સરેરાશ દર 10 દિવસે વિમાન અકસ્માતોની ઘટના ઘટતી-ઘટતી રહી જાય છે!!!
વર્ષ 2015થી 2019 સુધીમાં કુલ 166 સંભવિત અકસ્માતની ઘટનાઓ બની!!
અબતક, નવી દિલ્લી
ભારતીય આકાશ દિન પ્રતિદિન વધુ જોખમી બનતું જઈ રહ્યું હોય તે પ્રકારના અહેવાલ સામે આવ્યા છે. એક અહેવાલ અનુસાર વર્ષ 2015 થી 2019 સુધીના ફક્ત 4 વર્ષના સમયગાળામાં કુલ 166 એવી ઘટનાઓ બની છે જેમાં મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શકયતા હતી પરંતુ માનવીય સજાગતાને કારણે આ ઘટના બનતી બનતી સહેજ માત્રથી ટળી ગઈ હતી.
તાજેતરની ઘટનાઓ જ ધ્યાને લેવામાં આવે તો 7મી જાન્યુઆરીએ બેંગ્લોર એરપોર્ટ ખાતેથી એક જ સમયે ઈન્ડિગોના બે એરક્રાફ્ટ એકસાથે ટેકઓફ કરી રહ્યા હતા જ્યારે મોટી ઘટના સર્જાવાની ભીતી હતી. નોંધનીય બાબત છે કે, આ બંને એરક્રાફ્ટમાં 430 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.
કોલકાતા બાઉન્ડ 6ઊ-455 અને ભુવનેશ્વર બાઉન્ડ 6ઊ-246 નામના બે એરક્રાફ્ટ એક જ સમયે એક જ રનવે પર એક જ દિશામાં ટેકઓફ કરી રહ્યા હતા. બંને એરક્રાફ્ટને ટેકઓફ બાદ પૂર્વ તરફ વળવા કમાન્ડ આપવામાં આવ્યો હતો. જો કે, રડારની એલર્ટ અને કમાન્ડિંગ કર્મચારીઓની સમયસૂચકતાને કારણે એક એરક્રાફ્ટ અન્ય દિશામાં વળી જવા કમાન્ડ આપી દેવામાં આવ્યો હતો જેથી દુર્ઘટના સહેજ માત્રથી ટળી હતી.