વર્ષ 2021માં 1.32 લાખ ભારતીયોએ ઓઇસીડી દેશોની નાગરિકતા મેળવી, સૌથી વધુ ભારતીયો અમેરિકામાં સ્થાયી થયા
નેશનલ ન્યુઝ
ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો તણાવભર્યા બન્યા છે. જો કે આ દરમિયાન રિપોર્ટમાં જાહેર થયા મુજબ અમિર દેશોમાં નાગરિકતા મેળવવામાં ભારતીયો નંબર વન રહ્યા છે. બીજી તરફ નાગરિકતા આપવામાં કેનેડા નંબર વન રહ્યું છે.
પેરિસ-ઇન્ટરનેશનલ માઇગ્રેશન આઉટલુકમાં બહાર પાડવામાં આવેલ ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમીક કોઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (ઓઇસીડી)ના રિપોર્ટ મુજબ વર્ષ 2022માં અમિર દેશની નાગરિકતા પ્રાપ્ત કરનારાઓની સંખ્યા સૌથી વધુ 28 લાખ જોવા મળી હતી. જે એના અગાઉના વર્ષ 2021 કરતાં 25% વધુ છે. રિપોર્ટમાં 2022 માટે દેશના મૂળ ડેટાનું વિગતવાર વિભાજન આપવામાં આવ્યું નથી. 2021 માં, લગભગ 1.3 લાખ ભારતીયોએ ઓઇસીડી સભ્ય દેશની નાગરિકતા મેળવી. 2019 માટે આંકડો લગભગ 1.5 લાખ હતો.
2021માં ચીન આ રેસમાં પાંચમા ક્રમે આવ્યું હતું કારણ કે લગભગ 57,000 ચીનીઓએ ઓઇસીડી દેશની નાગરિકતા મેળવી હતી.
2021માં ભારતીય ઇમિગ્રન્ટ્સને પાસપોર્ટ આપનાર 38 સભ્યોની ઓઇસીડીમાં ટોચના ત્રણ દેશોમાં યુએસ (56,000), ઓસ્ટ્રેલિયા (24,000) અને કેનેડા (21,000) છે.
ભારતીયો, જેઓ ઓઈસીડી દેશોમાં સ્થળાંતર કરવામાં ચાર્ટમાં ટોચ પર છે, તેઓ વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરવામાં પણ આગળ છે. બીજી તરફ કેનેડાએ વિદેશી નાગરિકોને નાગરિકતા આપવામાં સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવી છે.વર્ષ 2021માં 1.32 લાખ ભારતીયોએ ઓઇસીડી દેશોની નાગરિકતા મેળવી છે. જેમાં સૌથી વધુ ભારતીયો અમેરિકામાં સ્થાયી થયા હોવાનું અહેવાલમાં
જણાવાયું છે.
સૌથી વધુ વિદેશી નાગરિકતા મેળવનાર દેશ
દેશ વર્ષ 2021 – વર્ષ 2019
ભારત 132795 – 155799
મેક્સિકો 118058 – 128826
સિરિયા 103736 – 40916
ભારતીયોએ ક્યાં દેશમાં સૌથી વધુ નાગરિકતા મેળવી ?
દેશ વર્ષ 2021 વર્ષ 2019
યુએસ 56000 – 63500
ઓસ્ટ્રેલિયા 24000 – 31300
કેનેડા 21000 – 28500