અમેરિકાના લોસ એન્જલસ ખાતે આવેલા ‘ડોલ્બી થિયેટર’માં અતિપ્રતિષ્ઠિત એવો 91મો ઓસ્કર (એકેડેમી) અવોર્ડ સમારંભ અમેરિકન સમય પ્રમાણે રવિવારે મોડી સાંજે (ભારતીય સમય પ્રમાણે સોમવારે સવારે) યોજાયો હતો. તેમાં ગ્રામ્ય ભારતમાં યુવતીઓની માસિકધર્મની સમસ્યા પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મને ‘બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ શોર્ટ સબ્જેક્ટ’નો પ્રતિષ્ઠિત ઓસ્કર અવૉર્ડ મળ્યો છે. 25 વર્ષની ઈરાનિયન-અમેરિકન વિદ્યાર્થિની રાયકા ઝેહતાબ્ચીએ બનાવેલી આ ફિલ્મનાં કો-પ્રોડ્યુસર ભારતીય પ્રોડ્યુસર એવાં ગુનીત મોન્ગા છે.
પાંચ કેટેગરીમાં નોમિનેટ થયેલી બાયોગ્રાફિકલ કોમેડી ડ્રામા ફિલ્મ ‘ગ્રીન બુક’ ત્રણ ઓસ્કર અવોર્ડ્સ જીતી ગઈ હતી. તેને બેસ્ટ ફિલ્મ ઉપરાંત બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મહેરશાલા અલી) અને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેના ઓસ્કર મળ્યા. જ્યારે બ્રિટિશ રૉક બેન્ડ ‘ક્વીન’ અને તેના લીડ સિંગર ફ્રેડી મર્ક્યુરીની લાઈફ પર બનેલી બાયોગ્રાફિકલ મ્યુઝિકલ ફિલ્મ ‘બોહેમિયન રાપ્સોડી’ પાંચ કેટેગરીમાં નોમિનેટ થયેલી, જેમાંથી તે સૌથી વધુ ચાર કેટેગરીના ઓસ્કર અવોર્ડ જીતી ગઈ હતી. ‘બોહેમિયન રાપ્સોડી’ને બેસ્ટ એક્ટર (રામી મલેક), બેસ્ટ ફિલ્મ એડિટિંગ, બેસ્ટ સાઉન્ડ એડિટિંગ અને બેસ્ટ સાઉન્ડ મિક્સિંગના ઓસ્કર પ્રાપ્ત થયા હતા.
Indian film producer Guneet Monga’s ‘Period. End of Sentence.’ wins #Oscars for Documentary Short Subject. pic.twitter.com/LKxnv9YghG
— ANI (@ANI) February 25, 2019
ભારતે બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે મોકલેલી ફિલ્મ ‘વિલેજ રોકસ્ટાર્સ’ અગાઉથી જ ઓસ્કરની બહાર ફેંકાઈ ગયેલી એટલે તમામ આશાઓ માત્ર આ એક જ ડોક્યુમેન્ટરી ફિલ્મ પર ટકેલી હતી, જેના પર તે ખરી ઊતરી છે.