ધોની, રૈનાને ક્રિકેટ નિવૃત્તિની શુભેચ્છા પાઠવતું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃતિ જાહેર કરી છે ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને તેમની સાથેના સંસ્મરણો તાજા કરી જણાવ્યું છે કે, ભારતીય ક્રિકેટમાં તેમણે આપેલું યોગદાન મહત્વનું છે. તેમનું આ યોગદાન કાયમ યાદ રહેશે.
બીસીસીઆઈના પૂર્વ માનદ મંત્રી નિરંજન શાહે જણાવ્યું હતું કે, મારા માનદ મંત્રીના કાર્યકાળ દરમિયાન ધોનીની ભારતીય ટીમના સ્કીપર તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ સમયે તેણે અમારો વિશ્વાસ અને આશા પરિપૂર્ણ કરી હતી. તે ક્રિકેટ જગતના બેસ્ટ વિકેટ કિપર અને સારા કેપ્ટન હતા. તે ક્રિકેટના તમામ પ્રકાર માટે અદ્ભૂત હતા. તેમણે ભારતીય ક્રિકેટને આપેલું યોગદાન અમુલ્ય છે અને તે કાયમ માટે યાદ રહેશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું કે, ક્રિકેટના તમામ પ્રકાર માટે તે સારા ક્રિકેટર હતા અને ખરેખર કેપ્ટન કુલ હતા તે એક અનન્ય અને મહત્વના આગેવાન હતા. તેમની આ નિવૃતિથી એક યુગનો અંત આવ્યો છે. અમે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તેમની જીવનની આ બીજી ઈનીંગની શુભેચ્છા પાઠવીએ છીએ.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને જણાવ્યું હતું કે, ધોની અત્યાર સુધીના સફળ કેપ્ટન હતા. તેમણે ક્રિકેટના તમામ ફોર્મમાં અદ્ભૂત પ્રદર્શન કર્યું હતું અને પોતે રમત માટે ઉચ્ચ ગુણવતા જાળવી રાખી હતી. તેઓ ખરેખર મેદાન ઉપર અને મેદાન બહાર પણ જેન્ટલમેન હતા. ધોનીના નિર્ણયના બીજા દિવસે જ ભારતીય ક્રિકેટના ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ૧૩ વર્ષની કારકિર્દી દરમિયાન ભારતની ટીમમાંથી ૧૮ ટેસ્ટ મેચ, ૨૨૬ વન-ડે અને ૭૯ ટી-૨૦માં પોતાનું ક્રિકેટ કૌશલ્ય પ્રદર્શિત ર્ક્યું હતું.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના માનદ મંત્રી જય શાહે રૈના અંગે જણાવ્યું હતું કે, સુરેશ રૈના ટી-૨૦ના સારામાં સારા બેટ્સમેન હતા. ડાબોડી બેટ્સમેને ક્રિકેય કારકિર્દી દરમિયાન અદ્ભૂત કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.