રાજ સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી યોજાનારા સેમિનારમાં રાજકોટ, મુંબઈ અને હૈદરાબાદના જાણીતા ન્યુરોસર્જન-ન્યુરોલોજીસ્ટ માર્ગદર્શન આપશે
ઈન્ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા રાજ સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી આવતીકાલે ન્યુરોલોજી અને ન્યુરોસર્જરી વિશે તબીબો માટેના ખાસ સેમીનાર ન્યુરોલોજી અને ન્યુરોસર્જરીમાં લમ્પ્સ-બમ્પ્સ-જર્કસનું આયોજન કરવામાં આવ્યું છે. એમ.આઈ.એમ.એ. રાજકોટના પ્રેસીડન્ટ જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો.હિરેન કોઠારી અને સેક્રેટરી ડો.પિયુષ ઉનડકટની સંયુકત યાદીમાં જણાવાયું છે. સેમીનારમાં આઈ.એમ.એ. રાજકોટના સભ્ય તબીબોને બ્રેઈન ટયુમર, માથાની ઈજા, આંચકી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. સ્પીડવેલ હોલ, બી.ટી.સવાણી હોસ્પિટલ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે યોજાનારા આ સેમીનારમાં મગજના રોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.
આઈ.એમ.એ. રાજકોટના યુવા સેક્રેટરી ડો.પિયુષ ઉનડકટે જણાવ્યું છે કે, તબીબો માટેના આ સેમીનારમાં બોમ્બે હોસ્પિટલ-મુંબઈના ન્યુરોસર્જરી વિભાગના હેડ ડો.કેકી તુરેલ, હૈદરાબાદની ક્રિષ્ના હોસ્પિટલના ન્યુરોસર્જરી-સ્પાઈન સર્જરી, સ્ટ્રોક યુનિટના સિનિયર ન્યુરોસર્જન ડો.માનસ પાનીગ્રહી, રાજકોટના જાણીતા ન્યુરોસર્જન ડો.રાજેન્દ્ર ત્રિવેદી, ડો.પ્રકાશ મોઢા, ન્યુરોલોજીસ્ટ ડો.તરૂણ ગોંડલીયા ન્યુરોલોજી અને ન્યુરોસર્જરી વિશે માહિતી આપશે. ડો.કેકી તુરેલ બ્રેઈન ટયુમર વિશે ડો.રાજેન્દ્ર ત્રિવેદી માથાની ઈજા વિશે, ડો.પ્રકાશ મોઢા મણકાની ઈજા વિશે, ડો.તરૂણ ગોંડલીયા આંચકીના રોગમાં દવાથી સારવાર તથા ડો.માનસ પારીગ્રહી આંચકીના રોગમાં સર્જીકલ સારવાર ક્ષેત્રે વિશ્ર્વ કક્ષાએ અદ્યતન શોધ અંગે માર્ગદર્શન આપશે.
ડો.કેકી તુરેલ બોમ્બે હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગના હેડ છે, તેમણે અત્યાર સુધીમાં દેશભરમાં અનેક લેકચર દ્વારા તબીબોને માર્ગદર્શન આપ્યું છે તેમણે દેશ ઉપરાંત યુએસએ, જર્મની, જાપાન સહિત ૬૦ જેટલા દેશોમાં અનેક વખત એકઝામીનર તરીકે તથા નિષ્ણાંત ફેકલ્ટી તરીકે ન્યુરોસર્જરી વિશે તબીબોને માર્ગદર્શન આપ્યું છે. સેમીનાર વિશે માહિતી આપતા જાણીતા ન્યુરોસર્જન ડો.રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે, બ્રેઈન ટયુમર, માથાની ઈજા, મણકાની ઈજા, આંચકી વગેરે રોગના લક્ષણો વિશે તમામ જનરલ પ્રેકટીશનરને માહિતગાર કરવામાં આવશે. આપણે ત્યાં મોટાભાગના લોકો સાથે જનરલ પ્રેકટીશનરને પારિવારીક સંબંધો હોય છે, જેતે પરીવાર પ્રથમ પોતાના ફેમીલી ડોકટર પાસે જ જતા હોય છે આથી જનરલ પ્રેકટીશનર મગજના વિવિધ રોગના લક્ષણો વિશે જાણકાર હોય તો જે તે પરીવારના સભ્યને સામાન્ય બિમારી વખતે જ તેના ફેમીલી ડોકટર તેના લક્ષણો પારખી શકે અને આંચકી, મણકાને લગતી બિમારી કે બ્રેઈન ટયુમર જેવી કોઈ બિમારીના લક્ષણ દેખાય તો વહેલા નિદાન કરાવી શકે. સેમીનારનું સંકલન સ્ટર્લીંગ હોસ્પિટલના ન્યુરોસર્જન ડો.પુનિત ત્રિવેદી કરી રહ્યા છે. સેમીનારના આયોજન માટે પ્રેસીડન્ટ ડો.હિરેન કોઠારી, સેક્રેટરી ડો.પિયુષ ઉનડકટ, પ્રોજેકટ કો.ઓર્ડીનેટર ડો.હેતલ વડેરા, ડો.ચિંતન ધોળકિયા, ડો.પ્રતિક બુઘ્ધદેવ સહિત આઈએમએની ટીમ તથા રાજ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડો.રાજેન્દ્ર ત્રિવેદી, મિહીર ત્રિવેદી સહિતની ટીમ આઈ.એમ.એ.ના મિડિયા કો-ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રાફિકસના વિજય મહેતા સેવા આપે છે.