કાળાનાણા વિરુઘ્ધ આવકવેરા વિભાગનું વિદેશમાં મોટુ સર્ચ ઓપરેશન
હજારો ભારતીયો આઈટીના સકંજામાં: ઘણા ભારતીયોને નોટિસ ફટકારાઈ
વિદેશ સ્થિત સંપત્તિઓ અંગે સ્પષ્ટીકરણ આપવા આઈટીના આદેશ
દેશમાં કાળુનાણું એ એક પડકારરૂપ પ્રશ્ર્ન બન્યો છે. ભ્રષ્ટાચારરૂપી કાળુનાણુ નાથવા સરકાર પ્રયત્નો તો કરી રહી છે પરંતુ નોટબંધી, જીએસટી જેવા અહમ પગલા ભરવા છતાં સફળતા મળી નથી. સ્વદેશમાં તો ઠીક વિદેશોમાં પણ ઘણા ભારતીયો ગેરકાયદે સંપતિ ધરાવી રહ્યા છે જે તરફ આવકવેરા વિભાગે કડક વલણ અપનાવી ભ્રષ્ટાચારીઓ વિરુઘ્ધ મેગા ડ્રાઈવ શરૂ કરી છે જેના પગલે વિદેશોમાં ગેરકાયદેસર સંપતિઓની જમાવટ કરી બેઠેલા ભારતીયો પર તવાઈ ઉતરી છે આવા હજારો ભારતીયો વિદેશોમાં છે કે જેના પર આઈટીની ચાંપતી નજર છે.
આવકવેરા વિભાગની આ ઝુંબેશ અંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રાએ જણાવ્યું છે કે, વિદેશોમાં ગેરકાયદે ધન અને સંપતિઓ ધરાવનારા ભારતીયો વિરુઘ્ધ આઈટીએ એક મોટું ત્પાસ અભિયાન શરૂ કર્યું છે અને વિદેશમાં ગેરકાયદે સંપતિના આ મામલામાં દોષિત ગણાશે તો તેવા ભારતીયો વિરુઘ્ધ આવકવેરા વિભાગના નવા કાયદા ધ બ્લેકમની (અન્ડીસકલોઝડ ફોરેન ઈનકમ એન્ડ અપસેટ) એન્ડ ઈમ્પોઝીશન ઓફ ટેકસ એકટ-૨૦૧૫ અંતર્ગત સખત કાર્યવાહી થશે.
ચેરમેન ચંદ્રાએ વધુમાં જણાવતા કહ્યું કે, આ સર્ચ ઓપરેશનમાં વિદેશોમાં ત્યાંની સ્થાનિક એજન્સીઓની મદદ લેવાઈ રહી છે અને મુળ ભારતીય લોકો દ્વારા જમા કરાયેલા નાણા, ખરીદ-વેચાણ કરવામાં આવેલી ગેરકાયદે સંપતિઓ સહિત તમામ પાસા પર તપાસ કરવામાં આવી રહી છે. આઈટીના અધિકારીએ વિગતોમાં જણાવ્યું કે, વિદેશમાં ફાયનાન્સીયલ ઈન્ટેલીજન્સ યુનિટ-એફઆઈયુ અને અન્ય સ્ત્રોતોની મદદથી ભારતીયો દ્વારા કરાયેલી લેવડ-દેવડના મામલાઓ પર બાઝ નજર રખાઈ રહી છે અને આ ઝુંબેશ દેશ-વિદેશમાં ફેલાયેલ કાળાધનને નાથવા માટેની એક મોટી ઝુંબેશ ગણાશે.
આવકવેરા વિભાગ દ્વારા વિદેશોમાં વસતા ઘણા ભારતીયોને નોટીસ પણ ફટકારવામાં આવી છે અને તેમની પાસે રહેલી સંપતીઓની સંપૂર્ણ માહિતી તેમજ તેમના દ્વારા વિદેશોમાં કરવામાં આવેલા વ્યવહારો વિશે સ્પષ્ટીકરણ માંગ્યું છે. આઈટી અધિકારીઓના જણાવ્યા અનુસાર આવા ઘણા મામલાઓમાં નામી અને ચર્ચિત તેમજ હાઈ પ્રોફાઈલ ધરાવતા લોકો સામેલ છે જેમને નોટિસ ફટકારી જવાબ આપવા જણાવાયું છે.
આઈટી અધિકારીઓએ જણાવ્યું કે, કાળાનાણાંનો વિદેશમાં ફેલાવો કરીને બેઠેલા ભારતીયો વિરુઘ્ધ કડક કાર્યવાહી થશે જ પરંતુ તેમ છતાં નવા કાયદા હેઠળ માત્ર એવા જ મામલાઓની કાર્યવાહી થશે જે આવકવેરા રીટર્નમાં ટેકસ અધિકારીઓ સમક્ષ આવ્યા ન હોય અને ટેકસ ભરવામાંથી છટકબારી કરેલી હોય. ઉલ્લેખનીય છે કે, સરકારે વર્ષ ૨૦૧૫માં કાળાધન વિરુઘ્ધ નવો કાયદો લાગુ કર્યો હતો અને આ નવા કાયદા હેઠળ જ તમામ દોષિતો વિરુઘ્ધ કાર્યવાહી થશે. આ કાયદામાં વિદેશોમાં ખરીદાયેલી ગેરકાયદે સંપતિઓ વિરુઘ્ધ જોગવાઈ છે. જેમાં ઉલ્લેખ છે કે, વિદેશમાં રહેલી સંપતિઓ અને તેમના આવકના ૧૨૦ ટકા કર દોષિતોએ દંડરૂપે ભરવાનો રહેશે. આ ઉપરાંત ૧૦ વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. વર્ષ ૨૦૧૬માં નોટબંધી બાદ હવે આઈટીની આ મોટી ઝુંબેશ વિદેશમાં રહેતા ભ્રષ્ટાચારી ભારતીયો પર જરૂરથી સંકજો લાદશે જે કાળાધન વિરુઘ્ધ નોટબંધી બાદની મોટી ઝુંબેશ ગણાશે.
ઇન્કમટેક્સ ભરનારાઓમાં પ્રોફેશનલની સંખ્યામાં વધારો
દેશમાં કરદાતાઓની સંખ્યા વધી છે. સીબીડીટીએ તાજેતરમાં જારી કરેલા આંકડા અનુસાર એક કરોડ રૂપિયાથી વધુ આવક ધરાવનારાઓની સંખ્યા ૮૧,૦૦૦ એ પહોંચી ગઈ છે. કરોડપતિમાં ગણના થતા કરદાતાઓની સંખ્યા ૬૮% વધી છે. આ સાથે આ કરદાતાઓમાં પ્રોફેશનલ લોકોની સંખ્યા પણ વધી છે. જેમાં ચાર્ટડ એકાઉન્ટન્ટસ અને ડોકટર સહિત પ્રોફેસન્સનો સમાવેશ છે. અગાઉ દેશમાં ટેકસ ભરનારા ડોકટરોની સંખ્યા ૮.૬ લાખ હતી જેમનો ટેકસ કુલ આવકવેરાની અડધી રકમ કરતા પણ ઓછો હતો જયારે ચાર્ટડ એકાઉન્ટન્ટસ કે જેઓ પોતે જ વ્યકિતગત લોકો કે કંપનીઓને ટેકસની બાબતો અંગે સલાહ આપે છે તેઓનો જ કુલ ટેકસ કુલ રકમના એક તૃતીયાંશ કરતા પણ ઓછો હતો પરંતુ હાલના સમયમાં આ રકમમાં વધારો થયો છે.
નર્સરી ક્ષેત્રે વાત કરીએ તો નર્સીંગમાં માત્ર ૧૩૦૦૦ જ કરદાતાઓ નોંધાયા છે. જયારે ફેશન ડિઝાઈનર્સમાં ૧૪,૫૦૦ કરદાતાઓની નોંધ છે. આઈટી દ્વારા જાહેર કરાયેલા આ આંકડાઓમાં આવક ધરાવનારા અને આવક ન ધરાવનારાઓના કરમાં મોટો તફાવત જોવા મળ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં ઈન્કમ ટેકસ રીટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં ૮૦ ટકાનો ઉછાળો આવ્યો છે. ટેકસ અધિકારીઓના જણાવ્યા મુજબ કરચોરી કરનારાઓ વિરુઘ્ધ કડક કાર્યવાહીના પગલે આ વણાંક નોંધાયો છે.