ભારતે ઇન્દોર ટેસ્ટ જીતવા માટે આપેલો 75 રનનો લક્ષ્યાંક ઓસ્ટ્રેલીયાએ માત્ર એક વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો: ચાર ટેસ્ટની શ્રેણી 2-1 પર

ઇન્દોર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે પ્રથમ દોઢ કલાકની રમતમાં જ ભારતીય ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ટેસ્ટ માત્ર સવા બે દિવસમાં જ સંકેલાઇ ગઇ છે. જીત માટે ભારતે આપેલો 75 રનનો લક્ષ્યાંક ઓસ્ટ્રેલીયાની ટીમે માત્ર એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો છે. ચાર ટેસ્ટની શ્રેણી હાલ 2-1 પર ચાલી રહી છે. શ્રેણીનો ચોથો અને અંતિમ ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતે ચોથો ટેસ્ટ જીતવો ફરજિયાત જેવો બની જશે.

ઇન્દોર ખાતે ગત બુધવારથી શરૂ થયેલા ત્રીજા ટેસ્ટમાં ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દાવમાં ભારતે માત્ર 109 રન બનાવતાં પ્રથમ દિવસે જ ભારતની હાર નિશ્ર્ચિત બની જવા પામી હતી. ઓસ્ટ્રેલીયાની ટીમે પોતાના પ્રથમ દાવમાં 197 રન બનાવ્યાં હતાં અને ભારત પર 88 રનની મહત્વપૂર્ણ લીડ હાંસલ કરી હતી. પ્રથમ દાવની માફક બીજા દાવમાં પણ ટીમ ઇન્ડિયાના તમામ બેટસમેનો રિતસર નિષ્ફળ ગયા હતા. એકમાત્ર ચેતેશ્ર્વર પુજારાએ 69 રન બનાવીને ઓસ્ટ્રેલીયાના બોલરોનો મક્કતાપૂર્વક સામનો કર્યો હતો. ભારત બીજા દાવમાં 163 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. આમ ત્રીજો ટેસ્ટ જીતવા માટે ઓસ્ટ્રેલીયાને 75 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

આજે ત્રીજા દિવસની રમતના આરંભે ઓસ્ટ્રેલીયા પ્રથમ વિકેટ પ્રથમ ઓવરમાં જ ધરાશાયી થતાં એક તબક્કે એવું લાગતું હતું કે ત્રીજી ટેસ્ટ રોમાંચક બનશે. પરંતુ ત્યારબાદ ઓસ્ટ્રેલીયાના બેટસમેન ટ્રેવીસ હેડ અને મારનુસ લબુશેને ભારતીય બોલરોનો મક્કતાપૂર્વક સામનો કર્યો હતો. હેડે વનડેની માફક બેટીંગ કરી હતી. 53 બોલમાં 6 ચોગ્ગા અને 1 સિક્સરની મદદથી તેને અણનમ 49 રન બનાવ્યા હતાં. ત્રીજા દિવસની પ્રથમ દોઢ કલાકની રમતમાં જ ઓસ્ટ્રેલીયાએ જીત હાંસલ કરી લીધી હતી અને ભારતને 9 વિકેટે કારમો પરાજય આપ્યો હતો. એકમાત્ર રવિચંદ્ર અશ્ર્ચિનને ભારત તરફથી વિકેટ મળી હતી.

ઘરઆંગણે ભારતને મળેલા શરમજનક પરાજયથી ક્રિકેટરસીકોમાં ભારે હતાશા છવાઇ ગઇ છે. સ્પિનરોને મદદરૂપ વિકેટ પર ભારતીય બેટસમેનો રિતસર સંઘર્ષ કરતા નજરે પડતાં હતા. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચાર ટેસ્ટની શ્રેણીમાં હાલ ભારત 2-1થી ચોક્કસ આગળ ચાલી રહ્યું છે. પરંતુ જો ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં પ્રવેશ કરવો હશે તો આ શ્રેણી 3-1થી જીતવી પડશે. શ્રેણીનો અંતિમ ટેસ્ટ આગામી 9 થી 13 માર્ચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

નાથન લેયોનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેને પ્રથમ દાવમાં ત્રણ વિકેટો અને બીજા દાવમાં આઠ વિકેટો ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.