અટલ બિહાર વાજપેયી સરકારમાં નાણામંત્રી રહેલા ભાજપના દિગ્ગજ નેતા યશવંત સિન્હાએ લેખ લખીને હાલની એનડીએ સરકાર અને નાણામંત્રી અરુણ જેટલી પર અનેક પ્રહારો કર્યાં જેના કારણે કેન્દ્ર સરકાર બેકફૂટમાં જોવા મળી રહી હતીં. યશવંત સિન્હાને જવાબ આપવા માટે બીજુ કોઈ નહીં પરંતુ તેમના જ પુત્ર જયંત સિન્હા મેદાને પડ્યા છે. જયંતના પિતા યશવંત સિન્હાએ બુધવારે એક લેખમાં નાણામંત્રી અરુણ જેટલી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે દેશની અર્થવ્યવસ્થાનો કબાડો કરી નાખ્યો છે. જયંતે પિતાને કાઉન્ટર કરતા એક અંગ્રેજી અખબારમાં લેખ લખ્યો. તેમણે જણાવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા અંગે હાલના દિવસોમાં અનેક લેખ લખાયા છે. પરંતુ તે બધા નાના તથ્યો પર આધારિત છે. જેમાં ફંડામેન્ટલ સ્ટ્રક્ચરલ રિફોર્મથી અંતર જાળવવામાં આવ્યું છે. અર્થવ્યવસ્થામાં તેનાથી સુધારો આવી રહ્યો છે. સરકારે એવા અનેક સુધારા કર્યા છે જેનો ફાયદો આવનારા દિવસોમાં લોકોને મળશે.
જયંત સિન્હાના લેખ પર ચિદમ્બરમે કર્યો કટાક્ષ
પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે એક પછી એક ટ્વિટ કરીને જયંત સિન્હાના લેખ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જયંત સિન્હાનો લેખ PIBની પ્રેસ રિલિઝ જેવો છે. તેમને ખબર હોવી જોઈએ કે પ્રશાસનિક ફેરફાર સ્ટ્રક્ચરલ રિફોર્મ નથી. તેમણે કહ્યું કે જો જયંત સિન્હા સાચા છે તો જીડીપીમાં છેલ્લા 5 ત્રિમાસિકમાં ઘટાડો કેમ જોવા મળી રહ્યો છે? તેમણે એમ પણ સવાલ કર્યો કે જો જયંત સાચા છે તો ખાનગી રોકાણમાં ઘટાડો કેમ જોવા મળી રહ્યો છે? ઈન્ડસ્ટ્રીનો ક્રેડિટ ગ્રોથ કેમ નેગેટિવ છે? વીજળીની માગણીમાં કેમ ઘટાડો છે?