અમેરિકામાં એક ભારતીયની હત્યા કરવામાં આવી છે. કેન્સાસ રાજ્યના ઈસ્ટ વિચિતામાં બુધવારે ભારતીય મૂળના એક ડોક્ટરની છરીના ઘા જીકીને હત્યા કરવામાં આવી છે. અચ્યુતા રેડ્ડી એક જાણિતા મનોચિકિત્સક હતા અને તેલંગણાના નાલાગોંડા જિલ્લાના વતની હતા. અમેરિકન પોલીસે આ મામલે એક 21 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. યુવકનું નામ ઉમર રશિદ છે, તેમજ તે પણ ભારતીય મૂળનો છે. પોલીસે હાલ તેને જેલમાં મોકલી દીધો છે. હત્યા કયા કારણોસર કરવામાં આવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી ડો. અચ્યુતા રેડ્ડીનો દર્દી હોવાનું જાણવા મળ્યું છે. તેને વિચિટા શહેરમાં આવેલા કન્ટ્રી ક્લબમાંથી દબોચી લેવામાં આવ્યો છે. અહીંયા તે પાર્કિંગમાં લોહીના ખાબોચિયામાં બેઠો હતો. આ વર્ષે આ બીજી તેલંગણાના વતનીની હત્યા છે, આ પહેલા શ્રીનિવાસ કુચિભોટલાની ફેબ્રુઆરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી