રહાણે-ઠાકુરની લડત, ભારત પ્રથમ ઇનિંગમાં 296 રન બનાવી શક્યું: બીજી ઇનિંગમાં જાડેજાએ બે, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવે એક-એક વિકેટ ઝડપી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ધ ઓવલ ખાતે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હજી પણ ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે છે. ભારતીય ક્રિકેટ ટીમના બોલર્સે બીજા દાવમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હોવા છતાં ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ મેચ પર પકડ બનાવી રાખી છે. ભારતે ત્રીજા દિવસે વળતી લડત આપી છે પણ ઓસ્ટ્રેલિયાનો હાથ હજુ ઉપર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં અજિંક્ય રહાણે અને શાર્દૂલ ઠાકુરે લડાયક ઈનિંગ્સ રમી હોવા છતાં ભારતીય ટીમનો પ્રથમ દાવ 296 રનમાં સમેટાઈ ગયો હતો.
પ્રથમ દાવમાં ભારતના ટોચના બેટર્સ નિષ્ફળ રહ્યા હતા.ભારત માટે અજિંક્ય રહાણેએ સૌથી વધુ 89 રન નોંધાવ્યા હતા. તેણે 129 બોલમાં 11 ચોગગા અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે શાર્દૂલ ઠાકુર 109 બોલમાં છ ચોગ્ગા સાથે 51 રન નોંધાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સે ત્રણ તથા મિચેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ અને કેમેરોન ગ્રીને બે-બે તથા નાથન લાયને એક વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 173 રનની જંગી સરસાઈ મળી હતી. જ્યારે બીજા દાવમાં પેટ કમિન્સની ટીમની બેટિંગ ખરાબ રહી હોવા છતાં ટીમ મજબૂત સ્થિતિમાં છે. ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે મેચના ત્રીજા દિવસના અંતે ચાર વિકેટે 123 રન નોંધાવ્યા છે. પ્રથમ દાવની જંગી સરસાઈના આધારે ઓસ્ટ્રેલિયા હાલમાં 296 રનની લીડ ધરાવે છે. દિવસના અંતે માર્નસ લાબુશેન 41 અને કેમેરોન ગ્રીન સાત રને રમતમાં છે. અગાઉ ત્રીજા દિવસે ભારતનો પ્રથમ દાવ 296 રનમાં સમેટાઈ ગયો હતો.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જોકે, બીજા દાવમાં તેની બેટિંગ નિરાશાજનક રહી છે. બીજા દાવમાં ટીમે બે રનના સ્કોર પર ડેવિડ વોર્નરની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા પણ 13 રન નોંધાવીને આઉટ થયો હતો. પ્રથમ દાવમાં સદી ફટકનારા સ્ટિવ સ્મિથ અને ટ્રેવિસ હેડ પણ નિષ્ફળ રહ્યા હતા. સ્મિથ 34 રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે ટ્રેવિસ હેડ 18 રન જ નોંધાવી શક્યો હતો. આ બંનેને રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યા હતા. જોકે, લાબુશેન ભારત માટે જોખમી બની શકે છે તેથી શનિવારે ચોથા દિવસે તેને ઝડપથી આઉટ કરવો પડશે. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ બે તથા મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી.