- ‘ફક્ત અમૃતસર જ કેમ, ગુજરાત-દિલ્હી કેમ નહીં…’ શું ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનું બીજું વિમાન આજે પહોંચશે ભારત ?
અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને એક લશ્કરી વિમાન 5 ફેબ્રુઆરી 2025ના રોજ અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું. આ વિમાનમાં ૧૦૪ ભારતીય નાગરિકો હતા. હવે, સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાથી બીજી ફ્લાઇટ, 119 ગેરકાયદેસર ભારતીયોને લઈને, ૧૫ ફેબ્રુઆરીના રોજ રાત્રે 10 વાગ્યા સુધીમાં અમૃતસર એરપોર્ટ પહોંચી શકે છે. આ 119 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સમાંથી 67 પંજાબના, 33 હરિયાણાના, આઠ ગુજરાતના, ત્રણ ઉત્તર પ્રદેશના, બે ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના અને એક-એક હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના છે. જોકે, પંજાબમાં બીજા વિમાનના ઉતરાણને લઈને રાજકારણ તેજ બન્યું છે.
Indians Deported From the US: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 100થી વધુ ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક લશ્કરી વિમાન બુધવારે પંજાબના અમૃતસર પહોંચ્યું હતું. સામાન્ય રીતે આવી ફ્લાઇટ્સ દેશની રાજધાની નવી દિલ્હીમાં લેન્ડ કરવામાં આવે છે.
બુધવારે બપોરે યુએસ એરફોર્સનું સી-17 ગ્લોબમાસ્ટર 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી, ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. અમૃતસરના સાંસદ અને કોંગ્રેસના નેતા ગુરજીત ઔજલાએ અમૃતસરમાં વિમાનના લેન્ડિંગ પર સવાલ ઉઠાવ્યા છે. લોકસભામાં આ અંગે ચર્ચા માટે નોટિસ આપતી વખતે તેમણે પૂછ્યું કે વિમાન દિલ્હીમાં કેમ ઉતરાણ ન થયું? કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે X પર લખ્યું, ‘શરમજનક અને અસ્વીકાર્ય!’ મોદી સરકારે ભારતીય ઇમિગ્રન્ટ્સને વિદેશી લશ્કરી વિમાનોમાં બેડીઓ બાંધીને પાછા મોકલવાની મંજૂરી આપી. વિરોધ કેમ નથી થતો? વિમાન દિલ્હીમાં કેમ ન ઉતર્યું? આ આપણા લોકો અને આપણી સાર્વભૌમત્વનું અપમાન છે. સરકારે જવાબ આપવો જોઈએ!’
જલંધર કેન્ટના કોંગ્રેસના ધારાસભ્ય પરગટ સિંહે જણાવ્યું હતું કે પંજાબની સરખામણીમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના ડિપોર્ટ કરાયેલા લોકો વધુ છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “જ્યારે પંજાબ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની માંગ કરે છે, ત્યારે ફક્ત દિલ્હી એરપોર્ટને જ પંજાબને આર્થિક લાભથી વંચિત રાખવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ જ્યારે નિંદાત્મક વાર્તા ઘડવાની વાત આવે છે, ત્યારે એક યુએસ ડિપોર્ટેશન ફ્લાઇટ પંજાબમાં ઉતરે છે – ભલે મોટાભાગના ડિપોર્ટેશન ગુજરાત અને હરિયાણાના હોય.
ઔજલાએ વિદેશ મંત્રી એસ જયશંકરને X પર ટેગ કર્યા અને દિલ્હીને બદલે અમૃતસરમાં C-17 વિમાન ઉતારવાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ઘણાં અન્ય લોકોએ પણ આ સ્વીકાર્યું નહીં. કેટલાક લોકોએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે વિમાનમાં મોટાભાગના લોકો ગુજરાતના હતા, તો પછી વિમાનને ત્યાં કેમ ન મોકલવામાં આવ્યું. ઔજલાએ પણ પોતાની નોટિસમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
વિદેશ મંત્રાલય દ્વારા અમૃતસરમાં અમેરિકન લશ્કરી વિમાનને ઉતારવાનું કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી. વિમાનમાં સવાર મોટાભાગના લોકો એક જ ભૌગોલિક પ્રદેશના હોવાથી, વિમાનને અહીં ઉતારવાનો નિર્ણય લેવાનું કારણ કદાચ આ જ હોઈ શકે છે. ઉત્તર ભારતમાં, ફક્ત દિલ્હી અને અમૃતસરના એરપોર્ટ જ આવી ફ્લાઇટ્સ લેન્ડ કરવા સક્ષમ છે. આ સિવાય અન્ય વ્યસ્ત એરપોર્ટની કામગીરી વધે નહીં તેવું કારણ હોવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.
એક કારણ 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન હોઈ શકે છે. આવી ફ્લાઇટ્સ માટે મોટા પાયે સુરક્ષા વ્યવસ્થા કરવી પડી હોત. આ સિવાય ડિપોર્ટ કરાયેલા લોકોમાં ભારતના રાજ્યના લોકોની સરખામણી અને તેઓને પોતાના રાજ્યમાં મોકલવામાં સરળતા રહે તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એસ જયશંકરે સંસદમાં સ્પષ્ટતા આપી
રાજ્યસભાને સંબોધતા, વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે અમેરિકામાંથી ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની પ્રક્રિયા ઘણા વર્ષોથી ચાલી રહી છે, અને 2009 થી 15,668 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રક્રિયા નવી નથી, પરંતુ સરકાર તેના નાગરિકો સાથે ન્યાયી વર્તન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.