ભારતે પોતાનો પ્રથમ દાવ ૪૯૩/૬નાં સ્કોરે ડિકલેર કર્યો: ૩૪૩ રનનાં તોતીંગ દેવા સાથે મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમે બીજા દાવમાં ૮ વિકેટો ગુમાવી દીધી: ટીમ ઈન્ડિયા જીતથી ૨ વિકેટ દુર
ઈન્દોર ખાતે બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ટેસ્ટનાં ત્રીજા દિવસે શાનદાર જીત ભણી આગેકુચ કરી રહી છે. ભારત જીતથી માત્ર ૪ વિકેટ જ દુર છે. હજી ટેસ્ટનાં બે દિવસ બાકી હોય ભારતની જીત નિશ્ર્ચિત છે. બાંગ્લાદેશ માત્ર કેટલા ઓછા રનથી હારે છે તે ઔપચારીકતા બાકી રહી છે.
આજે પ્રથમ ટેસ્ટનાં ૩ દિવસે ભારતીય સુકાની વિરાટ કોહલીએ ભારતનો પ્રથમ દાવ ૪૯૩/૬નાં સ્કોરે ડિકલેર કર્યો હતો. ૩૪૩ રનનાં તોતીંગ દેવા સાથે મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશનાં બેટસમેનો પ્રથમ દાવની માફક બીજા દાવમાં પણ ભારતીય બોલરોની આગ ઝરતી બોલીંગનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. બીજા દાવમાં બાંગ્લાદેશની અડધી ટીમ માત્ર ૭૨ રનમાં પેવેલિયન ભેગી થઈ જતાં ત્રીજા દિવસે બીજા સેશનમાં ભારતની શાનદાર જીત નિશ્ર્ચિત થઈ જવા પામી હતી જોકે છઠ્ઠી વિકેટ માટે ૬૩ રનની ભાગીદારી અને ૭મી વિકેટ માટે મુસફીર રહીમ અને મહેંદી હસન વચ્ચે ૫૯ રનની ભાગીદારીએ બાંગ્લાદેશનાં કારમા પરાજયને થોડો પાછો ઠેલવ્યો છે. ચાનાં વિરામ બાદ તુરંત જ મહેંદી હસન ૩૮ રનનાં અંગત સ્કોરે ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે બાંગલાદેશની ટીમે ૮ વિકેટનાં ભોગે ૨૦૮ રન બનાવી લીધા છે.
એક ઈનીંગથી પરાજય ખારવવા માટે હજી બાંગ્લાદેશે ૧૩૫ રન કરવાની આવશ્યક છે જે રીતે ભારતીય બોલરો બોલીંગ કરી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ત્રીજા દિવસે જ ટેસ્ટ પૂર્ણ થઈ જશે.
ઈન્દોર ટેસ્ટમાં બાંગ્લાદેશનાં સુકાનીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટેસ્ટનાં પ્રથમ દિવસે જ લંચ બાદ બાંગ્લાદેશની પુરી ટીમ ૧૫૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતે ઓપનર મયંક અગ્રવાલની આકર્ષક અને આક્રમક બેવડી સદી (૨૪૩ રન), રહાણેનાં ૮૬ રન, રવિન્દ્ર જાડેજાનાં ૬૦ રન અને ચેતેશ્ર્વર પુજારાનાં ૫૪ રનની મદદથી બીજા દિવસની રમતનાં અંતે ૬ વિકેટનાં ભોગે ૪૯૩ રન બનાવી લીધા હતા.
આજે સવારે ટેસ્ટનાં ત્રીજા દિવસે સુકાની વિરાટ કોહલીએ ભારતનો પ્રથમ દાવ ૪૯૩/૬નાં સ્કોરે ડિકલેર કરી દીધો હતો. પ્રથમ દાવમાં જે રીતે ભારતીય બોલરોએ આગ ઝરતુ પર્ફોમન્સ કર્યું હતું. બીજા દાવમાં પણ ટીમ ઈન્ડિયાનાં બોલરોનું પ્રદર્શન કાબીલે દાદ રહ્યું હતું માત્ર ૭૨ રનમાં જ બાંગ્લાદેશની પાંચ વિકેટો ધરાશાયી થઈ ગઈ હતી અને ભારત નિશ્ર્ચિત જીત તરફ આગેકુચ કરી રહ્યું છે.