હજુ નાના મોટા સાયબર ક્રાઈમને રોકવામાં પૂરતી ક્ષમતા નથી ત્યાં ક્રિપ્ટોકરન્સી જેવા ડિજિટલ ચલણનો વાયરસ રોકવો અશક્ય સમાન
ક્યાં, કોને, કેવી રીતે ફરિયાદ કરવી? કોઈ નિયંત્રણ વગર ધમધમતા ક્રિપ્ટોકરન્સીના વ્યવહારો અસુરક્ષિત
છેલ્લા થોડા વર્ષોમાં ક્રિપ્ટોકરન્સી તરફ અનેક નાના-મોટા રોકાણકારો આકર્ષાયા છે. અલગ અલગ પદ્ધતિથી ક્રિપ્ટોકરન્સી મા રોકાણ કરવા માટે પ્રયાસો થાય છે. આ પ્રકારની ડિજિટલ કરન્સી હજુ કોઈ દેશના નિયંત્રણમાં નથી પરિણામે મહામુલુ મૂડીરોકાણ કોઈ પણ વ્યક્તિ ગુમાવી શકે છે આવા સંજોગો ઊભા થાય તો ક્યાં, કોને અને કેવી રીતે ફરિયાદ કરવી? તેની પણ જાણ નથી. અધૂરામાં પૂરું ક્રિપ્ટોકરન્સીના વાયરસને નાથવા ભારતીય કાયદાઓ ઉણા ઉતારે છે.
હાલ તો સરકાર પણ ક્રિપ્ટોકરન્સી ને લીગલ ટેન્ડર કે કોઈના તરીકે વ્યાખ્યાયિત કરતી નથી અલબત્ત ક્રિપ્ટોકરન્સીનું રોકાણ ગેરકાયદે પણ ગણવામાં આવતું નથી. પરિણામે કાયદાની આંટીઘૂંટી માં અત્યારે તો વ્યવહારો ચાલી રહ્યા છે જોકે આવી કરન્સી નિયંત્રિત થતી ન હોવાના કારણે દેશવાસીઓના નાણાંની સુરક્ષા કરવાની ફરજ સરકારની છે જેથી ક્રિપ્ટોકરન્સીને પોતાના દાયરમાં લેવામાં આવે તેવી વિચારણા પણ હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત ક્રિપ્ટોકરન્સી દ્વારા થતા વ્યવહારો દેશની સુરક્ષા માટે પણ જોખમી બન્યા છે. મસમોટા હવાલા અથવા તો આતંકવાદીઓને નાણાં આપવા માટે ક્રિપ્ટોકરન્સી નો ઉપયોગ થઇ શકે તેવી દહેશત છે. અગાઉ પણ અનેક હવાલા ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી થતા હોવાની વાત સામે આવી હતી. માટે તાજેતરમાં જ આર્થિક બાબતોના પૂર્વસચિવ સુભાષચંદ્ર ગર્ગ દ્વારા ખાનગી ક્રિપ્ટોકરન્સી ઉપર પ્રતિબંધ મૂકી દેવાની વાત ઉચ્ચારવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ડિજિટલ કરન્સી તરફ લોકોનો ક્રેઝ થોડા વર્ષોથી વધ્યો છે. મસમોટું વળતર મળતું હોવાના કારણે ઘણા લોકોએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે ખાસ કરીને બિટકોઈન જેવી કરન્સીમાં રોકાણ નું ચલણ વધ્યું છે. જોકે હજુ રોકાણની સુરક્ષા ઉપર સવાલો છે. અવિશ્વાસના વાતાવરણ વચ્ચે પણ થતા રોકાણને સુરક્ષિત રાખવાનો પ્રયાસ સરકાર કરે છે જે માટે સંસદમાં બિલ પણ લાવવાની તૈયારીમાં સરકાર છે. અલબત્ત ક્રિપ્ટોકરન્સી કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા સંચાલિત આ નથી પરિણામે તેને દાયરામાં લાવવા માટેનું કામ લોઢાના ચણા ચાવવા જેવું છે.
બીજી તરફ સરકાર પોતાની જ ડિજિટલ કરન્સી વિકસાવવાની વિચારણા કરતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. લક્ષ્મીને ડિજિટલ સ્વરૂપ આપવા માટે સરકારે કેટલાક પગલા લીધા હોવાની પણ વાત બહાર આવી છે. અન્ય કોઈ ખાનગી ડિજિટલ કરન્સીમાં આ સુરક્ષિત રોકાણ થાય તેના કરતા સરકારની જ ડિજિટલ કરન્સી તરફ રોકાણકારો વળે તે સ્વિકૃત બાબત છે. ચીન દ્વારા તો વર્ષો પહેલા જ પોતાની અલાયદી ડિજિટલ કરન્સી ઉપર કામ થઈ ચૂક્યું છે.
ક્રિપ્ટોકરન્સી નિયંત્રિત કરવા રિઝર્વ બેન્ક અને સેબીના હાથ કપાયેલા
વર્તમાન સમયે ક્રિપ્ટોકરન્સી સત્તાવાર ચલણ, મિલકત, સિક્યુરિટી કે કોમોડિટીની વ્યાખ્યામાં આવતી નથી. પરિણામે સેબી અને રિઝર્વ બેંકના હાથ બંધાયેલા છે. ક્રિપ્ટોકરન્સીના ખરીદ વેચાણમાં સેબીના નિયમો લાગતા નથી.