મેચ જો ભારત જીતશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પયિંનશિપની વધુ નજીક પહોંચી જશે: અશ્વિને ત્રણ, શામીએ બે અને જાડેજાએ એક વિકેટ ઝડપી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે શુક્રવારથી સિરીઝની બીજી મેચ શરુ થઈ છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. બોર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં ભારતે 1-0 થી લીડ મેળવી છે. સિરીઝની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ હતી. જ્યાં ભારતે રમતના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાને એક ઈનીંગ અને 132 રનથી હાર આપી હતી. હવે દિલ્લીમાં ભારતીય ટીમ લીડને 2-0 માં અજેય બનાવતા આગળ વધવાનો ઈરાદો રાખી રહી છે. રોહિત શર્માની આગેવાની ધરાવતી ભારતીય ટીમ હાલમાં ફોર્મમાં છે. અને આ મેચ જો ભારત જીતશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પયિંનશિપની વધુ નજીક પહોંચી જશે.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનું પસન્દ કર્યું છે. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખુબ જ સારી રહી હતી પરંતુ બાદમાં બેટ્સમેનોનો જાણે ધબકડો થયો હોય તેમ એક બાદ એક વિકેટ ખરી ગઈ હતી. બીજા ટેસ્ટમાં પણ ઓસ્ટ્રેલિયા સામે ભારતે અંકુશ રાખ્યું છે.જો કે પીચની વાત કરવામાં આવે તો, અરુણ જેટલી સ્ટેડિયમની પીચ હંમેશા સ્પિનરો માટે સ્વર્ગ જેવી રહી છે. જો કે ટ્રેક બોલરો માટે કામમાં આવશે, પરંતુ પ્રથમ બેટિંગ કરનાર ટીમને થોડી મદદ મળશે. જો કે ટિમ ઇન્ડિયાને પ્રથમ ઇનિંગની લીડ જ નિર્ણાયક સાબિત થશે.
અગાઉના રેકોર્ડ મુજબ, પ્રથમ બેંટિગમાં સરેરાશ સ્કોર 342 છે, જ્યારે ચોથી ઈનિંગ્સનો સરેરાશ કુલ સ્કોર માત્ર 165 છે. ભારત આ સ્ટેડિયમમાં અગાઉ સાત ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાયું છે. તેમાંથી, ઘરઆંગણે ત્રણ જીત સાથે શ્રેષ્ઠ રેકોર્ડ ધરાવે છે, જ્યારે ઓસ્ટ્રેલિયા માત્ર એક જીતવામાં સફળ રહ્યું હતું અને બાકીના ત્રણ ડ્રોમાં સમાપ્ત થયા હતા.
ભારતીય ટીમમા ફેરફાર જોવા મળ્યો છે. સૂર્યકુમારના સ્થાને શ્રેયસ અય્યરને સ્થાન મળ્યુ છે.ઓસ્ટ્રેલિયાએ પણ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમમાં નાગપુર ટેસ્ટનો હિસ્સો રહેલો સ્કોટ બોલેન્ડ બહાર થયો છે. જ્યારે ટ્રેવિસ હેડને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે. નાગપુર ટેસ્ટ વેળા ટ્રેવિસને બહાર રાખવાને લઈ ઓસ્ટ્રેલિયન દિગ્ગજોએ ખૂબ સવાલો ટીમ મેનેજમેન્ટ પર ઉઠાવ્યા હતા. હવે દિલ્લી ટેસ્ટમાં હેડને બેન્ચના બદલે અંતિમ ઈલેવનમાં સ્થાન મળ્યુ છે.