પીઓકે ભારતના અખંડ કાશ્મીરનો હિસ્સો છે, જેને તુરંત ખાલી કરી દયો : વિદેશ મંત્રાલયની ગર્જના
અબતક, રાજકોટ : પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ચૂંટણીના તૂત બાદ ભારતની આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતના વિદેશ મંત્રાલયે ગર્જના કરતા જણાવ્યું છે કે પીઓકે ભારતના અખંડ કાશ્મીરનો હિસ્સો છે. જેને તુરંત ખાલી કરી દેવામાં આવે. આ ઉપરાંત ભારતે ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો પણ વિરોધ નોંધાવ્યો છે.
ભારતે પોતાની જમીનમાંથી નીકળતા ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર સામે પણ નોંધાવ્યો વિરોધ
પાક. પીએમ ઈમરાન ખાને પીઓકેમાં ચૂંટણી કરાવી હતી. એમાં ઈમરાનના પક્ષને ૨૫ બેઠકો મળી હતી. એ ચૂંટણી મુદ્દે ભારતે સખ્ત વિરોધ નોંધાવ્યો હતો અને આખો વિસ્તાર ખાલી કરાવવાની માગ કરી હતી.
ભારતના વિદેશ મંત્રાલયના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે પીઓકેમાં પાકિસ્તાન સરકારે કરાવેલી ચૂંટણી ગેરકાનૂની છે. પીઓકે ભારતનો અભિન્ન હિસ્સો છે અને એમાં પાકિસ્તાનની ચૂંટણી માન્ય નથી.
ભારતના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે પાકિસ્તાનના અધિકારીઓ સમક્ષ વિરોધ નોંધાવીને કહ્યું હતું કે પીઓકે ભારતના અખંડ કાશ્મીરનો હિસ્સો છે. એ ભારતનો વિસ્તાર હોવાથી પાકિસ્તાન તુરંત ખાલી કરી દેવો જોઈએ. એમાં ચૂંટણીને માન્ય રાખવાનો તો કોઈ સવાલ જ રહેતો નથી. ભારતે કહ્યું હતું કે આ ચૂંટણીને સ્થાનિક નાગરિકોએ જ માન્ય રાખી નથી. સ્થાનિક લોકોએ જ તેનો ભારે વિરોધ કર્યો હતો. પીઓકેમાં પાકિસ્તાન માનવ અધિકારોનો ભંગ કરીને સ્થાનિક લોકોની સતામણી કરે છે એ બંધ કરે.
વિદેશ મંત્રાલયે ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો પણ વિરોધ કર્યો હતો. ભારતના સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે એ કોરિડોર ભારતની જમીન પરથી નીકળે છે. ભારતને ચીનનો આ પ્રોજેક્ટ માન્ય નથી.પીઓકેમાં થયેલી ચૂંટણીનો સ્થાનિક લોકોએ જ વિરોધ કર્યો હતો. સ્થાનિક નેતાઓએ પણ ઈમરાનના પક્ષ તહેરિક-એ-ઈન્સાફને સૌથી વધુ બેઠકો ગરબડો કરીને મળી હોવાનો આરોપ લગાવ્યો હતો
પીઓકેના લોકો પણ પાકિસ્તાનથી આઝાદી ઈચ્છે છે
પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના લોકો એટલા કંટાળી ગયા છે કે તેઓએ પાકિસ્તાનની સેનાની સામે સ્વતંત્રતાના નારા લગાવવાનું શરૂ કરી દીધું છે. હકીકતમાં ગયા રવિવારે પીઓકેમાં ચૂંટણીઓ યોજવામાં આવી હતી, જેમાં ઈમરાનની પાર્ટી હિંસા અને ધમાલ કરીને જીતી ગઈ હતી. જે બાદ અહીં ધમાલ શરૂ થયું હતું. ધમાલનો વિરોધ કરી રહેલા લોકો પર ફાયરિંગ કરતા બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
અફઘાનિસ્તાનમાં તબાહી પાછળ પાકિસ્તાન જ જવાબદાર!!
અફઘાનિસ્તાનમાં તબાહી પાછળ પાકિસ્તાન જ જવાબદાર છે. તાજેતરમાં જ પાકિસ્તાની સેના પર અફઘાનિસ્તાનમાં તાલિબાનની મદદ કરવાને લઈને સવાલ ઉઠ્યા હતા.ખુદ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ આ વાત કહી ચુક્યા છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ પાકિસ્તાનની ભૂમિકા પર શંકા થવા લાગી છે. આ વીડિયો પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદનો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે પાકિસ્તાની સેનાના જવાન ડૂરંડ લાઇન પાર કરી અફઘાનિસ્તાનની ધરતી પર પહોંચી ગયા છે. આ સિવાય તે તાલિબાની નિયંત્રણ વાળા વિસ્તારમાં આરામથી ફરી રહ્યાં છે. માત્ર એટલું જ નહીં પાક આર્મીના સૈનિકો તાલિબાની આતંકીઓ સાથે વાતચીત પણ કરી રહ્યાં હતા.
પીઓકેનો પ્રશ્ન ઉકેલ્યા બાદ ભારત અફઘાનનો પ્રશ્ન ઉકેલશે
અફઘાનિસ્તાનમાં તાલીબાનનો ખાત્મો બોલાવવો ભારત માટે ખૂબ જરૂરી છે. કારણકે ભૌગોલિક પરિસ્થિતિના કારણે પાકિસ્તાન અને ચીન સાથે ભીડવા માટે ભારતને અફઘાનિસ્તાનની જમીનની જરૂર પડવાની જ છે. માટે જ ત્યાં સુધીના રોડનું નિર્માણ પણ કરાવવાનું નક્કી કરાયું હતું. તાલિબાનોનો ખાત્મો બોલાવવા ભારત થનગની રહ્યું છે. પણ તે મિશન બીજા તબક્કામાં હાથ ધરવામાં આવશે. પહેલા તબક્કામાં ભારત પીઓકેને પરત મેળવવાની હિલચાલ કરી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.