- ‘હર કામ દેશ કે નામ’ સૂત્રને વળગી કાર્યરત નૌ સેનાના જવાનો ભારતીય દરીયાઈનું અભિન્ન અંગ
ભારતીય નૌસેના એ રાષ્ટ્રનું ગૌરવ છે. ભારતની દરિયાઈ સીમા અત્યંત વિશાળ છે. ભારતીય નૌકાદળ આ વિશાળ જળ વિસ્તારની સુરક્ષા કરવાનું કાર્ય કરે છે. નૌકાદળના જવાનોને સલામ કરવા અને તેમની બહાદુરીને બિરદાવવા માટે, નૌકાદળ દિવસની ઉજવણી કરાય છે. તેમજ ભારતીય નૌકાદળે 4 ડીસેમ્બર, 1971ના રોજ ’ઓપરેશન ટ્રાઈડેન્ટ’ હેઠળ પાકિસ્તાનના કરાચી નૌકા મથક પર હુમલો કર્યો હતો. આ ઓપરેશનની સફળતાની સ્મૃતિરૂપે દર વર્ષે 4 ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ ઉજવાય છે.
ભારતીય નૌસેના એ ભારતીય સેનાનું દરિયાઇ અંગ છે, જેની સ્થાપના ઇ.સ. 1612માં કરવામાં આવી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના જહાજોની સુરક્ષા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના મરીન તરીકે સેનાની રચના કરી હતી. જેને રોયલ ભારતીય નૌસેના નામ આપવામાં આવ્યું હતું. ભારતની આઝાદી બાદ ઇ.સ. 1950માં નૌસેનાની ફરીથી રચના કરવામાં આવી અને તેનું નામ બદલીને ભારતીય નૌસેના કરવામાં આવ્યું હતું.
ભારતીય નૌકાદળ એક સંતુલિત અને સંકલિત ત્રિ-પરિમાણીય દળ છે, જે મહાસાગરોની સપાટી ઉપર અને સપાટી નીચે કાર્ય કરવા સક્ષમ છે અને આપણા રાષ્ટ્રીય હિતોની અસરકારક રીતે સુરક્ષા કરે છે.
નૌકાદળના વડા સંરક્ષણ મંત્રાલય (નેવી)ના સંકલિત મુખ્યાલયમાંથી ભારતીય નૌકાદળના ઓપરેશનલ અને વહીવટી નિયંત્રણની કામગીરી કરે છે. તેમને વાઈસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ અને અન્ય ત્રણ પ્રિન્સિપલ સ્ટાફ ઓફિસર્સ, જેમ કે ડેપ્યુટી ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ , ચીફ ઓફ પર્સનલ અને ચીફ ઓફ મટિરિયલ મદદ કરે છે.
નૌકાદળ પાસે નીચે મુજબ ત્રણ કમાન્ડ છે, દરેક ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફના નિયંત્રણ હેઠળ છે.
- વેસ્ટર્ન નેવલ કમાન્ડ (મુંબઈ ખાતે મુખ્યાલય)
- ઈસ્ટર્ન નેવલ કમાન્ડ (વિશાખાપટ્ટનમ ખાતે મુખ્યાલય)
- સધર્ન નેવલ કમાન્ડ (કોચી ખાતે મુખ્યાલય)
પશ્ચિમી અને પૂર્વીય નેવલ કમાન્ડ્સ ’ઓપરેશનલ કમાન્ડ્સ’ છે અને અનુક્રમે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં કામગીરી કરે છે. સધર્ન કમાન્ડ એ ટ્રેનિંગ કમાન્ડ છે. દરેક કમાન્ડ હેઠળ નેવલ ઓફિસર-ઈન-ચાર્જ છે, જે તેમના સંબંધિત અધિકારક્ષેત્ર હેઠળ બંદરોના સ્થાનિક નૌકા સંરક્ષણ માટે જવાબદાર છે.
દેશની દરિયાઈ સરહદને સુરક્ષિત રાખવાની સાથે ભારતીય નૌકાદળ કુદરતી આફતોના કિસ્સામાં માનવતાવાદી સહાય કામગીરીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતીય નૌકાદળની તાકાત સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. ભારત ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલો દેશ છે.