- ભારત અને સ્પેન વચ્ચેની મેચ બિરસા મુંડા સ્ટેડિયમ, રાઉરકેલા ખાતે રમાઈ હતી.
- અગાઉ, FIH રેન્કિંગમાં ચોથા ક્રમે રહેલા ભારતે ગયા અઠવાડિયે ભુવનેશ્વરમાં જ્યારે બંને ટીમો સામસામે આવી હતી ત્યારે વિશ્વના આઠમા નંબરના સ્પેનને 4-1થી હરાવ્યું હતું.
Sports News: ભારત અને સ્પેન વચ્ચેની મેચ બિરસા મુંડા સ્ટેડિયમ, રાઉરકેલા ખાતે રમાઈ હતી. આ મેચમાં પેનલ્ટી શૂટઆઉટ પણ રોમાંચક રહ્યો હતો કારણ કે બંને ટીમો 7-7 થી બરાબરી પર હતી. આ પછી લલિત કુમાર ઉપાધ્યાયે ભારતને લીડ અપાવી અને અનુભવી ગોલકીપર શ્રીજશે સ્પેનના કેપ્ટન માર્ક મિરાલેસના પ્રયાસ પર શાનદાર બચાવ કરીને ટીમને જીત અપાવી. ભારતની આગામી મેચ બુધવારે નેધરલેન્ડ સામે થશે.
ભારત તરફથી જરમનપ્રીત સિંહ (1મી મિનિટ) અને અભિષેક (35મી મિનિટ)એ મેચના નિર્ધારિત સમયમાં ગોલ કર્યા હતા. દરમિયાન, જોસ બસ્ટેરા (ત્રીજી મિનિટ) અને બોર્જા લેકેલે (15મી મિનિટ) સ્પેન માટે ગોલ કર્યા હતા. અગાઉ, FIH રેન્કિંગમાં ચોથા ક્રમે રહેલા ભારતે ગયા અઠવાડિયે ભુવનેશ્વરમાં જ્યારે બંને ટીમો સામસામે આવી હતી ત્યારે વિશ્વના આઠમા નંબરના સ્પેનને 4-1થી હરાવ્યું હતું.
ભારતીય હોકી ટીમે શાનદાર શરૂઆત કરી અને મેચની પ્રથમ મિનિટમાં જ સરસાઈ મેળવી લીધી. પ્રથમ ક્વાર્ટરમાં ત્રણ ગોલ જોવા મળ્યા હતા. ભારત તરફથી જરમનપ્રીત સિંહે ફિલ્ડ ગોલ કર્યો હતો. આ પછી સ્પેને વળતો હુમલો કર્યો અને બે મિનિટ બાદ સ્કોર 1-1થી બરાબર કરી દીધો. ત્યાર બાદ જોસ બસ્ટેરાએ પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યો હતો. 6ઠ્ઠી મિનિટે આકાશદીપ સિંહે ભારત માટે પેનલ્ટી કોર્નર જીત્યો હતો, પરંતુ હરમનપ્રીત સિંહ ગોલ કરી શક્યો નહોતો. સ્પેને આક્રમણ કરવાનું ચાલુ રાખ્યું અને 15મી મિનિટે બોર્જા લેકલેએ ફિલ્ડ ગોલ કરીને સ્પેનની લીડ બમણી કરી.
પ્રથમ હાફના અંતે સ્પેને 2-1ની લીડ જાળવી રાખી હતી. બીજો ક્વાર્ટર ગોલ રહિત રહ્યો હતો. કોઈપણ ટીમ ગોલ કરવામાં સફળ રહી ન હતી. ભારતીય હોકી ખેલાડીઓએ સ્કોર બરોબરી કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થયા ન હતા. આ સાથે જ સ્પેને મેચમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું અને બે પેનલ્ટી કોર્નર જીત્યા હતા. પરંતુ ભારતના મજબૂત ડિફેન્સે ગોલ કરવાની કોઈ તક આપી ન હતી.
ત્રીજા ક્વાર્ટરમાં ભારતે સ્કોર 2-2થી બરાબર કરી લીધો હતો. આ ક્વાર્ટરમાં ભારતીય ટીમે પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કર્યો હતો. ભારતે પ્રથમ તક ગુમાવી પરંતુ બીજો પેનલ્ટી કોર્નર જવા દીધો નહીં. અભિષેકે 35મી મિનિટે ગોલ કરીને સ્કોર બરાબરી કરી હતી.
ચોથા અને અંતિમ ક્વાર્ટરમાં, બંને ટીમોને પોત-પોતાના ગોલ કરવાની તક મળી, પરંતુ બંને ટીમ તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી. ભારતીય ડિફેન્સે આ ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સ્પેનને ગોલ કરતા અટકાવ્યું. તે જ સમયે, ભારતીય ટીમ પેનલ્ટી કોર્નરથી ગોલ કરવામાં નિષ્ફળ રહી અને સ્કોર 2-2ની બરાબરી પર રહ્યો.
આ રીતે, ભારત અને સ્પેનનો સ્કોર નિર્ધારિત સમય સુધી 2-2થી બરાબર રહ્યો, જેના કારણે મેચ શૂટઆઉટમાં ગઈ. શૂટઆઉટ દરમિયાન ભારત માટે હરમનપ્રીત સિંહ, સુખજીત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, અભિષેક, રાજ કુમાર પાલે ગોલ કર્યા હતા. ભારતીય પુરુષ ટીમે સ્પેનને 8-7થી હરાવ્યું.