ચાલુ નાણાકીય વર્ષમાં અનાજ સબસીડી બિલ અધધધ 3 લાખ કરોડે પહોંચે તેવી શકયતા
એક તરફ વિશ્વભરમાં ખાદ્ય સંકટ તોળાઈ રહ્યું છે. તો બીજી તરફ ભારત અન્નદાતાની ભૂમિકામાં આવીને દેશવાસીઓને રેકોર્ડબ્રેક મફત અનાજનું વિતરણ કરી રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં અનાજ સબસીડી બિલ અધધધ 3 લાખ કરોડે પહોંચે તેવી શકયતા સેવાઈ રહી છે. ભારત મોટો કૃષિ ઉત્પાદક દેશ છે. જરૂર પડ્યે ભારતે પાડોશી દેશોને ખાદ્યસંકટમાંથી બહાર કાઢવા ભરપૂર મદદ કરી છે. અફઘાનિસ્તાન હોય કે શ્રીલંકા ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવના અપનાવીને ત્યાંના લોકોની જઠરાગ્નિ થારવાના અનેક પ્રયાસો કર્યા છે. ભારતે જ્યારે જરૂર પડી છે ત્યારે પાડોશી દેશોને ફ્રીમાં અનાજ આપીને સહાય પુરી પાડી છે.
એક તરફ વિશ્વ આખું ખાધ સંકટનો સામનો કરી રહ્યું છે. તેવામાં ભારત દેશની અંદર અનાજનું છુટા હાથે વિતરણ કરી રહ્યું છે. એક સમયે વિશ્વના વિકસિત દેશોએ ભારતની આ દરિયાદીલી સામે વાંધો પણ ઉઠાવ્યો હતો. પણ ભારતે છતાં આ વિતરણ ચાલુ જ રાખ્યું છે. એક અંદાજ મુજબ, લગભગ 80 કરોડ લોકો જેને મફત તથા રાહતદરે અનાજ વિતરણનો લાભ આપવામાં આવી રહ્યો છે. અગાઉ બજેટમાં સૌથી વધુ રકમ 2020-21માં 5.2 લાખ કરોડ રૂપિયાની હતી. પરંતુ આ ફંડના રૂ. 3.4 લાખ કરોડનો ઉપયોગ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડમાંથી લીધેલી લોનને સેટલ કરવા માટે કરવામાં આવ્યો હતો. આનાથી સરકારની માલિકીની એફસીઆઈના વ્યાજના બોજમાં ઘટાડો થયો હતો, જેણે અનાજની આર્થિક કિંમત ઘટાડવામાં મદદ કરી છે.
સરકારે પીએમજીકેએવાયને સાતમી વખત ડિસેમ્બર સુધી લંબાવ્યું છે અને અધિકારીઓએ જણાવ્યું હતું કે આનાથી સબસિડીમાં રૂ. 1.2 લાખ કરોડનો વધારો થવાની સંભાવના છે.આ યોજના હેઠળ, સરકાર દરેક લાભાર્થીને માસિક 5 કિલો મફત અનાજ આપે છે. આ 5 કિલો અત્યંત સબસિડીવાળા ઘઉં અને ચોખા ઉપરાંત છે જે કેન્દ્ર દર મહિને આ દરેક લાભાર્થીઓને આપે છે.કોવિડ-19 રોગચાળા દરમિયાન ગરીબોને રક્ષણ પૂરું પાડવા માટે સરકારે એપ્રિલ 2020માં આ યોજના શરૂ કરી હતી. અગાઉ, ખાદ્ય મંત્રાલયે કહ્યું હતું કે પીએમજીકેવાયના તમામ સાત તબક્કામાં કુલ ખર્ચ આશરે 3.9 લાખ કરોડ રૂપિયા હશે.ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સરકારનું ફૂડ સબસિડી બિલ રૂ. 3 લાખ કરોડને પાર કરે તેવી શક્યતા છે, જે રૂ. 2 લાખ કરોડના બજેટ અંદાજ કરતાં લગભગ 50% વધુ છે.
સરકારે હવે ગરીબ બની બેઠેલા લોકોની ઓળખ કરી તેને અપાતા લાભ બંધ કરવાની જરૂર
એક અંદાજ મુજબ સરકાર અત્યારે 80 કરોડ લોકોને ફ્રીમાં તથા રાહતદરે અનાજ વિતરણ કરી રહી છે. આ સંખ્યા ખૂબ મોટી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો બની બેઠેલા ગરીબ છે. સરકારે આવા લોકોની ઓળખ કરીને તેને અપાતો લાભ બંધ કરવાની હવે જરૂરિયાત ઉભી થઇ છે. નહિતર સરકાર ઉપર કારણ વગર બોજ વધતો જ જશે.