ભારત સાત સૌથી મોટા ઊભરતાં બજારો અને વિકાસશીલ અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનવાની અપેક્ષા

ચીનમાં વધતો જતો કોરોનાનો ભરડો વધુ એકવાર વિશ્વ આખામાં કહેર મચાવે તેવી દહેશત અને રશિયા-યુક્રેન યુદ્ધની વણસતી જતી પરિસ્થિતિને ધ્યાને રાખીને વિશ્વબેંકે વિશ્વના દેશોનો વિકાસદરનો અંદાજ કાઢ્યો છે. જેમાં મોટાભાગના દેશોમાં આર્થિક મંદી આવવાના એંધાણ છે પરંતુ ભારત આ આફતને અવસરમાં પલટાવી તેનો વિકાસદર જાળવી રાખશે તેવું અનુમાન વિશ્વબેંકે કાઢ્યું છે. વિશ્વ બેંકના અહેવાલ અનુસાર જ્યાં એકતરફ વિશ્વભરના દેશો આર્થિક મંદીમાં સંપડાય તેવો અંદાજ છે ત્યાં બીજી બાજુ ભારત સાત સૌથી મોટા ઊભરતાં બજારો અને વિકાસશીલ અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બને તેવી અપેક્ષા છે.

વર્લ્ડ બેંકે તેના ગ્લોબલ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટમાં જણાવ્યું છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં બહાર પાડવામાં આવેલા તેના ઈન્ડિયા ઈકોનોમિક અપડેટ રિપોર્ટના સ્તરે જ ભારતનો વિકાસ અંદાજ જળવાઈ રહ્યો છે.

ભારતમાં વૃદ્ધિ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૮.૭% થી નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૬.૯% સુધી ધીમી રહેવાનો અંદાજ હતો. જે બાદમાં જૂનથી સુધારેલો વિકાસ દર ૦.૬ ટકા પોઈન્ટ નીચો રાખવામાં આવ્યો હતો પરંતુ ફરીવાર ડિસેમ્બર ૨૦૨૨માં ભારતનો વિકાસ દર ૬.૯% રહેશે તેબો અહેવાલ વિશ્વ બેંકે આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જે સમયમાં ભારતના વિકાસદરનું આંકલન નીચું કરવામાં આવ્યું હતું ત્યારે વિશ્વ આખું કોરોનાના ભરડા હેઠળ આવી ગયું હતું અને બીજી બાજુ રશિયા-યુક્રેન યુદ્ધને લીધે વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું.

વિશ્વ બેંકે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સાત સૌથી મોટા ઊભરતાં બજારો અને વિકાસશીલ અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનવાની અપેક્ષા છે.જો કે, વિશ્વ બેંકે નોંધ્યું છે કે, અંદાજિત વૈશ્વિક મંદીના કારણે ભારતની વૃદ્ધિની ગતિ ધીમી થવાની સંભાવના છે.

વિશ્વની તમામ ટોચની અર્થવ્યવસ્થાઓ જેવી કે,  યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ અને ચીનમાં નબળા વિકાસ દરને કારણે વૈશ્વિક અર્થતંત્ર આ વર્ષે મંદીના ભરડામાં આવશે તેવી વિશ્વ બેંકે ચેતવણી આપી છે.

જો કે યુનાઇટેડ સ્ટેટ્સ આ વર્ષે મંદી ટાળી શકે છે તેવી આગાહી વિશ્વ બેંકે કરી છે. વિશ્વ બેંકે કહ્યું છે કે, યુએસ અર્થતંત્ર ૦.૫% ની વૃદ્ધિ કરશે. વૈશ્વિક અર્થતંત્રની નબળાઈ ઉચ્ચ કિંમતો અને વધુ ખર્ચાળ ઉધાર દરોની ટોચ પર આવવાની શક્યતા છે. જો કોરોના મહામારી પર અંકુશ નહીં આવે અથવા યુક્રેનમાં રશિયાનું યુદ્ધ વધુ વણસી જાય તો યુનાઇટેડ સ્ટેટ્સ વધુ સપ્લાય ચેઇન વિક્ષેપ માટે પણ સંવેદનશીલ રહે છે અને યુરોપ કે જે લાંબા સમયથી ચીનનો મુખ્ય નિકાસકાર છે તે સંભવતઃ નબળી ચીની અર્થવ્યવસ્થાથી પીડાશે.

વિશ્વ બેંકના અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપ જેવી વિકસિત અર્થવ્યવસ્થાઓમાં વ્યાજ દરો વધવાથી ગરીબ દેશોમાંથી રોકાણ મૂડી આકર્ષિત થશે, જેનાથી તેઓ નિર્ણાયક સ્થાનિક રોકાણથી વંચિત રહેશે.

અમદાવાદની બજારોમાં સોનાનો ભાવ ૫૮૦૦૦ના રેકોર્ડબ્રેક સ્તરે પહોંચ્યો !!

ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો છે. બે દિવસના ઘટાડા પછી અમદાવાદના બજારમાં સોનાની કિંમત પ્રતિ ૧૦ ગ્રામ રુપિયા ૧૮૦૦ વધીને રુપિયા ૫૮,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. સ્થાનિક સોનાના ભાવમાં આંતરરાષ્ટ્રીય તેજી જોવા મળી હતી. જેણે યુએસમાં નબળા આર્થિક સૂચકાંકો અને રોજગાર ડેટાના કારણે યુએસ ડોલરના અવમૂલ્યન તરીકે મજબૂત લાભ નોંધાવ્યો છે. તો સોનાના ભાવમાં હજુ પણ વધારો થવાની ધારણા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાના ભાવ વધીને ૧૮૬૩.૧૮ ડોલર થયા છે.

ઈન્ડિયા બુલીઅન અને જ્વેલર્સ એસોસિએશનના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું કે, અમેરિકામાં નોકરીઓ, નોન ફાર્મ પેરોલ ડેટાના પરિણામે ઓછી આક્રમક ફેડની અપેક્ષાઓ વચ્ચે ભાવમાં તેજી જોવા મળી હતી. જેના કારણે ડોલર ઈન્ડેક્સ અને ટ્રેઝરી પેદાશમાં ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિત આર્થિક સ્થિતિના કારણે સોનામાં સુરક્ષિત રોકાણમાં વધારો થયો છે. વધુમાં ભારતીય રુપિયાના અવમૂલ્યનના કારણે અહીં સોનાના ભાવમાં અસરકારક વધારો થયો છે.

વૈશ્વિક અર્થતંત્ર પર સતત વધતા જોખમને પગલે સોનુ રૂ. ૬૧,૦૦૦ ની સપાટી વટાવે તેવા એંધાણ !!

ઈન્ડિયા બુલીઅન અને જ્વેલર્સ એસોસિએશનના ડિરેક્ટર હરેશ આચાર્યએ એવું જણાવ્યું કે, રોકાણકારો રોકાણ કરવા માટે ઘટાડાની રાહ જોઈ રહ્યા છે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ વધીને રુપિયા ૬૧,૦૦૦ પ્રતિ ગ્રામની ટોચે પહોંચે એવી અપેક્ષા છે. તો જ્વેલર્સ એસોસિએશન અમદાવાદના પ્રેસિડન્ટ જીગર સોનીએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં ઉંચી કિમતો એક મુખ્ય અવરોધ બની રહેશે. લગ્નની સિઝનના કારણે સોનાની માંગ વધુ રહેવાની આશા છે. જો કે, આટલા ઉંચા ભાવ ગ્રાહકોને અનૂકુળ ન હોઈ શકે. જેના કારણે તેઓ જૂના દાગીનાઓના બદલામાં નવા દાગીના ખરીદે છે.

ટાટા ગ્રૂપ આઈફોન પ્લાન્ટ હસ્તગત કરી ચીનને સીધી ટક્કર આપશે !!

ટાટા ગ્રૂપ ભારતમાં આઇફોનનું મેન્યુફેક્ચરિંગ કરતા વિસ્ટ્રોન કોર્પોરેશનનો પ્રોડક્શન પ્લાન્ટ ટેકઓવર કરવા વાટાઘાટો કરી રહ્યુ છે અને આ સોદો માર્ચ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ સોદો થયો તો ભારત ચીનને સીધી ટક્કર આપશે. ઓટોમોબાઈલથી લઈને સોફ્ટવેર સુધીના બિઝનેસમાં અગ્રણી ટાટા ગ્રૂપ હવે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કરવાની પણ તૈયારી કરી રહ્યુ છે. વાત જાણે એમ છે કે ટાટા ગ્રૂપ દક્ષિણ ભારતમાં આવેલા વિસ્ટ્રોન કોર્પોરેશન કંપનીના પ્લાન્ટને ટેકઓવર કરવાની તૈયારી કરી રહ્યુ છે જે તેને ભારતનો પ્રથમ સ્વદેશી આઈફોન મેન્યુફેક્ચર્સ બનાવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર ટાટા ગ્રૂપ તાઇવાનના વિસ્ટ્રોન કોર્પોરેશનના પ્લાન્ટને ટેકઓવર કરવા ઘણા મહિનાઓથી વાટાઘાટો કરી રહ્યુ છે અને આ સોદો કદાચ માર્ચ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. ટાટા ગ્રૂપ દ્વારા લગભગ ૫૦૦૦ કરોડ રૂપિયામાં વિસ્ટ્રોન કોર્પોરેશનનો આઇફોન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખરીદવાની મંત્રણા એડવાન્સ તબક્કામાં છે.જો આ સોદો થયો તો ભારત ચીનને સીધી ટક્કર આપશે. આઇફોન સહિત ઘણી કંપનીઓ હાલ ચીનમાં રહેલા તેમના પ્લાન્ટ અન્યત્ર સ્થળાંતર કરવા નજર બીજા દેશો તરફ નજર દોડાવી રહી છે જેમાં ભારતનો સમાવેશ થાય છે.

ઘણી કંપનીઓએ ભારતમાં તેમનો પ્લાન્ટ સ્થાપવા ઉત્સુકતા દર્શાવી છે.ભારત અને ચીનમાં ફોક્સકોન અને વિસ્ટ્રોન જેવી મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ આઈફોન એસેમ્બલ કરે છે. આ ડીલને લઈને લગભગ બે મહિનાથી વાતચીત ચાલી રહી હતી. ટાટા ગ્રૂપની પૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ તે પહેલેથી જ એપલ કંપનીના પ્રોડક્ટ્સ માટેના વિવિધ પાર્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જો આ સોદો થશે તો તે દેશમાં આઇફોનના પ્રોડક્શનની વિસ્ટ્રોનની ક્ષમતામાં લગભગ પાંચ ગણો વધારો કરશે.

અદાણી જૂથે ઇઝરાયલના સૌથી મોટા બંદરો પૈકી હાઇફા પોર્ટ હસ્તગત કર્યું: ભૂમધ્ય સમુદ્ર હસ્તક આરબ દેશોમાં વેપારના નવા દ્વાર ખુલશે !!

ભારતના અદાણી જૂથની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે ઉત્તર ઇઝરાયેલમાં હાઇફા પોર્ટની ખરીદી ૪ અબજ શેકેલ (૧.૧૫ બિલિયન ડોલર- આશરે ૯૫૦૦ કરોડ રૂપિયા)માં પૂર્ણ કરી છે, એમ ઇઝરાયેલના નાણા મંત્રાલયે મંગળવારે સતાવાર જણાવ્યું હતું. ઇઝરાયેલનું આ મહત્ત્વનું બંદર ભૂમધ્ય સમુદ્ર કોસ્ટ પર આવેલું છે અને તેનું ખૂબ જ ઐતિહાસિક મહત્વ છે. હાલમાં, ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું આ બંદર વેપારના સૌથી મોટા કેન્દ્રોમાંનું એક છે.

ઈઝરાયેલે જણાવ્યું કે ભારતીય કંપની અદાણી પોર્ટ્સ અને સ્થાનિક કેમિકલ અને લોજિસ્ટિક્સ કંપની ગેડોટ સાથે મળીને આ પોર્ટ ખરીદવા જઈ રહી છે. બંનેએ મળીને ૪.૧ બિલિયન શેકેલની બિડ કરી હતી, જે સૌથી મોટી હોવાનું જાણવા મળ્યું હતું. શેકેલ્સ ઇઝરાયેલનું સત્તાવાર ચલણ છે. જો તમે આ રકમને કન્વર્ટ કરો છો, તો તે લગભગ ૧.૧૮ બિલિયન ડોલર એટલે કે લગભગ ૯૪૨૯ કરોડ રૂપિયા થાય છે.

ઈઝરાયેલનો લગભગ ૯૮ ટકા વેપાર દરિયાઈ માર્ગે થાય છે. સરકાર આર્થિક વૃદ્ધિ જાળવી રાખવા માટે આ ક્ષેત્રમાં સતત સુધારો કરી રહી છે. તાજેતરના સમયમાં પાડોશી આરબ દેશો સાથે ઈઝરાયેલના સંબંધો સુધર્યા છે. આનાથી અદાણીની સાથે સાથે ઈઝરાયેલને પણ ફાયદો થશે, કારણ કે હાઈફા આરબ દેશો સાથેના વેપાર માટે સૌથી મહત્વપૂર્ણ સ્થાન પર છે. ડીલ પછી, હાઈફા પોર્ટે કહ્યું કે નવું જૂથ ૨૦૫૪ સુધી તેની કામગીરી સંભાળશે. પોર્ટે એમ પણ કહ્યું હતું કે તેને મળેલી બિડ અપેક્ષા કરતાં ઘણી વધારે હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.