રીતે મકકમ નિર્ણય લેવાની વાત કરી છે તે પણ જોવાનું રહ્યું.