અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને બંગાના નામની ભલામણ કરી

અમેરિકન પ્રમુખ જો બાઈડેને ગુરુવારે ભારતીય મૂળના અમેરિકન દિગ્ગજ અજય બાંગાને વર્લ્ડ બેન્કના અધ્યક્ષપદ માટે નોમિનેટ કર્યા છે. બાઈડેને કહ્યું કે, અજય બાંગા ઈતિહાસ માટે આ મહત્વપૂર્ણ ક્ષણમાં વિશ્વ બેન્કનું નેતૃત્વ કરવા માટે વિશિષ્ટરૂપે ઉપયુક્ત છે.

૬૩ વર્ષના અજય બાંગા હાલ જનરલ એટલાન્ટિકમાં વાઈસ ચેરમેન છે. તેઓ આઈઆઈએમમાંથી સ્નાતક થયા હતા.  વર્લ્ડ બેન્કના વર્તમાન અધ્યક્ષ ડેવિડ માલપાસે ૨૦૨૪માં પૂરી થતી તેમની મુદતના એક વર્ષ પહેલાં જ રાજીનામું આપવાની જાહેરાત કર્યા પછી બાઈડેને અજય બાંગાની ભલામણ કરી હતી. ડેવલપમેન્ટ લેન્ડરે અધ્યક્ષપદ માટે ઉમેદવારોના નોમિનેશન સ્વીકારવાનું શરૂ કર્યું છે અને આ પ્રક્રિયા ૨૯મી માર્ચ સુધી ચાલશે.  બેન્કે ઉમેર્યું હતું કે, મહિલા ઉમેદવારોને ‘મજબૂતી’થી પ્રોત્સાહન અપાશે. વર્લ્ડ બેન્કના અધ્યક્ષ મોટાભાગે અમેરિકન હોય છે જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના અધ્યક્ષ યુરોપીયન હોય છે.

ભારતીય મૂળના અજય બાંગા અગાઉ માસ્ટર કાર્ડના અધ્યક્ષ અને સીઈઓ હતા. બાઈડેને કહ્યું કે, અજય બાંગાએ સફળ, વૈશ્વિક કંપનીઓના નિર્માણ અને સંચાલનમાં ત્રણ દાયકાથી વધુનો સમય પસાર કર્યો છે. તેઓ એવી કંપનીઓમાં છે, જે વિકાસશીલ અર્થતંત્રોમાં રોજગાર સર્જન કરે છે અને રોકાણ લાવે છે. તેમણે કહ્યું કે, તેમની પાસે લોકો અને વ્યવસ્થાનું સંચાલન કરવા તથા પરિણામ આપવા માટે સમગ્ર દુનિયાના વૈશ્વિક નેતાઓ સાથે ભાગીદારી કરવાનો સારો ટ્રેક રેકોર્ડ છે. બાંગાને ૨૦૧૬માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.