- સુકાની ગેબી લેવીસના 92 રન અને લીહપોલના 59 રનની મદદથી આયર્લેન્ડે 7 વિકેટના ભોગે 238 રનનો જુમલો ખડક્યો: પ્રેક્ષકોની પણ નોંધપાત્ર હાજરી
- સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત નિરજંન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વન-ડે ટુર્નામેન્ટનો આરંભ થયો છે. પ્રથમ વન-ડે જીતવા માટે આયર્લેન્ડની ટીમે ભારતને 239 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
રાજકોટના આંગણે પ્રથમ વખત મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ રહ્યો હોય પ્રેક્ષકોને વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવી રહી છે. આજે મેચમાં પ્રેક્ષકોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી.
બેટ્સમેનો માટે સ્વર્ગ મનાતી નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમની પીચ પર આયર્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમના ગેબી લેવીસે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. માત્ર 27 રનના સ્કોર પર આયર્લેન્ડની પ્રથમ વિકેટ ધરાશાયી થઇ ગઇ હતી. માત્ર 56 રનના સ્કોર પર આયર્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમના ચાર બેટરો પેવેલીયનમાં પરત ફરી ગયા હતા. જો કે, ત્યારબાદ સુકાની ગેબી લેવીસ અને લીહપોલની જોડીએ બાજી સંભાળી લીધી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે બહુ ઉપયોગી 117 રનની ભાગીદારી નોંધાવી હતી.
73 બોલમાં 7 ચોગ્ગાની મદદથી પોલે 59 રન બનાવ્યા હતા. જો કે, તેની વિકેટ રન આઉટના રૂપમાં પડી હતી. ત્યારબાદ સુકાની ગેબી લેવીસે એકલા હાથે ભારતીય બોલરો સામે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. તેણીએ 129 બોલમાં 15 ચોગ્ગાની મદદથી 92 રન બનાવ્યા હતા. આયર્લેન્ડની છઠ્ઠી વિકેટ લેવીસના રૂપમાં 194 રને પડી હતી. તે દિપ્તી શર્માનો શિકાર બની હતી.
આઠમી વિકેટ માટે આયર્લેન્ડની મહિલા ટીમે મહત્વપૂર્ણ 36 રન જોડ્યા હતા. નિર્ધારિત 50 ઓવરમાં આયર્લેન્ડની ટીમે સાત વિકેટ ગુમાવી 238 રન બનાવ્યા હતા. ક્રિસ્ટીના રેલી 15 રન અને જ્યોર્જિના ડેમ્સી 6 રન બનાવી અણનમ રહી હતી. ભારતવતી પ્રિયા મિશ્રાએ 56 રન આપી બે વિકેટ ખેડવી હતી. જ્યારે ટીટાસ સાધુ, ડેબ્યૂટાન્ટ સયાલી સતગરે અને દિપાલી શર્માએ એક-એક વિકેટો ખેડવી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રથમ વન-ડે જીતવા માટે 239 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. રાજકોટની પીચ પર આ લક્ષ્યાંક ખૂબ જ સરળ માનવામાં આવે છે. બંને ટીમો વચ્ચે આગામી રવિવારે બીજી વન-ડે અને 15મી જાન્યુઆરીએ ત્રીજી વન-ડે રમાશે.
બંને ટીમો વચ્ચેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ
ભારત મહિલા અને આયર્લેન્ડ મહિલા ટીમો વનડેમાં 12 વખત એકબીજા સામે આવી છે. જેમાં ભારતીય મહિલા ટીમનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. ભારતીય મહિલા ટીમે 12 માંથી 12 વનડે જીતી છે. આયર્લેન્ડ એક પણ મેચ જીતી શક્યું નથી. આ દર્શાવે છે કે ભારતીય મહિલા ટીમ વધુ મજબૂત છે. આ તે જગ્યા છે જ્યાં ભારતીય ટીમને ઘરની ધરતી પર રમવાનો ફાયદો મળી શકે છે.
મેચ માટે બંને ટીમો
ભારત: સ્મૃતિ મંધાના (કેપ્ટન), દીપ્તિ શર્મા (ઉપ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્સ, ઉમા છેત્રી (વિકેટકીપર), રિચા ઘોષ (વિકેટકીપર), ટાઇટસ સાધુ, સાયમા ઠાકોર, સયાલી સતઘરે આયર્લેન્ડ: ગેબી લુઇસ (કેપ્ટન),ક્રિસ્ટીના કુલ્ટર-રેલી, લૌરા ડેલેની, જ્યોર્જીના ડેમ્પ્સી, સારાહ ફોબ્ર્સ, આર્લીન કેલી, એમી મેગુઇર, લીહ પોલ, ઓર્લા પ્રેન્ડરગાસ્ટ, ઉના રેમન્ડ-હોએ, ફ્રેયા સાર્જન્ટ