આતંકી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર વિરૂદ્ધ આ કાર્યવાહી કરી છે. જૈશ-એ-મોહમ્મદના આતંકી જૂથે જ 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો. જે બાદથી જ ભારત સતત મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે તેને હવે સફળતા મળી ગઈ છે.
આ મુદ્દે 13 માર્ચના રોજ યુએનની બેઠકમાં વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ ચીને ટેક્નિકલ આધારે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. પ્રસ્તાવમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ પણ સામેલ છે. પહેલાં કેટલાંક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, ચીન 15 મે સુધી પ્રતિબંધ હટાવી લેશે, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકા અને બાકી દેશોએ એ સ્પષ્ટતા કરી છે કે, મસૂદ મામલે હવે વધુ રાહ ના જોઇ શકાય.વિશ્વમાં જૈશના તમામ નાણાકીય લેવડ-દેવડ પર પ્રતિબંધ બંધ થઇ જશે અને એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે.