- રાજકોટમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રિય મહિલા ક્રિકેટ મેચ રમાવાની હોય ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ: ત્રણ વન-ડેની ચેમ્પિયનશિપનો પ્રથમ મેચ તા.10ના બીજો મેચ તા.12ના અને ત્રીજો મેચ તા.15ના રમાશે
- કેપ્ટન સ્મૃતિ મંધાના, હરલીંગ દેઓલ, જેમીમા રોડરીક્ષ, દીપ્તી શર્મા અને રીચા ઘોષ સહિતના સ્ટાર ખેલાડીઓએ નેટમાં આકરી પ્રેક્ટીશ કરી
રાજકોટના ખંઢેરીમાં નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ વન-ડેની ચેમ્પિયનશિપ રમાવાની છે. સોમવારે બપોરે સાંજે આયર્લેન્ડની ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને મોડી સાંજે ભારતની ટીમનું પણ આગમન થયું હતું અને આજે ભારતીય ટીમે નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરી હતી. આજે બપોરે બાર વાગ્યે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ખંઢેરી ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ કરી હતી અને પરસેવો પાડ્યો હતો અને બપોરના સેશનમાં બપોરે ત્રણેક વાગ્યે આયર્લેન્ડની ટીમ પ્રેક્ટિસમાં પરસેવો પાડ્યો હતો. કેપ્ટન સ્મૃતિ મંધાના, હર્લિન દેઓલ સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા નજરે ચડ્યા હતા.
રાજકોટમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રિય મહિલા ક્રિકેટ મેચ રમાવાની હોય ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આયર્લેન્ડની ટીમની સરખામણીમાં ભારતીય ટીમના ખેલાડીઓ વધુ અનુભવી છે. ત્રણ મેચની આ ચેમ્પીયનશિપમાં ભારત વિદેશી ટીમને વ્હાઇટવોશ કરશે તેવું ક્રિકેટ નિષ્ણાતો કહી ચૂક્યા છે. બંને ટીમ સયાજી હોટેલમાં રોકાઈ છે, મહિલા ક્રિકેટ ટીમના દરેક પ્લેયરનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહે જણાવ્યું હતું કે, ત્રણ વન-ડેની ચેમ્પિયનશિપનો પ્રથમ મેચ તા.10ના બીજો મેચ તા.12ના અને ત્રીજો મેચ તા.15ના રમાશે.