બેન્કિંગ, ફાયનાન્સ, એફએમસીજી, ઓટોમોબાઈલ અને ક્ધસ્ટ્રકશન સહિતના ક્ષેત્રોની ટોચની કંપનીઓમાં રોકાણકારોને દમદાર તેજીની ધારણા
કોરોના વાયરસની મહામારીના કારણે અનેક ઉદ્યોગોને ગંભીર ફટકો પડ્યો હતો. મોટાભાગના સેકટરો મંદીમાં ધકેલાઈ જવાની દહેશત ઉભી થઈ હતી. અલબત હવે ધીમીગતિએ ઉદ્યોગોમાં થયેલા નુકશાનની રીકવરી શરૂ થઈ છે. આર્થિક વ્યવહારોની સંખ્યા વધી છે. શેરબજારોને પણ કળ વળવા લાગી છે. ભારતીય શેરબજાર ફરીથી ૫૦,૦૦૦ના આંકને ટચ કરવા આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં થનારી આર્થિક પ્રગતિની આશાએ દેશમાં વ્યાપાર કરી રહેલી ટોચની કંપનીઓ રોકાણ કરવા વિદેશી રોકાણકારોનો વિશ્ર્વાસ વધી રહ્યો છે. શેરબજારને અર્થતંત્રનું બેરોમીટર ગણવામાં આવે છે. અત્યારે વિદેશી રોકાણકારોના રસ પરથી એ વાત ફલીત થાય છે કે, આગામી સમયમાં ભારતીય અર્થતંત્રની સમૃધ્ધી વધશે. તાજેતરમાં જ શેરબજારના વિવિધ ઈન્ડાઈસીસ મુદ્દે નિષ્ણાંતોએ મત વ્યકત કર્યો હતો. ક્યાં સેકટરની કંઈ કંપની ભવિષ્યની મજબૂતીથી આગળ વધશે તેનો અંદાજ મેળવી વિદેશી રોકાણકારોનું મુડી રોકાણ વધી રહ્યું છે. જેમાં બેન્કિંગ, ફાયનાન્સ, ક્ધટ્રકશન, એફએમસીજી, ઓટોમોબાઈલ અને ક્ધટ્રકશન સહિતના ક્ષેત્રોની ટોચની કંપનીઓમાં રોકાણકારો દ્વારા કુલ રૂા.૩૦,૦૦૦ કરોડ રોકવામાં આવ્યા છે. આ સેકટર એવા છે કે જે ભવિષ્યમાં હરણફાળ ભરશે.
કોટક બેંક: રૂ.૫૦૭૯ કરોડનું મુડી રોકાણ
તાજેતરમાં દેશની ત્રીજા ક્રમની બેંક કોટક મહિન્દ્રાના શેરનો ભાવ રૂા.૧૫૦૦ નજીક હતો. છેલ્લા ૨૫ દિવસથી કોટક મહિન્દ્રા બેંકના શેરમાં વધુ સડવડાટ જણાયો છે. જો આ શેર રૂા.૧૫૦૦ની સપાટી તોડી ઉપર ચઢશે તો તે રૂા.૧૬૭૫ સુધી આરામથી પહોંચી જાય તેવું નિષ્ણાંતોનું માનવું છે. આ શેરનો લાઈફ ટાઈમ હાઈ રૂા.૧૭૪૦નો છે. આગામી સમયમાં બેન્કિંગ સેકટર વધુ ઝડપથી વિકાસ કરશે તેવી આશા છે. જેથી વિદેશી મુડી રોકાણકારોએ રૂા.૫૦૭૯ જેટલું મુડી રોકાણ કરવાનો નિર્ધાર કર્યો હોવાનું સુત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહ્યો છે.
બજાજ ફાયનાન્સ: રૂ.૧૨૨૩ કરોડનું મુડી રોકાણ
બજાજ ફાયનાન્સ ઘણા સમયથી મોટા રોકાણકારોની રડારમાં છે. કોરોના મહામારી વખતે ફાયનાન્સ સેકટરમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. બજાજ ફાયનાન્સને તેની અસર પણ થઈ હતી. હવે આર્થિક ગતિવિધિ વધવા પામી છે અને ગાડી ફરીથી પાટે ચડશે એટલે બજાજ ફાયનાન્સ સહિતના ફાયનાન્સીયલ સંસ્થાઓમાં વિકાસ થશે તેવી આશા માત્ર સ્થાનિક જ નહીં પણ વિદેશી મુડી રોકાણકારોને પણ છે. થોડા સમય પહેલા બજાજ ફાયનાન્સમાં સાર્પ કડાકો જોવા મળ્યો હતો. ત્યારબાદ ધીમીગતિએ સ્થિર થયો છે. આગામી સમયમાં શેરનો ભાવ રૂા.૩૭૫૦ સુધી પહોંચે તેવી આશા નિષ્ણાંતો વ્યકત કરી રહ્યાં છે.
એશિયન પેઈન્ટસ: રૂ.૧૨૦૯ કરોડનું મુડી રોકાણ
ટેકનીકલ પાસાના નિષ્ણાંતો એશિયન પેઈન્ટસને દમદાર શેર માને છે. છેલ્લા ૮ મહિનાથી એશિયન પેઈન્ટસમાં સતત ફાયદો થયો હોવાનું પણ જાણકારોનો મત છે. ધીમીગતિએ મક્કમતાથી આગળ વધતા એશિયન પેઈન્ટસમાં રોકાણકારોએ દાખવેલો રસ ભવિષ્યમાં શેરના ભાવમાં આવનારા ઉછાળા તરફ દિશા સુચન આપતો હોવાનું માનવામાં આવે છે. વર્તમાન સમયે એશિયન પેઈન્ટસ રૂા.૨૧૯૬ની સપાટી નજીક છે જે વધીને ૨૬૦૦એ પહોંચશે તેવી ધારણા છે.
નેસ્લે ઈન્ડિયા: રૂ.૧૦૪૨ કરોડનું મુડી રોકાણ
એશિયન પેઈન્ટસની જેમ નેસ્લે ઈન્ડિયામાં પણ ટેકનીકલ પાસા મજબૂત છે. આગામી સમયમાં નેસ્લે ઈન્ડિયા એફએમસીજી સેકટરનો દમદાર ઘોડો બની રહેશે. ભારતમાં દાયકાઓથી એફએમસીજી સેકટરમાં સામ્રાજ્ય ધરાવતી નેસ્લે ઈન્ડિયામાં મુડી રોકાણ તરફ લોકો આકર્ષાઈ રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી સ્થીર રહેલી નેસ્લે ઈન્ડિયામાં ફરી તેજીનો અણસાર નિષ્ણાંતોને આવી ગયો છે. વર્તમાન સમયે નેસ્લે ઈન્ડિયાનો ભાવ રૂા.૧૭૦૮૦ જેટલો છે. જે ભવિષ્યમાં ૧૮૫૦૦એ પહોંચે તેવો મત નિષ્ણાંતોએ વ્યકત કર્યો છે.