વિશ્વના સૌથી મોટા એવા ભારતના રસીકરણ અભિયાનમાં દેશ દરરોજ નવી સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યો છે. ત્યારે હવે રસીકરણ ક્ષેત્રે ભારત ફરી વિશ્વને ’કોરોના કવચ’ પૂરું પાડવા સજ્જ થયો છે. દેશમાં રસીના ડોઝની જેટલી જરૂરિયાત છે તેના કરતાં વધુ ઉત્પાદન ક્ષમતા અને પુરવઠો એકત્રિત થતા ભારત હવે વિશ્વના દેશોને ફરી રસીની નિકાસ કરશે. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે ભારતમાં ઉત્પાદિત થયેલો બિનઉપયોગી રસીનો જથ્થો અન્ય દેશોમાં નિકાસ માટે ખુલ્લો મુકાશે. જેના પરિણામે સ્વદેશી રસી કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને રસીઓની વિશ્વભરમાં ફરી બોલબાલા થઈ ઉઠશે…!!

જણાવી દઈએ કે સરકાર મોટી, મધ્યમ અને નાની હોસ્પિટલો દ્વારા સંગ્રહિત બિનઉપયોગી કોવિડ-19 રસીની નિકાસ કરવાની દરખાસ્તનું મૂલ્યાંકન કરી રહી છે.

નાની અને મધ્યમ હોસ્પિટલોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એસોસિયેશન ઓફ હેલ્થકેર પ્રોવાઈડર્સ-ઈન્ડિયાના પ્રતિનિધિઓએ તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સાથે બેઠક કરી હતી. અને વેક્સિન સ્ટોકનો અસરકારક રીતે ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્ર પાસે અંદાજિત 50 લાખ ડોઝ બિનઉપયોગી પડ્યા છે. કેટલાક સ્ટોક ડિસેમ્બરના અંત સુધીમાં અને કેટલાક માર્ચના અંત સુધીમાં સમાપ્ત થવાના છે. આ મુદ્દે આરોગ્ય મંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપી ટૂંકાગાળામાં નિકાસ શરૂ કરવા અંગેની ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.