ગીફટસીટીની ‘ગીફટ’
આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકિય વ્યવહારો સહિત અનેકવિધ પ્રશ્નોનું આવશે નિરાકરણ
દેશને આર્થિક રીતે મજબુત બનાવવા અને વડાપ્રધાન મોદીના ૫ ટ્રિલિયન ડોલર ઈકોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના ઉધોગોને વેગવંતુ બનાવવા માટે અનેકવિધ યોજનાઓને અમલમાં મુકવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરને ગીફટ સીટી આપી છે કે જયાં ઉધોગકારો પોતાના ઉધોગ સ્થાપી દેશ અને રાજયોની ઉન્નતિમાં સહભાગી થઈ શકે ત્યારે ફરી એક વખત સરકારે નવતર પ્રયોગ હાથ ધર્યો છે અને દેશની કંપનીઓને વિદેશના ૭ દેશોમાં નોંધણી કરવા માટેની મંજુરી આપી છે. આ પ્રયોગ થકી કંપનીઓની વૈશ્ર્વિક ઓળખ, નિકાસ અને જે નાણાકિય પ્રશ્નો ઉદભવિત થતા હતા તેના ઉપર પૂર્ણવિરામ મુકવામાં આવશે. બીજી તરફ વાણિજય મંત્રાલય દ્વારા ગીફટ સીટીને ગીફટ આપવામાં આવી છે જેમાં ભારતની કંપનીઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકશે. જે કંપનીઓ વિદેશના ૭ દેશો અને ગીફટ સીટીમાં પોતાનો ઉધોગ સ્થાપવા માટે આગળ આવશે તેઓને અનેકવિધ રીતે સહાય પણ અપાશે જેથી તેમનો વ્યવસાય પણ પૂર્ણરૂપથી ચાલી શકે.
કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી તથા ઈકોનોમી અફેર્સ વિભાગના સંપર્ક સુત્રો દ્વારા એ માહિતી પ્રાપ્ત થઈ છે કે, ભારતીય કંપનીઓ યુનાઈટેડ સ્ટેટ યુ.કે., જાપાન જેવા દેશોમાં પોતાના ઉધોગો સ્થાપિત કરી શકશે જેમાં સિંગાપોર અને હોંગકોંગનો પણ સમાવેશ થયો છે. હાલ ભારતની કંપનીઓ વૈશ્વિક ફલક ઉપર પહોંચવા માટે ઘણી મથામણ કરવી પડતી હોય છે.
ઘણા દસ્તાવેજો પણ આપવા પડતા હોય છે પરંતુ હવે આ ચિત્ર બદલાશે અને ભારતીય કંપનીઓને વૈશ્ર્વિક ફલક ઉપર પ્રસ્થાપિત થવા માટે સરકારે તેઓને સોનેરી તક આપી છે. વિદેશમાં જે કંપનીઓની નોંધણી થશે તેઓને બીજી તક એ પણ સાંપડશે કે જે-તે દેશના સ્ટોક એકસચેન્જમાં તેઓને લીસ્ટ થવા માટેની તક પણ ઉભી થશે જેને પહોંચી વળવા માટે ભારતીય કંપનીઓ સજજ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.
સંપર્ક સુત્રો દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે હાલ ચાઈના સાથેના તણાવને ધ્યાને લઈ ભારત નજીકના સમયમાં હોંગકોંગ ખાતે કંપનીઓની સ્થાપના નહીં કરે પરંતુ ગુજરાત રાજય માટે એક વિપુલ તક પણ ઉભી થઈ છે કે સરકારે ગાંધીનગર ખાતે ગીફટ સીટીનું નિર્માણ કર્યું છે જેથી જે કંપનીઓ પોતાનો વ્યવસાય ગીફટ સીટી ખાતે સ્થાપશે તો તેઓને અનેકવિધ રીતે સહાયો પણ મળવાપાત્ર રહેશે. બીજી તરફ સરકાર સ્ટાર્ટઅપને પણ પ્રાધાન્ય આપી રહ્યું છે જેથી આવનારા સમયમાં નવા ઉધોગો પણ સ્થાિ૫ત થશે કે દેશને નવી ઉંચાઈ સુધી પહોંચાડવા કારગત નિવડશે. ભારત દેશની વાત કરવામાં આવે તો હાલ દેશની આર્થિક વ્યવસ્થા અત્યંત ડામાડોળ હોવાના પગલે તેઓને પ્રોત્સાહન આપવામાં આવશે. મોદી સરકાર દ્વારા કંપનીઝ એકટમાં ફેરફાર કર્યા હોવાના કારણે ઉધોગકારોને ઉધોગો સ્થાપિત કરવા માટે જે પ્રશ્ર્ન ઉદભિવત થતા હતા તે હવે નહીં થાય તેઓ હવે સરળતાથી જ પોતાનો વ્યવસાય ઉભો કરી શકશે અને દેશને આર્થિક રીતે મજબુતી આપવા માટે મદદરૂપ સાબિત થશે.
દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે જો કોઈ વિકલ્પ સામે હોય તો એ જ છે કે ઉધોગોને વધુને વધુ પ્રાધાન્ય આપવામાં આવે અને તેઓની જરૂરીયાતોને પણ પુરી કરવામાં આવે. આ મુદ્દાને ધ્યાને લઈ સરકારે દુરંદેશી વિચાર કરી ભારતીય દેશની કંપનીઓને વિદેશમાં નોંધણી કરવા માટેની જે મંજુરી આપી છે તે ખરાઅર્થમાં સકારાત્મક નિર્ણય માનવામાં આવી રહ્યો છે કારણકે જે ભારતીય કંપનીઓ વિદેશમાં નોંધણી કરાવશે તેઓની આર્થિક સ્થિતિમાં અનેકઅંશે સુધારો થશે તેનો સીધું જ પરિણામ ભારત દેશની અર્થવ્યવસ્થા ઉપર પણ જોવા મળશે. હાલ ભારત ચાઈનાનો વિકલ્પ વિદેશના અન્ય દેશોમાં જોઈ રહ્યું છે તે એવી જ રીતે વિદેશના દેશો પણ ચાઈનાને સાઈડ કરી પોતાનું રોકાણ ભારત દેશમાં લાવવા માટે પ્રેરિત થયા છે જેથી ભારતીય કંપનીઓ જો ઉત્પાદન ક્ષેત્રે આગળ આવશે તો તેમના માટે આવનારો સમય સુવર્ણકાળ સમાન સાબિત થશે જેને ધ્યાને લઈ સરકારે ભારતીય કંપનીઓને વિશ્ર્વના સાત દેશોમાં નોંધણી કરવાની છુટ આપી છે અને જે ૭ દેશો છે તે આર્થિક રીતે અત્યંત સઘ્ધર હોવાથી ભારત દેશને તેનો પુરતો લાભ મળી રહેશે.