આગ લાગતા બળીને ખાખ થયેલી બોટની જળસમાધી: ઘટના મુદ્દે તપાસ હાથ ધરાઈ
દ્વારકા જિલ્લાના ઓખા નજીક ભારતીય જળસીમામાં માછીમારી બોટમાં આગ ભભૂકી ઉઠતા કોસ્ટ ગાર્ડની ટીમ તુરંત જ દોડી ગઇ હતી.બોટના તમામ સાત ખલાસીઓને રેસ્કયુ કરી અન્ય બોટ મારફતે ઓખા બંદરે લઇ જવાયા હતા.જયારે આગના કારણે બોટ બળીને ખાખ થયાનુ જાણવા મળ્યુ છે.
ભારતીય જળસીમા નજીક કૈલાસરાજ બોટમાં રવિવારે અચાનક આગ લાગી હતી જે ઘટનાની જાણ બીજી માછીમારી બોટને થતા તુરંત જ કોસ્ટ ગાર્ડને બનાવથી માહિતગાર કરાયા હતા જેથી તુરંત કોસ્ટ ગાર્ડની ટીમ ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી.બોટના તમામ ૭ ખલાસીઓને આબાદ બચાવી સહી સલામત રીતે જરૂરી સારવાર આપી અન્ય બોટમાં રવાના કરાયા હતા.
સંભવત બોટમાં ડીઝલ લીકેજ થતા આગ લાગી હોવાનુ હોવાનુ જાણવા મળ્યુ છે. જયારે આગના કારણે બોટ મહદઅંશે બળીને ખાખ થતા જળસમાધી થઇ હતી. આ સમગ્ર ઘટના મામલે કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારોની પુછપરછ સાથે તપાસ હાથ ધરાઇ હતી. આ બનાવથી થોડા સમય માટે ભારે દોડધામ મચી હતી.
ભારતીય તટરક્ષક દળનું જહાજ આઇસીજીએસ આરુષ ૭ નવેમ્બર ૨૦૨૧ ના રોજ જ્યારે આંતરરાષ્ટ્રીય જળસીમાની નજીકમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે આ જળક્ષેત્રમાં આગ લાગેલી હોડી ‘કળશ રાજ’માં ફસાયેલા ૭ માછીમારોને આ વિસ્તારમાં આવેલી અન્ય હોડીઓ સાથે સંકલન કરીને તમામને બચાવી લીધા હતા. આ હોડીમાં એન્જિનમાંથી ઇંધણ લીકેજ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.
આઇસીજીએસ આરુષ કમાન્ડન્ટ (જેજી) અશ્વિની કુમારના કમાન્ડ હેઠળ મહત્તમ ઝડપે ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. હોડીમાં આગ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી હોવાથી તેને બચાવી શકાઇ નહોતી અને છેવટે પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. બચાવી લેવામાં આવેલા ક્રૂને જ્યારે જહાજમાં બોર્ડ પર લાવવામાં આવ્યા ત્યારે અશક્ત અવસ્થામાં હતા અને દેખીતી રીતે થાકેલા હતા. તેમને આઇસીજી જહાજ પર પ્રાથમિક સારવાર અને પ્રારંભિક સહાય પૂરી પાડવામાં આવી હતી.
આઇસીજી જહાજ સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યું હોવાથી બચાવી લેવામાં આવેલા માછીમારોને નજીકમાં કામ કરી રહેલી અન્ય માછીમારી હોડીમાં મોકલીને ઓખા રવાના કરવામાં આવ્યા હતા.