ફસાયેલા ભારતીયોને સ્વદેશ પાછા લાવવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ
રશિયાએ કરેલા હુમલા બાદ યુક્રેનમાં સ્થિતિ ગંભીર બની ચૂકી છે.આ મુદ્દે વિદેશ મંત્રાલય દ્વારા તાજેતરમાં કરાયેલી પત્રકાર પરિષદમાં સચિવ હર્ષ શ્રૃંગલાએ કેન્દ્ર સરકારની યોજના વિશે જણાવ્યું છે. વિદેશ મંત્રાલયના સચિવે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, યુક્રેનની વર્તમાન સ્થિતિ ગંભીર છે અને ત્યાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે આ સંદર્ભે વડાપ્રધાન મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
તેઓ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે પણ ચર્ચા કરી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા અંગે તેમણે જણાવ્યું કે, સરકાર પોલેન્ડ અને હંગરીના રસ્તે આપણા નાગરિકોને પાછા લાવવાની યોજના પર કામ કરી રહી છે. આ માટે વિદેશ મંત્રી ડો. એસ જયશંકર પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા હંગરીના વિદેશ મંત્રીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. નોંધનીય છે કે, રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને લીધે યુક્રેન એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કારણે ભારતીય નાગરિકોને લેવા જઈ રહેલી એર ઈન્ડિયાના ફ્લાઈટને પણ પાછા ફરવાની ફરજ પડી હતી. તાજેતરના એક રિપોર્ટ અનુસાર કીવમાં સ્થિત ઈન્ડિયન એમ્બેસીએ ભારતીય વિદ્યાર્થીઓની મદદ કરતાં 200થી વધારે વિદ્યાર્થીઓને દૂતાવાસ પાસેની એક શાળામાં સ્થળાતંર કર્યા છે.