રૂ. 2.40 લાખ કરોડના આંક સાથે રેલવેની આવક રેકોર્ડબ્રેક સપાટીને આંબી ગઈ
ભારતીય રેલ્વેને લઈ સારા સમાચાર સામે આવી રહ્યા છે. એક સમયે ખ઼ુદા બખશોના રાજ સાથે ચાલતી રેલવેએ ગુણવતાની સાથે ગતિ પકડતા રેલવેની ગાડી પૂરપાટ દોડવા લાગી છે. છેલ્લા એક વર્ષમાં રેલ્વેને ધરખમ આવક થઈ છે. ભારતીય રેલ્વે દ્વારા સત્તાવાર આંકડાઓ જાહેર કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. ભારતીય રેલ્વેએ નાણાકીય વર્ષ 2022-23માં 2.40 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રેક આવક કરી છે.
આ આંકડો ગત નાણાકીય વર્ષ કરતાં લગભગ 49,000 કરોડ વધુ છે. રેલ્વે મંત્રાલય તરફથી એક નિવેદન જાહેર કરીને આ અંગે જણાવવામાં આવ્યું છે. રેલ્વેની આવકમાં વધારો થયા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે અશ્વિની વૈષ્ણવ ફરી એકવાર સીનીયર સીટીઝનને રેલ્વે ભાડામાં છૂટ આપી શકે છે.
રેલ્વે મંત્રાલય દ્વારા જે માહિતી શેર કરવામાં આવી છે તે અનુસાર 2022-23માં રેલ્વેની આવક વધીને 1.62 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 15 ટકા વધુ છે. ભારતીય રેલ્વેની પેસેન્જર આવક વાર્ષિક ધોરણે 61 ટકા વધીને 63,300 કરોડ સુધી પહોંચી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ વર્ષ બાદ ભારતીય રેલ્વે તેના ખર્ચને પહોંચી વળવામાં સફળ રહી છે
આવક વધારવા અને ખર્ચ ઘટાડવાના પ્રયાસોએ ઓપરેટિંગ રેશિયોને 98.14 ટકા સુધી લાવવામાં મદદ કરી છે. જે સુધારેલા લક્ષ્યાંકને અનુરૂપ છે. તમામ ખર્ચને પહોંચી વળ્યા પછી રેલ્વેએ આંતરિક સ્ત્રોતોમાંથી મૂડી રોકાણના કારણે 3,200 કરોડની કમાણી કરી છે.
ભારતીય રેલ્વે દરરોજ લગભગ 9,141 માલ વાહક ટ્રેનો ચલાવે છે, જે દેશના ખૂણે-ખૂણેથી સામાન લઈ જાય છે. તેમના દ્વારા દરરોજ લગભગ 20.38 કરોડ ટન માલનું પરિવહન થાય છે. ભારતીય રેલ્વે 450 કિસાન રેલ સેવાઓ પણ ચલાવે છે, જેના દ્વારા દરરોજ 1.45 લાખ ટન કૃષિ ઉત્પાદનોનું પરિવહન થાય છે.
રેલવે મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર ટ્રેનમાં મુસાફરી કરતા તમામ નાગરિકોને ભાડામાં સરેરાશ 53 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. આ સાથે દિવ્યાંગજનો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને આ મુક્તિ સિવાય અનેક પ્રકારની છૂટ મળે છે.